II नारद उवाच II सभा वैश्र्वणि राजन शतयोजनमायता I विस्तीर्णा सप्ततिश्चैव योज्नातिसितप्रभा II १ II
નારદ બોલ્યા-હે મહારાજ,કુબેરની ઉજ્જવળ કાંતિવાળી સભા,લંબાઈ-પહોળાઈમાં સો યોજન છે અને
વિસ્તારમાં સિત્તેર યોજન ફેલાયેલી છે.કુબેરે પોતાના તપથી તેને પ્રાપ્ત કરી છે.કૈલાશ પર્વતના શિખર જેવી
એ સભા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે છે.ગુહ્યકોથી,એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતી તે સભા જાણે આકાશમાં જડાઈ હોય એમ શોભે છે.તે સભા,દિવ્ય સુવર્ણમય ભવનોથી સુશોભિત છે.દિવ્ય ગંધોથી ભરેલી તે મોટાં રત્નોથી જડિત છે.સફેદ વાદળાંના શિખર જેવી તે જાણે તરતી હોય તેમ દેખાય છે (4)
તે સભામાં,વિવિધ અલંકારો ને અંબરો ધારણ કરેલા,ઝળહળતાં કુંડળ પહેરેલા અને સહસ્ત્ર સ્ત્રીઓથી વીંટાયેલા શ્રીમાન કુબેરરાજ બેસે છે.સૂર્યના જેવી કાંતિવાળા,દિવ્ય પાથરણાવાળા ને દિવ્ય પગપાવડીવાળા પવિત્ર ઉત્તમાસન ઉપર તે વિરાજે છે.તે વખતે નંદનવનની સુગંધને વહેતો શીતળ તરહ હૃદયહારી વાયુ એ કુબેરની સેવા કરે છે.ત્યાં દેવો સાથે આવેલા ગંધર્વો ને અપ્સરાઓનાં વૃંદો દિવ્ય તાનોથી ગાન કરે છે (9)
ત્યાં,મિશ્રકેશી,રંભા,ચિત્રસેના,શૂચિસ્મિતા,ચારુનેત્રા,ધૃતાચી,મેનકા,પુંજિકસ્થલા,વિશ્વાચી,સહજન્યા,પ્રમ્લોચા,
ઉર્વશી,ઇરા,વર્ગા,સૌરભેત્રી,સમીચી,બુદબુદા,તેમજ લતા અને નૃત્ય-ગીતમાં કુશળ એવા બીજા હજારો ગંધર્વો
તથા અપ્સરાઓના ગણો ધનપતિ કુબેરની ઉપાસના કરે છે.હે રાજન,કિન્નર નામના અને બીજા નર નામના ગંધર્વો,મણિભદ્ર,ધનદ,શ્વેતભદ્ર,ગુહ્યક,કશેરક,ગંડકંડુ,પ્રદ્યોત,કુસ્તુબરુ,પિશાચ,ગજકર્ણ,વિશાલક,વરાહકર્ણ,
તામ્રાષ્ઠ,ફલકક્ષ,ફલોદક,હંસચૂડ,શિખાવર્ત,હેમનેત્ર,બિભીષણ,પુષ્પાનન,પિંગળક,શોણિતાદ,પ્રવાલક,વૃક્ષવાસી,
અનિકેત,અને ચીરવાસા એવા અનેક તથા લાખો યક્ષો ત્યાં કુબેરને ઉપાસે છે.(18)
ભગવતી લક્ષ્મી અને કુબેર,સદૈવ ત્યાં જ રહે છે.વળી ત્યાં બ્રહ્મર્ષિ ને દેવર્ષિઓ પણ તે સભામાં હોય છે.
પ્રાણીભક્ષીઓ અને મહાબળવાન ગંધર્વો સુદ્ધાં,તે સભામાં કુબેરની ઉપાસના કરે છે.
વળી,હે રાજન,ઠીંગણા,ભયંકર કાયાવાળા,કૂબડા,લાલ આંખોવાળા,ભીષણ અવાજવાળા,માંસ ખાનારા,
ઉગ્ર,ભયકારી શસ્ત્રોવાળા,વાયુના જેવા મહાવેગવાળા સેંકડો ભુતસંઘોથી વીંટાયેલા તે મહાબળવાન,ત્રિશુલધારી,
પશુઓના પતિ,ઉમાના સ્વામી ભગવાન શંકર પાર્વતી સાથે,પોતાના મિત્ર કુબેરની સમીપ આવી વિરાજે છે.(24)
વળી,ગંધર્વપતિઓ વિશ્વાવસુ,હાહાહૂહૂ,તુમ્બરું,પર્વત,ચિત્રસેન,ચિત્રરથ અને બીજા સેંકડો ગંધર્વો પોતપોતાના સાજ સાથે કુબેરની સેવા કરે છે.વિદ્યાધરોના અધિપતિ ચક્રધર્મા તેના અનુજો સાથે કુબેરની ઉપાસના કરે છે.
ત્યાં ભગદત્ત આદિ રાજાઓ બેસે છે.કિન્નરોનો રાજા દ્રુમ,રાક્ષાધિપતિ રાવણ,મહેન્દ્ર અને ગંધમાદન યક્ષો,
ગંધર્વો ને સર્વ નિશાચરો સાથે મહાત્મા વિભીષણ પોતાના સ્વામી ને બંધુ જેવા કુબેરને ઉપાસે છે.(30)
હિમાલય,પારિયાત્ર,વિંધ્ય,કૈલાસ,મંદર,મલય,દર્દુર,ઈન્દ્રકીલ,સુનાભ ને બીજા અનેક પર્વતો મેરુને આગળ રાખીને,
તે સમર્થ ધનેશ્વર કુબેરની ઉપાસના કરે છે.ત્યાં,નંદીકેશ્વર,મહાકાલ,શંકુકર્ણ,શંકુમુખ,આદિ સર્વ દિવ્ય પાર્ષદો,
તેમ જ કાષ્ટ,કટિમુખ વગેરે દિવ્ય સભાસદો,તથા દન્તી,વિજય,વૃષભ -આદિ દિવ્ય ગણો,પણ સર્વના અગ્ર ભાગમાં રહીને ગર્જના કરતા રહે છે.તે સભામાં,બીજા રાક્ષસો તથા પિશાચો પણ એ કુબેરને ઉપાસે છે.
જયારે કોઈ વખતે,ભગવાન શંકર પાર્ષદોથી વીંટાઇને આવે છે ત્યારે,પુલસ્ત્યવંશી કુબેર તેમને શિર નમાવી પ્રણામ કરે છે ને તેમની આજ્ઞા લઈને આસન ગ્રહણ કરે છે.સર્વ નિધિઓમાં મુખ્ય એવા શંખ અને પદ્મ,તમામ નિધિઓને લઈને તે કુબેરની ઉપાસના કરે છે.હે રાજન,અંતરિક્ષમાં રહેલી,તે રમ્ય સભાને મેં જોઈ છે,
હવે બ્રહ્માની સભા વિશે કહીશ તે તમે સાંભળો (40)
અધ્યાય-10-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE