II वैशंपायन उवाच II मंदपालोSपी कौरव्य चिन्तयामास पुत्रकान I उक्त्वापि च स तिम्माशुं नैव शर्माधिगच्छति II १ II
વૈશંપાયન બોલ્યા-હે કૌરવ્ય,મંદપાલ પણ પોતાના પુત્રોની ચિંતા કરતા હતા,તેમણે અગ્નિને કહેલું તો પણ તેમને શાંતિ રહેતી નહોતી.સંતાપ કરી રહેલા તે પોતાની બીજી પત્ની લપિતાને કહેવા લાગ્યા કે-'હે લપિતા,મારા અશક્ત પુત્રો ઘરમાં કેમ કરીને રહેશે? અગ્નિ વધતો હશે ને પવન ફૂંકાતો હશે ત્યારે મારા પુત્રો તેનાથી છુટકારો પામવાને અસમર્થ જ થશે,તેમની માતા પણ તેમનું કેવી રીતે રક્ષણ કરી શકશે? તે પણ શોકથી વિકળ થઈને,રોતી કકળતી દોડાદોડ કરતી હશે,મારા પુત્રો ને મારી પત્ની,કેવી સ્થિતિમાં હશે? (1-6)
ત્યારે લપિતા ઈર્ષાપૂર્વક બોલી-'તે તો તેજસ્વી ને વીર્યવાન ઋષિઓ છે ને તેમને અગ્નિનો ભય હોય જ નહિ'
એમ તમે પોતે જ કહેતા હતા,ને તમે મારી પોતાની હાજરીમાં અગ્નિને તેમની સોંપણી કરી હતી,ને અગ્નિએ તમને વચન પણ આપ્યું હતું,તેથી 'અગ્નિ એવું વચન આપીને,તે વચન મિથ્યા નહિ જ કરે.' એમ સમજી,તમારું મન,પુત્રોના બાબતે તો સ્વસ્થ છે ને તમે પુત્રોને ઉગારવાના કાર્યમાં તત્પર નથી,સત્યમાં તો,તમે તો મારી શોક્યનો વિચાર કરીને પરિતાપ કરી રહ્યા છો.પૂર્વે,તેની સાથે જેવો તમને સ્નેહ હતો,તેવો સ્નેહ મારા પ્રત્યે થયો જ નથી.
જે પુરુષ,સમર્થ હોય,તે સ્વજનો પીડાઈ રહ્યાં હોય ત્યારે સ્નેહરહિત થઇ તેમની ઉપેક્ષા કરે તે યોગ્ય નથી.આથી જે જરિતા માટે તમને સંતાપ થાય છે,તેની પાસે તમે જાઓ,હું કાયર પુરુષને પાને પડેલી સ્ત્રીની જેમ ભટક્યા કરીશ.
મંદપાલ બોલ્યો-તું મને છે એવા ભાવથી હું સંતાપ પામતો નથી,હું તો સંતાનને કારણે જ આ વિચારો કરું છું,મારા પુત્રો સંકટમાં આવી પડયા છે.હું પુત્રો પાસે જઈશ,અને તું ઈચ્છે તેમ કર.કેમ કે તે પ્રજ્વલિત અગ્નિ મારા વ્યાકુળ હૃદયમાં સંતાપ ઉપજાવી રહ્યો છે અને મને માઠા વિચારો ઉપજાવે છે.(16)
વૈશંપાયન બોલ્યા-તે શાડ઼:ર્ગકોના રહેઠાણથી અગ્નિ જયારે દૂર થઇ ગયો,ત્યારે પુત્રીના સ્નેહવાળી જરિતા ફરી,એ પુત્રો પાસે આવી અને પુત્રોને ક્ષેમકુશળ,અને અગ્નિથી બચી ગયેલા જોઈ,તેને પ્રેમનાં આંસુ ભરાઈ આવ્યાં,ને
દરેકને ગળે વળગાડીને ભેટી.એવામાં મંદપાલ એકાએક આવી પહોંચ્યા,ત્યારે પુત્રોમાંથી કોઈએ તેમને અભિનંદન આપ્યું નહિ.ઋષિએ પુત્રો ને જરિતાને વારંવાર કરગરીને બોલાવ્યાં,પણ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહિ.
મંદપાલ બોલ્યો-હે જરિતા.હું તારો ત્યાગ કરી ગયો પણ તેથી હું કંઈ શાંતિ પામ્યો નથી,તું મારી સાથે બોલ.
જરિતા બોલી-અગાઉ સર્વ રીતે દીનહીન એવી મને ત્યજીને તમે જેની પાસે ગયા હતા,તેની પાસે જ તમે જાઓ.
મંદપાલ બોલ્યો-પરપુરુષનું સેવન સ્ત્રીઓના પરલોકના અર્થનો નાશ કરે છે અને શોક્ય આ લોકના અર્થનો નાશ કરે છે,એ બંને વૈરનો અગ્નિ સળગાવે છે અને અત્યંત ઉદ્વેગ કરાવે છે.અરૂંધતીએ પણ વસિષ્ઠ પર ખોટી શંકા કરી હતી કે જેને કારણે,ધુમાડાના જેવા અરુણ પ્રકાશવાળી,કદી દેખાતી ને કદી ન દેખાતી અને ગૂઢ રૂપવાળી.
તે જાણે આજે પણ નિમિત્ત શોધી રહી છે.પુત્રોને લીધે અહીં આવેલા,મારે વિષે તું પણ એવી જ શંકા કરે છે.
તારી જેમ હું પણ પુત્રો માટે વ્યાકુળ થયો ત્યારે લપિતા પણ તારી જેમ જ શંકા કરતી હતી,(31)
વૈશંપાયન બોલ્યા-પછી,તે સર્વ પુત્રોએ તે મંદપાલની સારી રીતે ઉપાસના કરી,ને તે પોતેએ પણ
સર્વ પુત્રોને સારી રીતે આશ્વાસન આપ્યું. (32)
અધ્યાય-233-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE