II वैशंपायन उवाच II ततः संवादिते तस्मिन्ननुज्ञातो धनंजयः I गतां रैवतके कन्यां विदित्वा जनमेजय II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,અર્જુને યુધિષ્ઠિરની સંમતિ જાણીને અને તે કન્યા રૈવતક પર્વત ગઈ છે,
એમ પણ જયારે તેણે જાણ્યું ત્યારે ,તે શ્રીકૃષ્ણ પાસે ગયો,અને પોતાના ધારેલા કાર્યની યોજના તેમને
સમજાવી ને તેમની અનુજ્ઞા મેળવી.ને આમ,કૃષ્ણનો મત મેળવીને તેણે પ્રયાણ આદર્યું.(1-2)
બાણ,કવચ-આદિથી સજ્જ થઈને તે મૃગયાના બહાને,સુવર્ણના અંગવાળા રથમાં બેસીને નીકળ્યો.
તે રથને શૈબ્ય ને સુગ્રીવ નામના ઘોડાઓ જોડ્યા હતા,ને તે રથમાં સર્વ શસ્ત્રોની સજાવટ હતી.
તે વખતે,સુભદ્રા,રૈવતની પૂજા કરીને,સર્વ દેવોને પૂજન અર્પીને અને બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવીને,
પર્વતની પ્રદિક્ષણા કરી દ્વારકા આવવા નીકળી હતી.ત્યારે કામબાણથી પીડિત અર્જુને દોડીને તે
સુભદ્રાને બળપૂર્વક પકડીને રથમાં બેસાડી દીધી ને તે પોતાના નગર તરફ જવા નીકળ્યો.(3-9)
સુભદ્રાનું આમ અપહરણ થયેલું જોઈને,તેને બચાવવા અસમર્થ થયેલા તેના અંગરક્ષકો,બૂમો પાડતા દ્વારકા
તરફ ગયા ને સભાપાલને,અર્જુનનું મહાપરાક્રમ કહી સંભળાવ્યું.સભાપાલે તરત જ રણભેરી બજાવી,કે જેથી,
સેંકડો ભોજો,વૃષ્ણીઓ અને અંધકો ખળભળી ઉઠ્યા અને ખાવાપીવાનું છોડીને,તે બધા એકઠા થયા.
ને હકીકત જાણીને,અર્જુનના આકાર્યને સાંખી ન લેતાં,અહંકાર કરીને બૂમો પાડવા લાગ્યા કે-જલ્દી રથો
તૈયાર કરો,ને તે સાંભળી તેમના સારથીઓ રથો જોડવા લાગ્યા ને ત્યાં મહાકોલાહલ ચાલુ થયો,
તે જ વખતે,બલદેવ ત્યાં આવ્યા અને તેમણે કહ્યું કે-'અરે મુર્ખાઓ,અહીં,જનાર્દન કૃષ્ણ પોતે શાંત બેઠા છે
અને તેમનો ભાવ જાણ્યા વિના,ક્રોધમાં આવીને તમે સર્વેએ આ શાનો કોલાહલ મચાવ્યો છે? પહેલાં,
એ મહામતિને,પોતાનો અભિપ્રાય આપવા દો,ને એમને જે પ્રિય લાગે તે તેમે વિના આળસે કરો'
હળધારી બલરામનાં વચનો સાંભળીને તે સર્વ શાંત થયા ને સભાની મધ્યમાં બેસી ગયા.પછી,બલરામે,
વાસુદેવ શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે જનાર્દન,તમે આ બધું જોયા છતાં,આમ કેમ મૂંગા બેસી રહ્યા છો?
હે અચ્યુત,અમે સૌએ તમારે લીધે જ અર્જુનને સત્કાર આપ્યો હતો,પણ તે દુર્બુધ્ધિ કુલાંગાર એ સત્કારને યોગ્ય જ નથી લાગતો,કેમ કે પોતાને કુળવાન માનનાર એવો તે કયો પુરુષ હોય કે જે જ્યાં જમે તેનાં જ ભાણાં ભાગે?
જે સંબંધ ઈચ્છતો હોય,જે પોતાના પર થયેલો પૂર્વનો ઉપકાર માનતો હોય ને જે ઐશ્વર્યનો અભિલાષી હોય,તે કોઈ આવું સાહસ આચરી શકે ખરો? તેણે આપણા સર્વનો ને તમારો પણ અનાદર કરીને,સુભદ્રાનું અપહરણ કરીને મારા માથા પર પગ મુક્યો છે.હે ગોવિંદ,નાગ પણ પગની ઠેસ સાંખતો નથી,તો તેને હું કેમ કરી સાંખી લઉં?
આજે હું એકલો જ પૃથ્વીને કુરુઓ વિનાની કરી નાખીશ,તેની ઉધ્ધતાને હું સાંખી શકીશ નહિ'
બલરામના આ ગર્જના ભર્યા શબ્દોને સૌ ભોજો,વૃષ્ણીઓ અને અંધકોએ અનુમોદન આપ્યું (10-33)
અધ્યાય-220-સમાપ્ત
સુભદ્રાહરણ પર્વ સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE