(નોંધ-આદિપર્વના અંતમાં શાડ઼:ર્ગક પક્ષીઓ જ્ઞાનના બળથી અગ્નિથી મુક્ત થયા,એ કહ્યું.હવે એ જ જ્ઞાન ભક્તિના બળ વડે જ પ્રાપ્ત થાય છે-એ સભાપર્વમાં કહેવામાં આવ્યું છે.ભક્તિમાં રુચિ પેદા થાય તે માટે,પાંડવોને ભક્તિના બળથી જ દિવ્ય સભા ને ઐશ્વર્યનો લાભ મળ્યો છે તે કહ્યું છે.વળી,દ્વેષ વડે કરેલ ભક્તિ પણ સાયુજ્ય મુક્તિ આપે છે,તે માટે શિશુપાલની કથા કહેલ છે.
દુર્યોધન જેવા અભક્તોના દોષો કહેલ છે,ને દ્યુતમાં દ્રૌપદીના રક્ષણ કરીને,શ્રીહરિનો ભક્ત પ્રત્યેનો અનોખો પ્રેમ જણાવ્યો છે.
સમર્થ એવા પાંડવો,દુર્યોધન પર કોપ કરતા નથી તે જણાવી ભક્તોની સહનશક્તિ વર્ણવી છે.સભાપર્વની શરૂઆતમાં,
'ઉપકાર કરનાર તરફ અવશ્ય પ્રત્યુપકાર કરવો' તે દર્શાવવા મયદાનવ પ્રત્યુપકાર કરી અદભુત સભા કરી આપે છે-તે કહ્યું છે-અનિલ)
સભાક્રિયા પર્વ
અધ્યાય-૧-સભાસ્થાનનો નિર્ણય
मंगल श्लोक -नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ શ્રીનારાયણ,નરોત્તમ,નર અને દેવી સરસ્વતીને પ્રણામ કરી 'જય'નું કીર્તન આદરીએ.
વૈશંપાયન બોલ્યા-પછી,શ્રીકૃષ્ણની સમક્ષમાં,અર્જુનને વારંવાર આદર આપી,મયદાનવે,તેને મધુર વાણીમાં કહ્યું કે-
'હે કુંતીનંદન,તમે મને આ કોપેલા કૃષ્ણથી તથા અગ્નિથી બચાવ્યો છે,તો કહો,હું તમારું શું પ્રિય કરું?
અર્જુન બોલ્યો-'હે મહા અસુર,આમ કહીને(બોલીને) જ તે બધું પ્રિય જ કર્યું છે.હવે તું સુખરૂપે જા,
તું મારા પર નિત્ય પ્રીતિમાન રહેજે ને અમે પણ તારા પર નિત્ય પ્રીતિમાન રહીશું'
મય બોલ્યો-'હે પુરુષસિંહ,તમે બોલો છો તે તમને યોગ્ય જ છે,છતાં પણ હું પ્રીતિપૂર્વક તમારા માટે કંઈ
કરવા ઈચ્છું છું,હું દાનવોનો મહાનિપુણ વિશ્વકર્મા છું,તો મને તમારા માટે કંઈ સારું કાર્ય કરવાની ઈચ્છા છે'
અર્જુન બોલ્યો-'તું માને છે કે,મેં તને પ્રાણસંકટમાંથી છોડાવ્યો છે, એટલે કે તારા પર મારો ઉપકાર છે,એવું છે,
એટલે જ હું તારી પાસે પ્રત્યુપકાર તરીકે કંઈ કરાવી શકું નહિ.હે દાનવ,આમ છતાં,તારો મનોરથ નિષ્ફળ જાય
એમ પણ હું ઈચ્છતો નથી,માટે તું શ્રીકૃષ્ણ માટે કંઈ કે,એથી મને પ્રત્યુપકાર થઇ ગયો છે એમ હું માનીશ'
પછી,મયે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી એટલે તેમણે થોડીવાર વિચાર કર્યો કે-'આને શા કામમાં પ્રેરુ?'
વિચારીને તેમણે મયને આજ્ઞા આપી કે-'હે શિલ્પીશ્રેષ્ઠ દૈત્ય,તું જો પ્રિય કરવા ઈચ્છતો હોય તો તને જેવી યોગ્ય લાગે તેવી એક અદભુત સભા ધર્મરાજને માટે બનાવી આપ,તું એવી સભા બનાવી આપ કે તેને જોઈને લોકો છક થઇ જાય અને તારી તે કલાચાતુરીનું આ સકલ માનવલોકમાં કોઈ અનુકરણ કરી શકે નહિ'
વૈશંપાયન બોલ્યા-શ્રીકૃષ્ણનાં આ વચનોને સત્કારીને,મયે પ્રસન્નતાપૂર્વક પાંડવો માટે વિમાનના જેવી શુભ સભા બનાવવાનો નિશ્ચય કર્યો.પછી,શ્રીકૃષ્ણ અને અર્જુને,યુધિષ્ઠિરને સર્વ વાત આખીને મય સાથે તેમનો મેળાપ કરાવ્યો.યુધિષ્ઠિરે તેને યથાયોગ્ય સત્કાર આપ્યો, અને મયે પણ આદરપૂર્વક તે સ્વીકાર્યો.ને મયે ત્યારે પૂર્વે થયેલા વૃષપર્વા રાજાની અને દૈત્યોની અદ્ભૂત ચરિત્રકથા કહી સંભળાવી.ને ત્યારબાદ થોડો સમય આરામથી રહીને,
તે મયે,વિચાર કરીને પાંડવો માટે સભાભવન બનાવવાની તૈયારી કરી ને પોતાનું કાર્ય આરંભ્યું.(18)
પછી,એક પુણ્ય શુભ દિવસે,ઉત્સવમંગળ કરી,તેણે હજારો બ્રાહ્મણોને ખીરથી તૃપ્ત કર્યા ને અનેક પ્રકારનાં
ધન આપ્યા પછી,ઋતુઋતુના ગુણવાળી,દુવ્ય રૂપવાળી,અને મનને આનંદ આપનારી
ચોમેર દશ દશ હજાર હાથ જેટલી ભૂમિની માપણી કરી.(21)
અધ્યાય-1-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE