અધ્યાય-૨૩૦-જરિતાનો વિલાપ
II वैशंपायन उवाच II ततः प्रज्वलिते वह्नौ सर्द्ङ्गाकास्ते सुदुःखिता: I व्यथिता: परमोद्विग्ना नाधिजग्मु : परायणम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,વનમાં અગ્નિ પ્રજ્વલિત થયો,ત્યારે અત્યંત દુઃખ,વ્યથા અને ઉદ્વેગ પામેલા તે શાડ઼:ર્ગક પક્ષીઓ કોઈ સ્થળે આશ્રય પામી શક્યાં નહિ,ત્યારે તેમની માતા જરિતા પણ દુઃખી થઇ વિલાપ કરવા લાગી.
જરિતા બોલી-'ઉગ્ર અને ભયંકર અગ્નિ વનને બાળતો આ બાજુ આવી રહ્યો છે,ત્યારે,પૂર્વજોના આધારરૂપ,પાંખ અને પગ વિનાનાં આ મારાં બાળકોને માટે મારી આંતરડી કકળે છે.આમને પાંખો પણ આવી નથી તેથી તેઓ અહીંથી નાસી છૂટવા સમર્થ નથી અને હું પોતે પણ તે સર્વને ઉગારી શકું તેમ નથી.કે છોડી શકું તેમ પણ નથી.
આમ,મારું હૃદય ખિન્ન થાય છે.ક્યા પુત્રને હું છોડી દઉં?કે કયા ને લઈને હું ચાલી જાઉં? મને કોઈ ઉપાય મળતો નથી,મને લાગે છે કે,તમને હું મારાં અંગોથી ઢાંકી દઈશ અને તમારી સાથે હું પણ મરણને ભેટીશ.પૂર્વે તમારા દયાશૂન્ય પિતા એમ કહીને ચાલ્યા ગયા હતા કે-આ મોટો પુત્ર જરિતારિ,મારા કુળની પ્રતિષ્ઠા રાખશે,
બીજો,સારિસૃક્ક,પિતૃઓના શુભ માટે પ્રજા ઉત્પન્ન કરશે,ત્રીજો,સ્તમ્બમિત્ર તપ કરશે ને ચોથો દ્રોણ,વેદ ભણીને સર્વશ્રેષ્ઠ થશે.પણ આ કષ્ટદાયી પરિસ્થિતિમાં હું કોને લઇ અહીંથી ચાલી જાઉં? શું કરું તો બચી જવાય?'(11)
માતા આમ બોલતી હતી ત્યારે શાડ઼:ર્ગક પક્ષીઓ તેને કહેવા લાગ્યા કે-'હે માતા,તું અમારો સ્નેહ છોડીને જ્યાં અગ્નિ ના હોય ત્યાં ચાલી જા.અમે નાશ પામશું તો તને બીજા પુત્રો થશે.પણ,તું જો નાશ પામીશ તો આપણા કુળમાં સંતતિ નહિ રહે.માટે,આ અણીના વખતે કુળનું કલ્યાણ થાય એ જ વિચારવાનું જે કરવાનું છે.'
જરિતા બોલી-આ ઝાડની પાસે ઉંદરનું દર છે,તમે ઝટ તેમાં પેસી જાઓ,તો ત્યાં તમને અગ્નિનો ભય નહિ રહે.
હું તે દરને ધૂળથી ઢાંકી દઈશ ને અગ્નિ હોલવાઈ જાય ત્યારે અહીં આવી ધૂળ ખસેડીને તમને મળીશ.
શાડ઼:ર્ગકો બોલ્યા-'અમને ભય લાગે છે કે-માંસના લોચા જેવા અમને,ઉંદરો ખાઈ જશે.દરમાં ભરાવાથી
ઉંદરો ખાઈ જાય તે નિંદ્ય છે,તેના કરતા અગ્નિમાં અમારો વિનાશ થાય તે વધારે સારું છે
કેમ કે અગ્નિમાં શરીરનો ત્યાગ કરવાની તો શિષ્ટજનોએ પણ આજ્ઞા આપેલી છે' (22)
અધ્યાય-230-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE