Jun 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-219

તમે જ્ઞાતિજનોને,ગુરુઓને,વૃદ્ધોને,દેવતાઓને,તપસ્વીઓને,ચૈત્યવૃક્ષોને ને બ્રાહ્મણોને નમન કરો છો ને?

હે નિષ્પાપ,તમે કોઈને શોક કે રોષ તો ઉપજાવતા નથી ને?પુરોહિત આદિ મંગલકારી માણસો સદા તમારી પાસે રહે છે ને? આવરદા ને યશ વધારનારી,તેમ જ ધર્મ,અર્થ કામ દર્શાવનારી આ જે બુદ્ધિ અને વૃત્તિ કહી,તેવી જ તમારી વૃત્તિ ને બુદ્ધિ છે ને? આવી બુદ્ધિથી વર્તનાર રાજાનો દેશ કોઈ પણ કાળે દુઃખમાં પડતો નથી,

તે રાજા પૃથ્વી પર જય મેળવીને પરમ સુખ ભોગવે છે.(106)

કોઈ શુદ્ધચિત્ત માણસ,ચોરીના મિથ્યા આરોપમાં ફસાયો હોય,તો તે શાસ્ત્રોને રમાડનારા ને લોભી માણસોથી માર્યો જતો નથી ને? તે તે જ રીતે કોઈ સાચો ચોર પકડાયો હોય તો તે દ્રવ્યના લોભથી છૂટી જતો નથી ને?

ધનવાન અને ગરીબને મળેલી દ્રવ્ય સંપત્તિ તરફ તમારા પ્રધાનો ખોરી નજર રાખતા નથી ને? ને તેમનાં ધન તો હરી લેતા નથી ને? રાજાના ચૌદ દોષોને તમે દૂર રાખો છો ને?

 (રાજાના ચૌદ દોષો=નાસ્તિકતા,અસત્ય,ક્રોધ,પ્રમાદ,દીર્ઘસૂત્રીપણું,જ્ઞાનીને ન ળવું,આળસ,ઇન્દ્રિયાશક્તિ,એકમાત્ર ધનોર્પાજનની ચિંતા,અર્થ ના જાણનારાઓ સાથે ચિંતન,નિશ્ચિત કરેલી વાતનો આરંભ ન કરવો,મંત્રણાને ગુપ્ત ન રાખવી,મંગલ કાર્યો ન કરવાં,અને વગર સમજ્યે ગમે તે કાર્યો કરવા જ્યાં ત્યાં ખાડા થઇ જવું )

રાજાઓ ભલે દ્રઢ મૂળવાળા હોય,તો પણ આ દોષોથી તેઓ વિનાશ જ પામે છે.તમારું વેદાધ્યયન સફળ છે ને?

તમારું ધન સફળ છે ને?તમારી પત્નીઓ સફળ છે ને?તમારું શાસ્ત્રશ્રવણ સફળ છે ને? (113)


યુધિષ્ઠિર બોલ્યા-વેદાધ્યયન કેવી રીતે થાય ? ધન કેવી રીતે સફળ થાય?

પત્નીઓ કેવી રીતે સફળ થાય? શાસ્ત્રશ્રવણ કેવી રીતે સફળ થાય? 


નારદ બોલ્યા-અગ્નિહોત્રથી વેદો સફળ થાય છે,દાન અને ભોગથી ધન સફળ થાય છે,

રતિ અને પુત્રથી પત્નીઓ સફળ થાય છે અને સદાચારથી શાસ્ત્રશ્રવણ સફળ થાય છે.

વૈશંપાયન બોલ્યા-આમ કહીને,નારદ તે ધર્માત્મા યુધિષ્ઠિરને,ફરીથી આગળ પૂછવા લાગ્યા.


નારદ બોલ્યા-લાભને માટે દૂર દેશથી આવેલા વણિકો પાસેથી યોગ્ય કરો તો લો છો ને? તે વેપારીઓ,તમારા નગરમાં ને રાષ્ટ્રમાં સન્માન પામે છે ને? હે તાત,તમે ધર્મ,અર્થને જાણનારા તથા વ્યવહારવિદ વૃદ્ધો પાસેથી નિત્ય ધર્મ ને અર્થયુક્ત વચન સાંભળો છો ને? તમે સૌ કારીગરોને વધુમાં વધુ ચાર માસ સુધી ચાલે,એટલાં ઠરાવેલાં વેતન આપો છો ને? હે મહારાજ,તમે શિલ્પીઓના કાર્યને ઓળખી તેમની પ્રશંસા ને સત્કાર કરો છો ને? (122)


હે ભરતશ્રેષ્ઠ,તમે સર્વ વિદ્યાસૂત્રો,ખાસ કરીને હાથી,ઘોડા અને રથની પરીક્ષાનાં સૂત્રો,જાણો છો ને?ધનુર્વેદનાં સૂત્રોનો તેમ જ નગરરક્ષાનાં યંત્રસૂત્રોનો,તમારા ભવનમાં સારી રીતે અભ્યાસ ચાલે છે ને? તમે સર્વ અસ્ત્રોને,

બ્રહ્મદંડ (અભિચાર વિદ્યા) તેમ જ શત્રુઓનો નાશ કરનારા વિષપ્રયોગોને જાણો છો ને? અગ્નિના ભયથી,

સર્પાદિના ભયથી તેમ જ રોગ અને રાક્ષસોના ભયથી તમે રાજ્યને સુરક્ષિત રાખો છો ને?

તમે આંધળાં,મૂંગાં,પાંગળાં,અંગહીન,સગાસંબંધી વિનાનાં,અને સન્યાસીઓને પિતારૂપ થઇ પાળો છો ને?

હે મહારાજ,નિંદ્રા,આળસ,ભય,ક્રોધ,ઢીલાપણું અને દીર્ઘસૂત્રીપણું-એ છ અનર્થોને દૂર કર્યા છે ને? (128)


પછી,પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરે તે નારદમુનિના પગે પડી પ્રણામ કર્યા અને કહ્યું કે-

'આપે જે કહ્યું તેથી મારી બુદ્ધિ વિશેષ વૃદ્ધિ પામી છે અને હું આપે કહ્યા મુજબ જ કરીશ'

નારદ બોલ્યા-જે રાજા ચાતુર્વર્ણ્યના (ચારે વર્ણના) રક્ષણ માટે,આ પ્રમાણે વર્તે છે,

તે આ લોકમાં સુખપૂર્વક વિહાર કરે છે અને પરલોકમાં ઇંદ્રલોકને પામે છે (131)

અધ્યાય-5-સમાપ્ત

  INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE