Jun 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-206

 
અધ્યાય-૨૨૯-શાડ઼:ર્ગકો(સારંગો)નું ઉપાખ્યાન 

II जनमेजय उवाच II किमर्थ शार्द्ङ्ग्कानग्निर्न ददाह तथागते I तस्मिन्यये दगामने ब्रहम्न्नेतत् प्रचक्ष्व मे II १ II

જન્મેજય બોલ્યા-તે વનમાં આ રીતે દવ લાગ્યો હતો,ત્યારે અગ્નિએ શાડ઼:ર્ગક (સારંગ) પક્ષીઓને શા માટે બાળ્યાં નહિ?

તે મને કહો.તમે મને અશ્વસેન અને મયદાનવ બાળ્યો નહિ તેનું કારણ કહ્યું પણ આ શાડ઼:ર્ગકો વિશેનું કારણ કહ્યું નથી

તો હે બ્રહ્મન,તે પક્ષીઓની એ આપત્તિમાંથી થયેલી આશ્ચર્યકારક મુક્તિ વિષે કહો (1-3)

વૈશંપાયન બોલ્યા-પૂર્વે વિદ્વાન અને પ્રસિદ્ધ મંદપાલ નામે એક મહર્ષિ હતા.તે ધર્મપરાયણ,જિતેન્દ્રિય,

તપસ્વી,ઉર્ધ્વરેતસ (બ્રહ્મચારી) ઋષિઓના પંથને સેવતા હતા.તપ કરીને તે ઋષિ પિતૃલોકમાં ગયા,

પણ ત્યાં તેમને પુણ્યલોકોમાં જવાનું ફળ મળ્યું નહિ,એટલે ધર્મરાજની પાસે બેઠેલા દેવોને પૂછ્યું કે-

'મેં માનવલોકમાં એવું કયું કર્મ કર્યું નથી,કે જેને કારણે પુણ્યલોકોના વૈભવ મને પ્રત્યક્ષ થતા નથી? 

તે કર્મ મને કહો તો તે કર્મ હું પાછો પૃથ્વીલોકમાં જઈને કરીશ'


દેવો બોલ્યા-મનુષ્યો,ક્રિયાઓ,બ્રહ્મચર્ય અને પ્રજોત્પાદન-એ ત્રણ ઋણ સાથે જન્મે છે.એટલે,યજ્ઞ કરવાથી,

તપ કરવાથી અને પ્રજા ઉત્પન્ન કરવાથી એ સર્વ ઋણોમાંથી મુક્ત થવાય છે.તમે તપસ્વી અને યજ્ઞકારી હોવા છતાં,તમને સંતતિ નહોતી,તેથી તમને પુણ્યલોકો ફળ્યા નથી.તમે સંતતિ ઉત્પન્ન કરો તો પછી તમને ઘણા પવિત્ર લોકોની પ્રાપ્તિ થશે.પુત્ર,પિતાને 'પું' નામના નરકમાંથી તારે છે એવી શ્રુતિ છે એટલે તમે સંતતિનો પ્રયત્ન કરો.


વૈશંપાયન બોલ્યા-દેવોનું એ વચન સાંભળીને મંદપાલ વિચારવા લાગ્યા કે-કઈ યોનિમાં જલ્દીથી અનેક સંતાન થાય? ને તે વિચાર કરીને તે અનેક સંતતિ આપનારી પક્ષીની યોનિમાં ગયા ને શાડ઼:ર્ગક બનીને તેમણે,

જરિતા નામની શાડ઼:ર્ગકાને સેવી.ને તેનાથી તેમણે ચાર બ્રહ્મવાદી પુત્રોને પેદા કર્યા.

પછી,તે ઈંડાંમાં રહેલા તે બાળકપુત્રોને ત્યાં માતા પાસે જ રહેવા દઈને તે મુનિ,લપિતા નામની બીજી સ્ત્રી 

પાસે ગયા.ત્યારે પુત્રસ્નેહથી ભરેલી જરિતા અત્યંત ચિંતામાં પડી.ત્યજાવાને અયોગ્ય એવા ઈંડામાં રહેલા તે પુત્રોને તે ઋષિએ ખાંડવવનમાં ત્યજ્યા હતા,પણ સ્નેહને કારણે જરિતા તે બચ્ચાંઓનું ભરણપોષણ કરવા લાગી,

એક વખતે,લપિતા સાથે વિચરતા તે ઋષિએ અગ્નિને ખાંડવવનને બાળવા આવતો જોયો,

ત્યારે તેમણે ભય પામીને અગ્નિને પોતાના પુત્રો સંબંધમાં કહેતાં,આ પ્રમાણે સ્તુતિ કરી.(4-22)


મંદપાલ બોલ્યો-હે અગ્નિ,તમે સર્વ લોકોના મુખરૂપ છો,હવ્યને લેનારા છો,પ્રાણીમાત્રના અંતરૂપ છો,

ગૂઢ હૃદયમાં વિચરનારા છો,કવિઓ તમને એકરૂપ કહે છે,ત્રિવિધ (દિવ્ય-ભૌમ-ને ઉદરવાસી) કહે છે,

તેઓ તમને અષ્ટરૂપી (પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,ચંદ્ર અને યજમાન) કલ્પીને યજ્ઞને વહેનારા કલ્પે છે.

પરમ ઋષિઓ કહે છે કે-તમે જ આ વિશ્વ સર્જ્યું છે ને હે હુતાસન.તમારા વિના જગત વિનાશ પામે તેમ છે.

તમને નમસ્કાર કરીને વિપ્રો,પોતાની પત્નીઓ તથા પુત્રો સાથે,સ્વકર્મથી જીતેલી શાશ્વત ગતિને પામે છે.


હે અગ્નિ,પંડિતો તમને વિધાયિત સાથેના આકાશમાં રહેલા મેઘો કહે છે,તમારામાંથી નિકલોને શિખાઓ 

સર્વ ભૂતોને બાળી નાખે છે,તમે જ સર્વ ચરાચર ભૂતોને ઉત્પન્ન કર્યા છે અને તમે જ કર્મના વિધાયક છો.

તમારામાં જ આ સર્વ જગત પૂર્વે રહેલું હતું,હવ્ય અને કવ્ય પણ તમારા આશ્રયે યથાવત રહ્યાં  છે.

હે દેવ,તમે વહન છો,તમે ધાતા છો,તમે બૃહસ્પતિ છો,તમે અશ્વિનીકુમારો છો,તમે મિત્ર છો,

તમે સોમ છો અને તમે જ વાયુ છો (23-30)


વૈશંપાયન બોલ્યા-હે રાજા,મંદપાલે આ પ્રમાણે સ્તુતિ કરી એટલે તે પ્રસન્ન થઈ બોલ્યા-'હું તમારું શું ઇષ્ટ કરું?'

ત્યારે મંદપાલે હાથ જોડીને તે અગ્નિને કહ્યું કે-'તમે ખાંડવવનને બાળો,ત્યારે મારા પુત્રને બચાવી લેજો'

ત્યારે તે ગણીએ 'તથાસ્તુ' કહીને વચન આપ્યું અને પછી તે વનને બાળવા પ્રજ્વલિત થયા (31-34)

અધ્યાય-229-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE