Jun 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-221

 
અધ્યાય-૭-ઇન્દ્રની સભાનું વર્ણન 

II नारद उवाच II शक्रस्य तु सभा दिव्य भाखरा कर्मनिर्मिता I स्वयं शक्रेण कौरव्य निर्जितार्कसमप्रभा II १ II

નારદ બોલ્યા-હે કુરુવંશી,ઇન્દ્રની તે દિવ્ય સભા વિશ્વકર્માએ નિર્માણ કરી છે અને  એ સૂર્ય જેવી પ્રભાવાળી સભાને ઇન્દ્રે પોતે વિજયમાં મેળવી છે.તે સો યોજન પહોળી,દોઢસો યોજન લાંબી ને પાંચ યોજન ઊંચી છે.તે આકાશમાં વિરાજિત ને ઈચ્છીત ગતિવાળી છે.તેમાં ઘડપણ,શોક કે ક્લેશનું નામ નથી.ઉપદ્રવહીન,મંગલમયી,શુભતાભરી,

સુભવનવાળી,સુઆસનભરી અને રમણીય એવી તે દિવ્ય વૃક્ષોથી શોભી રહી છે.અનુપમ સુંદર શરીરવાળા,

મુકુટધારી, લાલ બાજુબંધ સજેલા,નિર્મળ વસ્ત્ર પહેરેલા અને સુંદર માળા પહેરેલા,દેવરાજ ઇન્દ્ર,શ્રી,લક્ષ્મી,હ્રીં,

કીર્તિ અને દ્યુતિ સહિત પોતાની મહેન્દ્રાણી (પત્ની) સાથે એ સભામાં પરમ આસને વિરાજે છે (5)

હે રાજન,ત્યાં સર્વ ગ્રહસ્થી વાયુઓ સર્વ બાજુએથી એ મહાત્મા શતક્રતુ (ઇન્દ્ર) ને નિત્ય ઉપાસી રહ્યા છે.

વળી,સિદ્ધો,દેવર્ષિઓ,સાધ્યો,દેવગણો અને મરુતગણો આદિ તે શત્રુનાશી દેવરાજની ઉપાસના કરે છે.

પરાશર,પર્વત,સાવર્ણિ,ગાલવ.શંખ,લિખિત,ગૌરશિરા,દુર્વાસા,ક્રોધન,શ્યેન,દીર્ઘતમા,પવિત્રપાણિ,યાજ્ઞવલ્ક્ય,

ભાલુકિ,ઉદ્દાલક,શ્વેતકેતુ,તાંડય,હવિષ્યમાન,ગરિષ્ઠ,હરિશ્ચન્દ્ર,ત્વષ્ટા આદિ ઋષિઓ,અને 

વગર યોનિએ જન્મેલા,યોનિમાં જન્મેલા,વાયુભક્ષી,અગ્નિભક્ષી એ સર્વ,પણ તે ઇન્દ્રને ઉપાસી રહ્યા છે.(15)


વળી,હે રાજન,ત્યાં,સહદેવ,સુનીથ,વાલ્મિકી,શમીક,સત્યવાક,પ્રચેતાઓ,મેઘાતિથી,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ,મરૂત,

મરીચિ,સ્થાણુ,કક્ષીવાન,ગૌતમ.તક્ષર્ય,વૈશ્વાનર,કાલકવૃક્ષીય,આશ્રાવ્ય,હિરણ્મય,સંવર્ત,દેવહવ્ય,કણ્વ,

કાત્યાયન,ગાર્ગ્ય,અને કૌશિક સેવા કરી રહ્યા છે.હે પાંડવ,ત્યાં દિવ્ય જળો,ઔષધિઓ,શ્રદ્ધા,મેધા,સરસ્વતી,

ધર્મ,અર્થ,કામ,વિદ્યુત,જલધારાઓ,મેઘો,વાયુઓ,ગર્જનાઓ,પૂર્વ દિશા,યજ્ઞના સતાવીશ અગ્નિઓ,અગ્નિ,

સોમ,સવિતા,અર્યમા,ભગ,વિશ્વદેવો,સાધ્યો,બૃહસ્પતિ,શુક્રાચાર્ય,વિશ્વાવસુ,ચિત્રસેન,સુમન,તરુણ,

સર્વ યજ્ઞો,સર્વ દક્ષિણાઓ,ગ્રહ સમૂહો,તારાઓ,યજ્ઞના મંત્રો આદિ સર્વ ત્યાં વિરાજે છે.(24)


ત્યાં,મનોહારિણી અપ્સરાઓ તથા ગંધર્વો,નૃત્યો,વાજિંત્રો,ગીતો ને હાસ્યથી ઇન્દ્રના મનને પ્રસન્ન કરે છે.

ને તે ઇંદ્રની સ્તુતિઓ અને તેના પરાક્રમોનું વર્ણન કરીને સ્તુતિ કરે છે.પુષ્પમાળાઓ ધારણ કરેલા,બ્રહ્મર્ષિઓ,રાજર્ષિઓ,દેવર્ષિઓ,સપ્તર્ષિઓ-આદિ ત્યાં,ચંદ્રના જેવા વિમાનોમાં આવે છે ને જાય છે,

માત્ર બૃહસ્પતિ ને શુક્રાચાર્ય એ સભામાં નિત્ય વિરાજે છે.ઇન્દ્રની આ સભાનું નામ 'પુષ્કરમાલિની' છે.

અને તે સભાને મેં નજરે જોઈ છે,હવે યમની સભા વિષે સાંભળો.(31)

અધ્યાય-7-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE