Jun 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-204

 
અધ્યાય-૨૨૭-ઈંદ્રાદિ દેવો સાથે કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ 

II वैशंपायन उवाच II तस्याय वर्षतो वारि पाण्डवः प्रत्यवारयत I शरवर्षेण बीभत्सुरुत्तमास्त्राणि दर्शयन  II १ II

વૈશંપાયન બોલ્યા-દેવરાજ ઇન્દ્રે કરેલી તે જળવૃષ્ટિને,અર્જુને ઉત્તમ અસ્ત્રો પ્રયોજીને બાણવૃષ્ટિ વડે રોકી દીધી.

તે અર્જુને અનેકાનેક બાણોથી આખા ખાંડવવનને ઢાંકી દીધું,ત્યારે એક પણ પ્રાણી વનની બહાર નીકળી શક્યું નહિ.તક્ષક નાગ તે વખતે તે ખાંડવવનમાં નહોતો,તે કુરુક્ષેત્ર ગયો હતો,તેના પુત્ર અશ્વસેને અગ્નિથી બચવા તીવ્ર પ્રયત્ન કર્યો,પણ તે અર્જુનના બાણોથી વીંધાઈ જતાં,વનની બહાર નીકળી શક્યો નહિ,તેથી તેની માતાએ તેને બચાવવાની ઇચ્છાએ,પ્રથમ તેનું માથું ગળી જઈને પછી તેનું પૂંછડું ગળવા લાગી,ને તે આકાશમાં જવા લાગી.

ત્યારે,અર્જુને ધારવાળા તીક્ષ્ણ બાણથી તે સર્પિણીનું માથું છેદી નાખ્યું,તે જ વખતે ઇન્દ્રે તે નાગિણીને જોઈ ને અશ્વસેનને બચાવવા માટે,વાવાઝોડાની ઝાડીથી અર્જુનને મોહિત કરી દીધો.લાગ જોઈ અશ્વસેન ત્યાંથી ભાગ્યો.

આમ,નાગથી છક્કડ ખાયેલો તે અર્જુન,તે ઘોર માયા જોઈને આકાશમાં રહેલા પ્રાણીઓને કાપવા માંડ્યો.ક્રોધમાં આવીને અર્જુન,અગ્નિ ને વાસુદેવે તે કુટિલ ગતિવાળા નાગને શાપ આપ્યો-'તારી પ્રતિષ્ઠા ન રહેજો' (1-11)


પછી,તે ઠગાઈનું સ્મરણ કરીને અર્જુને ઇન્દ્ર સાથે યુદ્ધ આદર્યું.ઇન્દ્રે પણ સમગ્ર આકાશને ઢાંકીને,પોતાનું દિવ્ય અસ્ત્ર પ્રગટ કર્યું ને પ્રચંડ શબ્દવાળાને આકાશમાં રહેનારા વાયુએ સર્વ સાગરોને ખળભળાવી મુક્યા,ને વીજળીના ચમકારા ને કડાકા થી ગાજતા ઘોર મેઘો પ્રગટાવ્યા.તેને મારવા માટે અર્જુને પોતાનું વાયવ્યાસ્ત્ર,મંત્રપૂર્વક પ્રગટ કર્યું,એટલે ઇન્દ્રના દિવ્ય અસ્ત્રોના પરાક્રમ નાશ પામ્યા.ને થોડીવારમાં આકાશ શાંત થઈને અંધકારથી મુક્ત થયું.

સર્વ વિઘ્નો દૂર થવાથી અગ્નિ આનંદિત થયો ને પ્રાણીઓના દેહમાંથી નીકળેલી ચરબી ખાવા લાગ્યો (12-19)


શ્રીકૃષ્ણ અને અર્જુન વનનું રક્ષણ કરી રહ્યા છે,તે જોઈને સુપર્ણ આદિ પક્ષીઓ અહંકારપૂર્વક આકાશમાં ઊડ્યાં.

ગરુડ,પોતાની વજ્ર જેવી પાંખોથી ને તીણા નહોરથી,શ્રીકૃષ્ણ ને અર્જુનને મારવાની ઇચ્છાએ આકાશમાંથી નીચે આવ્યો,તેની પાસે નાગોના સમૂહો કૂદીને આવ્યા,ત્યારે અર્જુને બાણો વડે તેમને કાપી નાખ્યા.

એથી તેઓ તે પ્રજ્વલિત અગ્નિમાં પડીને નાશ પામ્યા. (20-23)


પછી,અસુરો,ગંધર્વો,રાક્ષસો-આદિ તુમુલ નાદો કરતા ઉતરી આવ્યા ને પોતપોતાના અસ્ત્રોથી,શ્રીકૃષ્ણ અને અર્જુનને મારવા લાગ્યા.ત્યારે અર્જુને તે સર્વનાં માથાં તીક્ષ્ણ બાણો વડે ઉડાવી દીધાં.શ્રીકૃષ્ણે પણ પોતાના સુદર્શન ચક્ર વડે અર્જુનને સાથ આપ્યો.આવો મહાનાશ થતો જોઈને ઇન્દ્ર,સફેદ હાથી પર વિરાજી,કૃષ્ણ ને અર્જુન પર ચડી આવ્યો.ને વજ્રાસ્ત્ર પ્રગટાવીને દેવોને કહ્યું કે-'હવે આ બંને મરી ગયા છે એમ જ માનો' (24-30)


ઇન્દ્રને જોઈને બીજા દેવોએ પણ પોતપોતાના શસ્ત્રો હાથમાં લીધાં.યમરાજે કાલદંડ લીધો,ધનપતિએ ગદા લીધી,

વરુણે પાશો ને વિચિત્ર વજ્ર લીધાં,કાર્તિક સ્વામી શક્તિ લીધી,અશ્વિનીકુમારોએ ઔષધિઓ લીધી,ધાતાએ ધનુષ્ય લીધું,જ્યે મુશલ લીધું,ત્વષ્ટાએ પર્વતને ધારણ કર્યો,અંશે શક્તિ લીધી,મૃત્યુદેવે પરશુ લીધું અર્યમાએ ઘોર પરિઘ લીધું,મિત્રે ચક્ર લીધું અને પૂષા,ભગ અને સવિતાએ ભયંકર ધનુષ્ય ને ખડગ લઈને,સર્વે કૃષ્ણ-અર્જુન તરફ દોડ્યા.


વળી,મહાબળવાન એવા રુદ્રો,વસુઓ,મરુતો,વિશ્વેદેવો,સાધ્યો ને બીજા અનેક દેવો પણ વિવિધ અસ્ત્રો ધારણ કરીને,અર્જુન અને શ્રીકૃષ્ણને મારવા માટે દોડ્યા.દેવોની સાથે આમ ઇન્દ્રને સામે આવેલા જોઈને અર્જુન અને શ્રીકૃષ્ણ ક્રોધમાં આવીને દેવોને મારવા મંડ્યા.અનેકવાર દેવોને પાછા હટવું પડ્યું ને છેવટે તેઓ નિરાશ પામીને,રણસંગ્રામમાંથી ભાગીને ઇન્દ્રને શરણે ગયા.ઇન્દ્રે અર્જુનનું પરાક્રમ જાણવાની ઈચ્છાથી,પથ્થરોની વર્ષા કરી,તો તે વર્ષા ને અર્જુને પોતાના બાણોથી હરી લીધી.ઇન્દ્રે ફરીથી પથ્થરની અતિશય વર્ષા કરી,પણ તેનાએ એવા જ હાલ થયા.ઇન્દ્રપુત્ર અર્જુને પિતાને આશ્ચર્ય ને હર્ષ પમાડ્યો.(31-48)


પછી,ઇન્દ્રે પોતાના બે હાથથી મંદરાચલ પર્વતનું મોટું શિખર લઈને અર્જુન તરફ ફેંક્યું.ત્યારે અર્જુને બાણોથી.

તે શિખરના પણ હજારો ચુરાઓ કરી નાખ્યા.કે જે પર્વત શિખરના ટુકડાઓ વનમાં પડવાથી,ખાંડવવનમાં રહેનારાં હજારો પ્રાણીઓ અને જીવો,તેની નીચે ચગદાઈને નિષ્પ્રાણ થઇ ગયા. (49-50)

અધ્યાય-227-સમાપ્ત 

ખાંડવદાહ પર્વ સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE