Jun 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-214

અધ્યાય-૩-દિવ્યસભાનું નિર્માણ 

II वैशंपायन उवाच II अथाब्रवीन्मय: पार्थमर्जुनं जायतां वरम् I आप्रुच्छे त्यांगमिप्यामि पुनरेष्यामि चाप्यहम II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,મયે અર્જુનને કહ્યું કે-તમે રજા આપો તો હું હમણાં મૈનાક પર્વત પર જઈને તરત જ પાછો આવું,કેમ કે કૈલાશની ઉત્તરે આવેલા એ મૈનાક પર્વત પર પૂર્વે દાનવો યજ્ઞ કરતા હતા ત્યારે,મેં બિંદુ સરોવર આગળ એક વિચિત્ર અને રમ્ય,મણિમય પાત્ર બનાવ્યું હતું,ને પછી તે વૃષપર્વાની સભામાં મૂક્યું હતું,

તે લઈને હું પાછો આવીશ અને સર્વ રત્નોથી વિભૂષિત થયેલી એક વિચિત્ર સભા હું અહીં બનાવીશ.

વળી,તે બિંદુસરોવર પર,રાજા વૃષપર્વાની એક ભયંકર ગદા છે,કે જેનાથી તેમણે શત્રુઓને રગદોળીને,

તેને ત્યાં દાટી રાખી છે.તે ગદા,સુવર્ણબિંદુઓથી વિચિત્ર દેખાવવાળી,મોટી,ભારે,મજબૂત અને એક લાખ ગદાઓની બરાબરી કરનારી ને શત્રુઓનો નાશ કરનારી છે.તમારા માટે જેમ ગાંડીવ ધનુષ્ય યોગ્ય છે તેમ તે ગદા ભીમને માટે યોગ્ય છે.વળી ત્યાં,સુંદર ઘોષવાળો વરુણનો દેવદત્ત નામે મહાશંખ છે,તે પણ હું લાવીશ (8)


અર્જુનને આમ કહીં તે અસુર,બિંદુ સરોવર ગયો કે જ્યાં,ભાગીરથી ગંગાનાં દર્શન માટે ભગીરથ રાજા અનેક વર્ષો સુધી વસ્યા હતા.વળી,ત્યાં સર્વ ભૂતોના ઈશ્વર,પ્રજાપતિએ સો યથેષ્ટ મહાયજ્ઞો કર્યા હતા અને તેમાં,માત્ર,

દેખાવ ખાતર નહિ પણ,શાસ્ત્રવિધિ અનુસાર મણિમય યૂપો તથા સુવર્ણમય ચૈત્યો બનાવ્યા હતા.

ત્યાં,તીવ્ર તેજવાળા મહાદેવ પણ આવીને વિરાજે છે,ને હજારો ભૂતો ત્યાં તેમની ઉપાસના કરે છે.

નર,નારાયણ,બ્રહ્મ,યમ અને મહાદેવ ત્યાં,સહસ્ત્ર યુગોને અંતે યજ્ઞ કરે છે.

ને,ધર્મસંસ્થાપન મટે શ્રીકૃષ્ણે અનેક વર્ષો સુધી શ્રદ્ધાપૂર્વક સતત યજ્ઞો કર્યા છે.(16)

તે મયે,ત્યાં જઈને,ગદા,શંખ અને સભા માટે સ્ફટીકનાં સાધનો હતાં તે લીધા.અને રાક્ષસો ને કિંકરો જે 

મહાધનની રક્ષા કરતા હતા,તે સર્વધન પણ તેણે ત્યાં જઈને લઇ લીધું.ને તે સામગ્રીઓ લઈને તે ઇન્દ્રપ્રસ્થ 

પાછો આવ્યો.ને ત્રણે લોકમાં પ્રસિદ્ધ,દિવ્ય,મણિભરી,શુભ અને અજોડ એવી તે સભાની રચના કરી.

તેણે સાથે લાવેલી શ્રેષ્ઠ ગદા ભીમસેનને આપી અને શ્રેષ્ઠ દેવદત્ત શંખ અર્જુનને આપ્યો. (21)


હે રાજન,તે સભા સુવર્ણમય વૃક્ષોથી અલંકૃત હતી ને ચારે બાજુએ દશ દશ હજાર હાથ પહોળી હતી.

તેણે અગ્નિ,સૂર્ય અને સોમની ઝળહળતી સભા જેવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું હતું.નૂતન મેઘની જેમ તે 

આકાશને છાઈ રહી હતી.તે સભા વિસ્તૃત,વિપુલ,રમ્ય,નિર્મલ,શ્રમનો નાશ કરનારી,ઉત્તમ દ્રવ્યોવાળી,

રત્નજડિત કોટ ને દરવાજાવાળી,બહુ ચિત્રવાળી અને ઘણી મૂલ્યવાન હતી.

તે એવી શોભાયુક્ત હતી કે શ્રીકૃષ્ણની કે બ્રહ્માજીની ન્યાયસભા પણ તેની તોલે આવે નહિ.

આઠ હજાર કિંકર નામના રાક્ષસો તે સભાનું રક્ષણ કરતા હતા.(29)


મય દાનવે તે સભામાં અપ્રતિમ એવું મોટા હોજના જેવું નાનું સરોવર બનાવ્યું હતું,જેમાં વૈદૂર્યમણિનાં પાંદડાં પાથર્યા હતાં,મણિમય નાળવાળાં સુવર્ણકમળો હતાં,પદ્મરાગમણિનાં સુગંધીદાર કલ્હારો હતાં,અને જાતજાતના પક્ષીઓના સમૂહો હતા.ખીલેલાં કમળોથી અને કાંચનના કાચબાઓ ને મત્સ્યોથી ચિત્રિત હતું.તેમાં ચિત્રવાળી સ્ફટિકની સીડીઓ હતી,કાદવ વિનાનું જળ,મંદમંદ પવનથી હાલતું હતું.ચોતરફ મણિની વેદિકાઓ હતી.

મણિ અને રત્નોથી મંડિત તે પાણીના મોટા હોજ આગળ આવીને કેટલાક રાજાઓ તેને જોવા છતાં,

'ત્યાં પાણી છે' એમ પારખી શકતા નહોતા અને ભ્રમથી,તેઓ તે પાણીમાં પડી જતા હતા.(34)


તે સભાની ચારે બાજુ નિત્ય ફૂલવાળાં,લીલાં,શીતળ છાંયવાળા અને મનોરમ અનેક વૃક્ષોનાં વન હતાં,

ને હંસ,ચક્રવાક આદિથી શોભી રહેલા કમલ-સરોવરો હતાં.જેમની સુવાસને લઈને 

પવન,જાણે,પાંડુપુત્રોની સેવા કરતો હતો.,હે રાજન,ચૌદ માસ જેટલા સમયમાં આવી તે સભા 

પૂર્ણ કરીને  મયદાનવે,ધર્મરાજને તે પૂરી થયાના સમાચાર આપ્યા.(38)

અધ્યાય-3-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE