May 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-196

 
સુભદ્રાહરણ પર્વ 

અધ્યાય-૨૧૯-અર્જુનને સુભદ્રાનું આકર્ષણ 

II वैशंपायन उवाच II ततः कतिपयाहस्य तस्मिन् रैवतके गिरौ I वृष्णयंधकानमवदुत्सवो नृपसत्तम II १ II

વૈશંપાયન બોલ્યા-હે શ્રેષ્ઠ રાજા,કેટલાક દિવસો પછી,તે રૈવતક પર્વત પર વૃષ્ણીઓ તથા અંધકોનો એક ઉત્સવ થયો.ત્યાં બ્રાહ્મણોને ઘણાં દાન અપાયાં.તે પર્વતની આજુબાજુએ રત્નસુશોભિત અનેક ભવનો ને વૃક્ષો હતાં.

ત્યાં વાદકો,વાજીંત્રો વગાડતા હતા,નર્તકો નૃત્ય કરતા હતા,ને ગાયકો ગાન ગાતા હતા.ઓજસ્વી વૃષ્ણીકુમારો,અલંકારોથી વિભૂષિત થઈને,સુવર્ણ ચિત્રવાળાં વાહનોમાં બેસીને સર્વ બાજુએ ફરતા હતા.

નગરજનો પણ પોતાની સ્ત્રીઓ ને પરિવારો સાથે વાહનોમાં કે પગપાળા ફરી રહ્યા હતા.(1-6)

ગંધર્વોથી અનુસરાતા અને હર્ષોન્મત બલરામ પણ પોતાની પ્રિયા રેવતી સાથે વિચરી રહ્યા હતા.ત્યાં વૃષ્ણીઓના પ્રતાપી રાજા ઉગ્રસેન પણ પોતાની હજારો સ્ત્રીઓ સાથે આવ્યા હતા,ને ગંધર્વો તેમની આગળ ગાન કરતા હતા.ફૂલમાળા ધારણ કરેલ રુકિમણીકુમાર પ્રધુમ્ન અને સાંબ પણ દેવોની જેમ વિહાર કરતા હતા.અક્રૂર,સારણ,ગદ,બભ્રુ,વિદુરથ,વિષઠ,ચારુદેષ્ણ,પૃથુ,વિપથુ,સત્યક,સાત્યકિ,ભંગકાર,મહારવ,હાર્દિકય,ઉદ્ધવ 

તેમ જ બીજા અગણિત પુરુષો ત્યાં આવ્યા હતા.ને ઉત્સવને શોભા આપી રહ્યા હતા.(7-12)


તે વખતે,વાસુદેવ અને અર્જુન ત્યાં આવ્યા ને તે ટહેલતા હતા,તેવામાં,અર્જુને,અલંકારથી વિભૂષિત થયેલી,

વાસુદેવની પુત્રી સુભદ્રાને,સખીઓની મધ્યમાં તેમણે જોઈ ને તે તેનાથી આકર્ષિત (કામી) થઇ ગયો.

અર્જુનનું મન સુભદ્રા તરફ એકાગ્ર થયેલું જોઈને,શ્રીકૃષ્ણે તેને હસતા હોય તેમ કહ્યું કે-વનમાં વિચરનારાનું (તારું) મન

પણ શું કામિનીથી આકર્ષાઈ (કામી થઇ) જાય છે? હે પાર્થ,એ મારી બહેન છે,ને સારણની એ સગી બહેન છે,

એનું નામ સુભદ્રા છે,ને મારા પિતાની એ પ્રિય પુત્રી છે,તારી જો અભિલાષા હોય તો હું પિતાને કહીશ.(13-17)

(નોંધ-સુભદ્રા,એ વસુદેવ ને રોહિણી (યશોદાની બહેન)ની પુત્રી ને બલરામ-સારણ-આદિ ભાઈઓની સગી બહેન હતી,

એટલે કૃષ્ણ કે જે  વસુદેવ-દેવકીની પુત્ર હતા,તેમની, સુભદ્રા -એ ઓરમાન બેન કે હાફ સિસ્ટર કહી શકાય-અનિલ)


અર્જુન બોલ્યો-તે વસુદેવની પુત્રી,તમારી બહેન ને સ્વરૂપવાળી છે,તો તે કોને મોહ ન ઉપજાવે?

ખરે,જો એ મારી રાણી થાય તો નિઃસંશય,તમે મારુ કલ્યાણ કર્યું-એમ હું માનીશ.

હે જનાર્દન,એને મેળવવાનો શો ઉપાય છે?તે મને કહો,મારાથી શક્ય હશે તે સર્વ હું કરીશ.

વાસુદેવ બોલ્યા-હે અર્જુન,ક્ષત્રિયો માટે સ્વયંવર વિવાહ છે.(કે જેમાં કન્યા જાતે વર પસંદ કરે છે)

પણ સ્ત્રીઓના સ્વભાવનું કંઈ નક્કી કહી શકાતું નથી તેથી તે વિવાહ શંકાયુક્ત છે.(એટલે કે તે તને પસંદ કરે 

કે ન પણ કરે,કેમ કે તે કોઈ બીજાને ચાહતી હોય તેવું પણ બને) પણ,વિવાહને નિમિત્તે,બળપૂર્વક કન્યાનું હરણ કરવું એ શૂરવીર ક્ષત્રિયો માટે પ્રશંસા પાત્ર છે,એમ ધર્મજ્ઞો કહે છે.એટલે તું તે સુભદ્રાનું બળપૂર્વક અપહરણ કરી જા,કેમ કે જો સ્વયંવર કરવામાં આવશે તો એ કોણ જાણે કોને પરણવા ઇચ્છશે? (18-23)

પછી,અર્જુન અને કૃષ્ણે તે કર્તવ્યકાળનો નિશ્ચય કર્યો ને યુધિષ્ઠિરને,ઈંદ્રપ્રસ્થમાં સંદેશો આપવા શીઘ્ર ગતિવાળા દૂતોને મોકલ્યા.પાંડુનંદન યુધિષ્ઠિરે પણ તે સર્વ વાત સાંભળી,પોતાની સંમતિ આપી.(24-25)

અધ્યાય-219-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE