મયદર્શન પર્વ
અધ્યાય-૨૨૮-દેવોનો પરાભવ અને મયદાનવનું રક્ષણ
II वैशंपायन उवाच II तथा शैलनिपातेन भीतिषाः खाण्डवालयाः I दानवा राक्षसा नागास्तरक्ष्युक्षवनौकसः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,પર્વતશિખરના પડવાથી,ભય પામેલા,ખાંડવવાસી દાનવો,રાક્ષસો,નાગો,દીપડાઓ,
રીંછો,હાથીઓ,વાઘો,સિંહો,મૃગો,શરભો,પંખીઓ તેમજ બીજાં પ્રાણીઓ ઉદ્વેગ પામીને નાસવા લાગ્યાં.
વનને બળતું જોઈ અને સામે શ્રીકૃષ્ણને અસ્ત્ર ઉગામેલા જોઈને તેઓ ભયંકર ચીસો પાડવા લાગ્યા.
ત્યારે શ્રીકૃષ્ણે.પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું,કે જેનાથી પીડાઈને ક્ષુદ્ર જાતિનાં પ્રાણીઓ,દાનવો ને નિશાચરો
સેંકડોની સંખ્યામાં કપાઈ ગયાં ને તત્કાલ અગ્નિમાં પડ્યાં.કાળરૂપ ધારણ કરેલા શ્રીકૃષ્ણ જેમ જેમ ચક્ર ફેંકતા,
ત્યારે તે પિશાચો,નાગો રાક્ષસોને સંહારીને તેમના હાથમાં પાછું આવતું હતું.(1-11)
સર્વનો સંહાર કરી રહેલા,પ્રાણીમાત્રના આત્મારૂપ શ્રીકૃષ્ણનું સ્વરૂપ અતિ ઉગ્ર થઇ ગયું હતું,ત્યારે,
ત્યાં એકઠા થયેલા સર્વ દેવોમાંથી કોઈ પણ અર્જુન અને શ્રીકૃષ્ણને યુદ્ધમાં જીતી શક્યા નહોતા.
તે દેવોને પૂંઠ ફેરવી બેઠેલા જોઈને ઇન્દ્ર આનંદ પામ્યો અને કેશવ તથા અર્જુનની પ્રશંસા કરવા લાગ્યો.
ત્યારે મહાગંભીર આકાશવાણીએ ઇન્દ્રને કહ્યું કે-તારા સખા નાગરાજ તક્ષકનો નાશ થયો નથી કેમ કે તે કુરુક્ષેત્ર ગયેલો છે,હે ઇન્દ્ર,તું મારુ આ વચન જાણી લે કે-તું કોઈ પણ રીતે કૃષ્ણ અને અર્જુનને યુદ્ધમાં જીતી શકનાર નથી.
પૂર્વે,દેવરૂપ એવા આ બંને સ્વર્ગમાં પ્રસિદ્ધ થનાર નર અને નારાયણ છે.ને તું પણ એમનું પરાક્રમ જાણે છે.
વળી,તે પુરાતન ઋષિવરો છે ને સર્વમાં તે શ્રેષ્ઠતમ ને પૂજ્ય છે.આથી તારે દેવો સાથે અહીંથી ચાલ્યા જવું ઘટે છે,
તું એમ માન,કે ખાંડવવનનો આ વિનાશ,દૈવનિર્માણથી જ થયો છે (12-21)
આ વચન સાંભળીને તથા તેનું સત્ય સ્વીકારીને,ઇન્દ્રે રોષ ત્યજીને સ્વર્ગ તરફ ચાલવા માંડ્યું.તેને જોઈને સ્વર્ગના વાસી દેવતાઓએ પણ તેને અનુસરવા લાગ્યા.ઇન્દ્ર ગયો એટલે અર્જુને બાણોનો મારો ચલાવ્યો ને તે વનનું એક પણ પ્રાણી બહાર નીકળવાને સમર્થ થયું નહિ.જે રાક્ષસો,દાનવો ને નાગો એક સ્થાને રહીને હુમલો લાવતા હતા,
તેમને શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી મારી નાખ્યા.ને તેઓ મહાપ્રદીપ્ત થયેલા અગ્નિમાં પડ્યા.માંસ,લોહી
અને ચરબીના પ્રચંડ સમૂહથી તૃપ્ત થયેલો તે અગ્નિ આકાશમાં જઈને ધુમાડા વિનાનો થયો.
તે અગ્નિ તૃપ્ત અને આનંદિત થયો તથા પરમ સંતોષને પ્રાપ્ત થયો (22-38)
એ વખતે,શ્રીકૃષ્ણે,મય નામના અસુરને તક્ષકના ભવનમાંથી એકાએક નાસી જતો જોયો,ત્યારે વાયુ જેનો સારથી છે તે અગ્નિએ શરીરયુક્ત થઈને,જટાધારી બની,ગર્જના કરીને તેને પકડવાની ઈચ્છા કરી.એટલે તે મય,
કે જે દાનવોનો શ્રેષ્ઠ શિલ્પી હતો તેને મારવાની ઈચ્છાથી,ચક્ર ઉગામી તેની સામે ગયા.
તે મયદાનવ,તે બંનેને જોઈને અર્જુન તરફ દોડ્યો ને પોતાને બચાવવાની પ્રાર્થના કરી,તેથી તે અર્જુને તેને જીવતદાન આપતો તેમ કહ્યું કે-'તું બીશ નહિ,તારે ભય પામવાની જરુર નથી'
આમ,તે મયને,અર્જુને અભયદાન આપ્યું એટલે શ્રીકૃષ્ણે તેને મારવાની ઇધા કરી નહીં અને અગ્નિએ પણ
તેને બાળ્યો નહિ.શ્રીકૃષ્ણ અને અર્જુનના સાથથી,તે અગ્નિએ પંદર દિવસ સુધી તે ખાંડવવનને બાળ્યું.તે વન
બળતું હતું ત્યારે,અગ્નિએ,અશ્વસેન,મય અને ચાર શાડ઼:ર્ગક (સારંગ)પક્ષીઓને બાળ્યા નહોતા.(39-47)
અધ્યાય-228-સમાપ્ત
(નોંધ-હવે પછીના અધ્યાય-229 થી અધ્યાય-234 -સુધી શાડ઼:ર્ગક પક્ષીઓનું ઉપાખ્યાન છે.કે જેનું મૂળ કથા સાથે તાદામ્ય નથી,
અધ્યાય-234 ના છેલ્લા ફકરામાં,અર્જુન અને શ્રીકૃષ્ણ,ખાંડવવન-દહનનું કાર્ય પૂર્ણ કરી,અગ્નિની રજા લઈને પાછા જાય છે-અનિલ)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE