II वैशंपायन उवाच II एवमुक्तः स भगवान धुमकेतुर्हुताशन: I चिन्तयामास वरुणं लोकपालं दिदक्षया II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુને આમ કહ્યું એટલે,ધૂમકેતુ (અગ્નિ)એ,જળનિવાસી,જલેશ્વર,અને લોકપાલ એવા અદિતિપુત્ર વરુણનાં દર્શન અર્થે ચિંતન કર્યું,ત્યારે તે વરુણે,દર્શન આપ્યાં,ત્યારે અગ્નિએ તેમને પૂજા સત્કાર
અર્પણ કરીને કહ્યું કે-'સોમરાજાએ તમને જે ધનુષ્ય,સુદર્શન ચક્ર ને શીઘ્રવેગી કપિના ધ્વજવાળો રથ આપ્યા છે
તે તત્કાળ મને આપો.અર્જુન તે ગાંડીવ ધનુષ્યથી અને વાસુદેવ તે સુદર્શન ચક્રથી મને સહાય કરશે.
વરુણે અગ્નિને ઉત્તર આપ્યો કે-'ભલે,હું તે આપું છું' (1-5)
પછી,તેમણે,અદ્ભૂત,યશ ને કીર્તિ વધારનારૂ,સર્વ શસ્ત્રોને મથી નાખનારું,સર્વ આયુધોમાં શ્રેષ્ઠ,શત્રુસૈન્યનો વિનાશ લાવનારું,લાખોની બરાબરી કરનારું,રાજ્યની વૃદ્ધિ કરનારું,ચિત્રવાળું,વિવિધ રંગોની શોભાવાળું,સુંવાળું,છિદ્ર વિનાનું તેમ જ દેવો-દાનવો તથા ગંધર્વોએ અનંત વર્ષોથી પુજેલું,સર્વ ધનુષ્યોમાં રત્નસમું ગાંડીવ ધનુષ્ય આપ્યું.
વધુમાં તેમને મહાન અને અખૂટ એવાં બે ભાથાં અને ઉત્તમ કપિધ્વજ રથ આપ્યો કે જેને રૂપેરી રંગના,સોનાની માળાવાળા,વાયુ જેવી ગતિવાળા દિવ્ય ઘોડાઓ જોડ્યા હતા,તે રથ દેવો ને દાનવોથી પણ જીતાય તેવો નહોતો
ને કાંતિવાન હતો,મહાઘોષવાળો હતો,ને જેને પ્રજાપતિએ વિશ્વકર્માએ મોટું તપ કરીને નિર્માણ કર્યો હતો,
કે જેમાં બેસીને સોમપ્રભુએ તેમાં બેસીને દાનવોને જીત્યા હતા,શ્રીકૃષ્ણ અને અર્જુન તેમાં વિરાજ્યા.(6-14)
પૂર્વે,બ્રહ્માએ નિર્મેલું,શ્રેષ્ઠ અને દિવ્ય ગાંડીવ ધનુષ્ય પામીને અર્જુન અતિ આનંદ પામ્યો ને તેના હાથમાં ધારણ કરીને જયારે તેની પણછ ચડાવી ત્યારે જેણે તેનો ટંકાર સાંભળ્યો,તે બધાંનાં મન વ્યગ્ર થઇ ગયાં.
આમ,ધનુષ્ય,બે અક્ષય ભાથાં ને રથ મેળવીને અતિ હર્ષ પામ્યો ને સહાયકાર્યમાં સમર્થ થયો.
પછી,અગ્નિએ શ્રીકૃષ્ણને વજ્ર જેવું સુદર્શન ચક્ર અને પોતાનું આગ્નેય અસ્ત્ર આપ્યું.તેથી તે પણ સહાયકાર્યમાં
સમર્થ થયા.અગ્નિએ કહ્યું-'હે મધુસુદન,તમે આ ચક્રથી દેવ જેવાઓને પણ રણમાં નિઃસંશય જીતશો.
આ ચક્રથી તમે યુદ્ધમાં મનુષ્યો,દેવો,રાક્ષસો,પિશાચો,દૈત્યો અને નાગોથી અધિક થશો.
તેમ જ નિઃસંદેહ તેમને પરાસ્ત કરવામાં શ્રેષ્ઠ રહેશો.હે માધવ,રણમાં તમે તેને શત્રુ પર જયારે જયારે ફેંકશો,
ત્યારે ત્યારે તેમને મારીને એ વગર રોક્યે પાછું તમારા હાથ પર આવી જશે.
પછી,વરુણે,શ્રીકૃષ્ણને વજ્રના જેવી,કૌમોદીકી નામની ભયંકર ગદા આપી.અને આ રીતે પોતાને મળેલી
વસ્તુઓથી અર્જુન અને શ્રીકૃષ્ણે પ્રસન્ન થઈને અગ્નિને કહ્યું કે-'હે ભગવન,અમે બંને સર્વ સુરો અને અસુરોની સાથે યુદ્ધ કરવા સમર્થ થયા છીએ,તો પછી,નાગો માટે યુદ્ધ કરવા ઇચ્છતા ઇન્દ્ર સાથે યુદ્ધ કરવું તે શી મોટી વાત છે?
અર્જુન બોલ્યો-આ ઋષિકેશ,જયારે આ સુદર્શન ચક્ર લઈને યુદ્ધમાં વિચરશે,ત્યારે આ ત્રણે લોકમાં,એવું કશું નથી કે જે તે કરી ન શકે.હું પણ ગાંડીવ,અક્ષય ભાથાંઓથી યુદ્ધમાં વિજયી થવાનો ઉત્સાહ રાખું છું.હે પ્રભુ,તમે આજે હવે આ વનને ચારે બાજુથી વીંટી લઈને ઈચ્છાપૂર્વક દાહ લગાડો,અમે સહાય માટે સમર્થ છીએ.(15-33)
વૈશંપાયન બોલ્યા-ત્યારે અગ્નિએ તેજસ્વી રૂપ ધારણ કરીને તે વનને બાળવા માંડ્યું.કાલી-કરાલી-વગેરે સાત શિખાઓંવાળા તે અગ્નિએ ચારે તરફથી ખાંડવવનને ઘેરી લીધું.તે સમયે તે પ્રલયાગ્નિ જેવો દેખાઈ રહ્યો હતો.
ને તેણે મેઘના જેવી ગર્જના કરીને સર્વ પ્રાણીઓને કંપાવી મૂક્યાં.તે વન,જયારે આમ બળી રહ્યું હતું,ત્યારે તે,
જેમ,સૂર્યના કિરણોથી પર્વતરાજ મેરુ શોભે,તેમ તે (ખાંડવ વન) શોભી રહ્યું હતું.(34-37)
અધ્યાય-225-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE