II नारद उवाच II कथयिप्ये सभां याम्यां युधिष्ठिर निबोध ताम् I वैवस्वतस्य यां पार्थ विश्वकर्मा चकार ह II १ II
નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે,હું તમને સૂર્ય(વિવસ્વાન) ના પુત્ર યમની સભા વિશે કહું છું તે તમે સાંભળો.
તેને વિશ્વકર્માએ બનાવી છે,ને લંબાઈ તથા પહોળાઇમાં સો યોજનથી પણ વધુ વિસ્તારવાળી છે.
સૂર્યના જેવા પ્રકાશવાળી,સર્વ બાજુ ઝળહળી રહેલી અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરતી તે સભામાં,
વધુ પડતી ઠંડી નથી કે વધુ પડતી ગરમી નથી,મનને આનંદ આપે તેવી છે,તેમાં શોક-કે ઘડપણ નથી,
ભૂખ-તરસ નથી,દીનતા ને થાક નથી,ને તેમાં અપ્રિયતા ને પ્રતિકૂળતા નથી.(4)
હે શત્રુદમન,તેમાં સર્વ માનુષી,દિવ્ય ને જે કંઈ કામનાઓ હોય તે પૂર્ણ થાય છે,તેમાં ખાવાના,ચાવવાના,ચુસવાના,
પીવાના,પ્રિય,રસવાળા,સ્વાદિષ્ટ અને મનને રુચિકર એવા અનેક પદાર્થો છે.ત્યાં નિત્ય સુગંધીવાળી
ફુલમાળાઓ છે,ઈચ્છા પ્રમાણે ફળ આપનારાં વૃક્ષો છે,રસભર્યાં ઠંડાં ને ઉનાં જળ છે,ને તેમાં
પુણ્યરૂપ રાજર્ષિઓ અને નિર્મલ બ્રહ્મર્ષિઓ,તે વૈવસ્વત યમની હર્ષપૂર્વક સેવા કરે છે.
હે રાજન,યયાતિ,નહુષ,પુરુ,માંધાતા,સોમક,નૃગ,સદસ્યુ,કૃતવીર્ય,શ્રુતશ્રવા,અરિષ્ટનેમિ,સિદ્ધ,કૃતયોગ,કૃતિ,નિમિ,
પ્રતર્દન,શિબિ,મત્સ્ય,પૃથુલાક્ષ,બૃહદ્રથ,વાર્ત,મરૂત,કુશિક,સાંકાસ્ય,સાકૃતિ,ધ્રુવ,ચતુરથ,સદસ્યોર્મી,કાર્તવીર્ય,
ભારત,સુરથ,સુનીથ,નિશા,અનલ,દિવોદાસ,સુમના,અંબરીશ,ભગીરથ,વ્યશ્ચ,સદ્રશ્ચ,અવધ્યશ્ચ,પૃથુવેગ,
પૃથુશ્રવા,પૃયદશ્ચ,વસુમના,ક્ષુપ,રૂષદ્રુ,વૃષસેન,પુરુકુત્સ,આર્ષ્ટિવેણ,દિલીપ,ઉશીનર,પુંડરીક,શર્યાતિ,શરભ,
શુચિ,અંગ,અરિષ્ટ,વેન,દુષ્યંત,સૃન્જય,જય,ભાંગાસુરી,નિષધ,વહીનર,કરંધમ,બાહલીક,સુદ્યુમ્ન,મધુ,અલ,કપોતરોમા,
તૃણક,સહદેવ,અર્જુન,વ્યશ્ચ,શાશ્વ,કૃષાશ્વ,શશબિંદુ,દશરથ પુત્ર રામ ને લક્ષ્મણ,પ્રતર્દન,અલર્ક,કક્ષસેન,ગય,ગૌસશ્ચ,
(નોંધ-શ્રીરામ અને લક્ષ્મણ-ની વિષ્ણુ ને શેષ-રૂપથી નિજધામમાં જ સ્થિતિ છે,પણ પ્રતિમારૂપે તેમની અહીં સ્થિતિ છે)
