લોકપાલ સભાખ્યાન પર્વ
(નોંધ-અધ્યાય-5 થી 11-માં નારદજીએ રાજધર્મ અને વિવિધ સભાઓની વાત કરી છે,કે જે એક ઉપાખ્યાન સમાન જ છે-અનિલ)
અધ્યાય-૫-નારદે ઉપદેશેલો રાજધર્મ
II वैशंपायन उवाच II अथ तत्रोपविष्टेपु पाण्डवेपु महात्मसु I महत्सु चोपविष्टेपु गन्धर्वेपु च भारत II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભારત,મહત્તમ પાંડવો અને ગંધર્વો એકવાર સભામાં બેઠા હતા,ત્યારે વેદો ને ઉપનિષદોને જાણનારા,દેવતાઓના સમુહોથી પૂજા પામેલા ને ઇતિહાસ-પુરાણમાં વિદ્વાન નારદ ત્યાં આવ્યા.
તે ઋષિ,પુરાકલ્પોને (અનેકોનું જેમાં ઉપાખ્યાન હોય તે વેદમાં પુરાકલ્પ કહેવાય છે) તથા
વિશેષોને (જેમાં એક વ્યક્તિનું ઉપાખ્યાન હોય તેને વેદમાં વિશેષ કે પરિકૃત્ય કહે છે) જાણનારા હતા.(1-2)
તે ન્યાયના પાંચ અધિકરણમાં કુશળ અને ધર્મનાં તત્વોને ને વેદનાં છ અંગને જાણનારા હતા.
તે ઐક્ય,સંયોગનાનાત્વ અને સમવાયના જ્ઞાનમાં વિશારદ હતા.
(નોંધ-પૃથ્વી,જળ,તેજ-આદિ દ્રવ્યરૂપથી 'ઐક્ય' છે.પણ તેઓ પોતપોતાના ને બીજામાં ન હોય તે ધર્મથી ભેદ પડે છે
તેથી તે 'સંયોગનાનાત્વ' કહેવાય છે ને પંચે તત્વો શરીરમાં એકઠાં રહે છે તેને 'સમવાય; કહે છે -અનિલ)
તે ઉત્તમ વક્તા,સંબંધ પ્રમાણે ભાષણ કરનારા,બુદ્ધિમાન,સ્મૃતિમાન,નીતિવેત્તા,કવિ.ત્રિકાળદર્શી,
અપરબ્રહ્મ અને પરબ્રહ્મ ને વિભાગપૂર્વક જાણનારા હતા,પ્રમાણો દ્વારા એક નિશ્ચિત સિદ્ધાંત પર પહોંચેલા હતા,
પંચાવયવ વાક્યના ગુણદોષને જાણનારા હતા,બૃહસ્પતિ જેવા વક્તાની સાથે ઉત્તર-પ્રત્યુત્તર કરવામાં સમર્થ હતા,
ધર્મ,અર્થ કામ ને મોક્ષ-એ ચારે પુરુષાર્થના સંબંધમાં યથાર્થ નિશ્ચય રાખવાવાળા,આ ભૂમંડળના સર્વ લોકને,
ઊંચે,નીચે ને આજુબાજુથી પ્રત્યક્ષ જોનારા હતા,તે સાંખ્ય ને યોગવિભાગના જ્ઞાતા હતા,સૂરો-અસુરોને લડાવી મારનારા હતા,સંધિ-વિગ્રહના તત્વને જાણનારા હતા,કાર્ય-અકાર્યના વિભાગને અનુમાનથી જાણનારા હતા,
સર્વ શાસ્ત્રોમાં વિશારદ હતા ને યુદ્ધ ને ગંધર્વવિદ્યાના પ્રેમી હતા,ને સર્વત્ર મનોગામી હતા.
બીજા અનેક ગુણોથી સંપન્ન તે નારદ,સર્વ લોકમાં વિચરતા વિચરતા,તે સભામાં આવ્યા.(9)
તે વખતે,તેમની સાથે,પારિજાત,પર્વત અને સૌમ્ય સુમુખ ઋષિ પણ આવ્યા નારદ ઋષિને આવેલા જોઈને,
ધર્મરાજ પોતાના નાના ભાઈઓ સાથે એકદમ ઉભા થઇ ગયા અને વિનયથી મસ્તક નમાવી વંદન કર્યું.
તેમને યોગ્ય આસાન આપી,તેમની યથાયોગ્ય પૂજા કરી સન્માન આપ્યું.નારદજીએ સંતુષ્ટ થઈને,
યુધિષ્ઠિરને ધર્મ,અર્થ અને કામ ને લગતા નીચેના પ્રશ્નો પૂછ્યા.
નારદ બોલ્યા-હે રાજન,તમારું ધન યોગ્ય રીતે ખર્ચાય છે ને? તમારું મન ધર્મમાં રત રહે છે ને? તમારું મન હાનિ
તો કરું નથી ને? તમારા પૂર્વજોએ ઉત્તમ,માધ્યમ અને અધમ એ ત્રણ જાતની પ્રજાઓ પ્રત્યે જે ઉત્તમ વૃત્તિ
આચરી હતી તેનું તમે અનુસરણ કરો છો ને? અર્થથી ધર્મને,ધર્મથી અર્થને ને કામથી ધર્મ ને અર્થને
તમે બાધા નથી કરતા ને? ધર્મ અને કામનો કાળ જાણનારા તમે બરાબર કાળ-વ્યવસ્થાથી જીવો છો ને?
હે નિષ્પાપ,તમે વક્તૃત્વ આદિ છ રાજગુણોથી સામ-દામ-આદિ સાત ઉપાયોની,ત્રણ પ્રકારનાં બળાબળની,
તેમજ દેશ આદિ ચૌદ વસ્તુઓની પરીક્ષા કરો છો ને? તમે શત્રુની શક્તિ જોઈને કાર્ય કરો છો ને?
તમે બરાબર સંધિ રાખીને ખેતી-આદિ આઠ કર્મો સેવો છો ને? તમારી સાત પ્રકૃતિઓ લોપ નથી પામીને?
તમે ધનાઢ્ય થઈને વ્યસની તો નથી થઇ ગયા ને? તમને જેના વિશે શંકા નથી,છતાં જેઓ બનાવટી દૂતો છે,તેમના તરફથી,તેમ જ તમારા મંત્રીઓ તરફથી તમારી મંત્રણાઓ બહાર તો પડી જતી નથી ને?