અધ્યાય-૬-યુધિષ્ઠિરની બીજી સભાઓ વિષે પૂછપરછ
II वैशंपायन उवाच II संपूज्याथाभ्यनुज्ञातो महर्षेर्वचनात परम् I प्रत्युवाचानुपुर्व्येण धर्मराजो युधिष्ठिरं II १ II
વૈશંપાયન બોલ્યા-મહર્ષિનાં વચન સાંભળીને,ધર્મરાજ યુધિષ્ઠિરે તેમનું સન્માન કરી,રજા લઈને ક્રમ પ્રમાણે પૂછ્યું
યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવાન,તમે ધર્મના નિશ્ચયને ન્યાયપૂર્વક અને યથાવત કહ્યો.હું યથાન્યાયે શક્તિ અનુસાર એ વિધિએ જ વર્તુ છું.પૂર્વના રાજાઓએ જે કાર્યો કર્યા હતા,તે ન્યાયસંગત,અર્થવાળાં,હેતુયુક્ત હતાં,એમાં સંશય નથી.
અમે પણ એ માર્ગે જ જવા ઇચ્છીએ છીએ,પરંતુ તે જિતેન્દ્રિય રાજાઓની જેમ અમે ચાલી શકતા નથી.(4)
મનના જેવા વેગવાળા તમે,બ્રહ્માએ નિર્મેલા અનેક નાનાવિધ લોકોને પહેલેથી સદા જોતા આવ્યા છો.
હે બ્રહ્મન,તમે આ સભાના જેવી અથવા એથી ચડિયાતી એવી બીજી કોઈ સભા પૂર્વે કદી જોઈ છે? (9)
નારદ બોલ્યા-હે ભરતવંશી રાજા,મનુષ્યલોકમાં તો મેં આ તમારા જેવી મણિઓથી જડેલી સભા,પૂર્વે સાંભળી નથી કે જોઈ પણ નથી.પણ,હું તમને,યમરાજ,વરુણ,ઇન્દ્ર અને કુબેરની સભાઓ વિષે તમને કહીશ.વળી,તમને જો સાંભળવાની ઈચ્છા હશે તો,હું તમને બ્રહ્માજીની તે દિવ્ય સભા વિશે પણ સંભળાવીશ.કે જે ક્લેશરહિત,લૌકિક અને અલૌકિક કારીગીરીવાળી અને વિશ્વનાં વિવિધરૂપો ધારણ કરનારી છે,તેમ જ તે દેવો,પિતૃગણો,સાધ્યો,
યાજ્ઞિકો અને વેદરૂપી યજ્ઞો કરવાવાળા શાંત મુનિવૃન્દોથી સુશોભિત છે.(14)
નારદજીએ આ પ્રમાણે કહ્યું,ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ તથા દ્વિજવરો સહિત,તેમને હાથ જોડીને પ્રણામ કરીને નારદજીને કહ્યું કે-હે બ્રહ્મન,તમે તે બધી સભા વિશે કહો.અમે તે સાંભળવા ઇચ્છીએ છીએ.
તે તે સભાઓમાં શા શા પદાર્થો છે?તેમનો વિસ્તાર કેવડો છે?બ્રહ્માજીની સભામાં,કોણ કોણ તે પિતામહની સેવા કરે છે? ઇન્દ્ર,વરુણ,યમ અને કુબેરને તેમની સભામાં કોણકોણ ઉપાસે છે? એ બધું અમને યથાર્થ રીતે કહો,
નારદજી બોલ્યા-હે રાજન,તમે તે સર્વ સભાઓ વિશે મારી પાસેથી ક્રમપૂર્વક સાંભળો.(20)
અધ્યાય-6-સમાપ્ત