જમદગ્નિપુત્ર પરશુરામ,નાભાગ,સગર,ભૂરિદ્યુમ્ન,મહાશ્ચ,પૃથાશ્ચ,જનક,વૈન્ય,વારિયેલ,પુરુજિત,જન્મેજય,બ્રહ્મદત્ત,
ત્રિગર્ત,ઉપરિચર,ઇંદ્રદ્યુમ્ન,ભીમજાનુ,ગૌરપૃષ્ઠ,અનય,લય.પદ્મ,મુચકંદ,અરિદ્યુમ્ન,પ્રસેનજિત,અષ્ટક,સો ઘૃતરાષ્ટ્રો,
સો મત્સ્ય રાજાઓ,સો નીપ રાજાઓ,સો હય રાજાઓ,એંસી જન્મેજયો,સો બ્રહ્મદત્તો,સો વિરીઓ,સો ઈરીઓ,
બસો ભીષ્મો,સો ભીમો,સો પ્રતિવીંધ્યો,સો નાગો,સો હયો,સો પલાશો,સો કાશકુશાદિ,શાંતનુ,પાંડુ,ઉશંગવ,
શતરથ,દેવરાજ,જયદ્રથ,વુષદર્ભ,ને બીજા હજારો શશબિંદુઓ-અનેક અશ્વમેઘ યજ્ઞો કરીને ત્યાં આવ્યા હતા.
હે રાજન,આ પુણ્યશાળી,કીર્તિમાન અને બહુશ્રુત રાજર્ષિઓ,તે સભામાં યમની ઉપાસના કરે છે.(1-28)
વળી,અગસ્ત્ય,મતંગ,કાલ,મૃત્યુ,યજ્ઞ કરનારાઓ,સિદ્ધો,યોગમુર્તિઓ,અગ્નિષ્વાતા,પિતૃઓ,ફેનપ,ઉષ્મપ,સ્વધાયુક્ત,
બહિરષદ,બીજા મૂર્તિમંત પિતૃઓ,કાળચક્ર,અગ્નિ,દક્ષિણાયનમાં મરેલા દુષ્ટકર્મી મનુષ્યો,કાળને દોરનારા યમદૂતો,
શીંશપ,પલાશ,કાશ.કુશ આદિ સર્વે મૂર્તિમાન થઈને,આ સભામાં યમરાજની સેવા કરે છે.
આ અને બીજા અનેક સભાસદોના નામો અને કર્મોથી ગણી બતાવી શકાય તેમ નથી.ઈચ્છા પ્રમાણે,
ગતિવાળી તે રમ્ય અને વિશાળ સભાને વિશ્વકર્માએ બહુ લાંબુ તપ કરીને નિર્માણ કરી છે.(34)
હે રાજન,પોતાના તેજ વડે તે સભા ઘણી તેજવાળી દેખાય છે.ઉગ્ર તપસ્વી,સત્યવાદી,સન્યાસી,શાંત સ્વભાવી,
શુદ્ધ હૃદયી,અને પુણ્યકર્મથી પવિત્ર થયેલાઓ એ સભામાં જાય છે.ઝળહળતા દેહવાળા,નિર્મલ વસ્ત્રોવાળા,
સુંદર માળાઓવાળા,તેઓ પોતે કરેલાં પુણ્યકર્મોથી તેમ જ ચિહ્નોથી વિભૂષિત છે.
ત્યાં ગંધર્વો ને અપ્સરાઓના મંડળો,ચોમેર વાજિંત્ર,ગીત,નૃત્ય,ગીત,હાસ્ય અને નાટ્ય કરે છે.
તે સભામાં ચારે બાજુથી પવિત્ર સુગંધો ને દિવ્ય પુષ્પમાળાઓ આવ્યા કરે છે.
સેંકડો ને લાખો ધર્મિષ્ઠ મહાત્માઓ તે પ્રજાનાથ યમને ઉપાસે છે.આવી તે યમરાજની સભા છે.
હવે હું તમને પુષ્કરતીર્થની માલાવાળી,વરુણદેવની સભા વિષે કહીશ (41)
અધ્યાય-8-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE