અધ્યાય-૨૩૪-ઇન્દ્રે આપેલું વરદાન
II मन्दपाल उवाच II युष्माकमपवर्गार्थ विज्ञप्तो ज्वलनो मया I अग्निना च तथेत्येवं प्रतिज्ञातं महात्मना II १ II
મંદપાલ બોલ્યો-તમારા રક્ષણ માટે મેં અગ્નિને વિનંતી કરી હતી,અને તેણે તેમ કરવાનું વચન આપ્યું હતું.
અગ્નિનું એ વચન,તમારી માતાની ધર્મજ્ઞતા તેમ જ તમારું તેજ એ જાણીને હું અહીં પહેલાં આવ્યો નહતો.
તમે સંતાપ કરશો નહિ,અગ્નિ પણ તમને ઋષિઓ તરીકે જાણે છે,ને તમે વેદાંતપ્રસિદ્ધ બ્રહ્મને જાણો છો.
પછી,પુત્રો ને પત્નીને લઇ,તે મંદપાલ ઋષિ ત્યાંથી બીજા દેશમાં ચાલ્યા ગયા (1-4)
વૈશંપાયન બોલ્યા-અગ્નિએ,શ્રીકૃષ્ણ ને અર્જુનની સહાયતાથી ખાંડવવનને બાળ્યું,ને પછી,વસા અને મેદ નામની વહેતી નદીઓને પીને પરમ તૃપ્ત થયો અને અર્જુનને પ્રગટ દર્શન આપ્યાં.ત્યારે ઇન્દ્ર પણ અંતરિક્ષમાંથી નીચે ઉતરીને અર્જુન અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-'દેવોને પણ દુષ્કર એવું આ કર્મ તમે કર્યું છે,
તેથી જગતમાં પુરુષોને દુર્લભ એવું વરદાન તમે માગી લો,હું પ્રસન્ન થયો છું.(8)
ત્યારે અર્જુને,વરદાનમાં ઇન્દ્ર પાસેથી અસ્ત્રો માગ્યાં.ત્યારે ઇન્દ્રે તે આપવા માટે નિર્ણિત સમય કહ્યો ને કહ્યું કે-
'ભગવાન મહાદેવ,જયારે તારા પર પ્રસન્ન થશે ત્યારે હું તને આગ્નેયાસ્ત્ર,વાયવ્યાસ્ત્ર ને મારાં બીજાં સર્વ અસ્ત્રો આપીશ.પછી,વાસુદેવે,અર્જુન સાથે અવિચલ પ્રીતિ માગી,ત્યારે ઇન્દ્રે,શ્રીકૃષ્ણને તે વરદાન આપ્યું.
આમ,તે બંનેને વરદાન આપીને તથા અગ્નિને રાજા આપીને,તે ઇન્દ્ર પોતાના ભવને (સ્વર્ગે) ગયા.
પછી,પરમ તૃપ્ત થયેલા ને પરમપ્રીતિને પામેલા તે અગ્નિએ શ્રીકૃષ્ણ અને અર્જુનને કહ્યું કે-
'હે બે વીરો,તમે પુરુષપ્રવરોએ મને સુખપૂર્વક સંપૂર્ણ સંતોષ આપ્યો છે,હું તમને વિદાય આપું છું,
તમને ઈચ્છા હોય ત્યાં તમે જાઓ' આમ, અગ્નિએ રજા આપી
એટલે અર્જુન અને શ્રીકૃષ્ણ,મયદાનવને લઈને રમણીય નદીકિનારે જઈને બેઠા.(19)
અધ્યાય-234-સમાપ્ત
મયદર્શન પર્વ સમાપ્ત
૧-આદિપર્વ સમાપ્ત