May 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-194

 
અધ્યાય-૨૧૬-વર્ગા અપ્સરાની શાપમુક્તિ 

II वैशंपायन उवाच II ततः समुद्रे तीर्थानि दक्षिणे भरतर्पम: I अभ्यगच्छत्सुपुण्यामि शोभितानि तपस्विमिः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભારતવંશમાં શ્રેષ્ઠ એવો તે અર્જુન,તપસ્વીઓથી શોભતા દક્ષિણ સમુદ્ર પરનાં પુણ્યતીર્થોમાં ગયો.ત્યાં અગસ્ત્ય,સૌભદ્ર,પૌલોમ,કારંધમ,ને ભારદ્વાજ નામના પાંચ તીર્થોનાં તેણે દર્શન કર્યાં.

જો કે આ તીર્થો તપસ્વીઓથી ત્યજાયેલાં હતાં,એટલે અર્જુને ત્યાં હાજર રહેલ કોઈ સાધુને પૂછ્યું કે-

'હે બ્રહ્મવાદી,તપસ્વીઓ આ તીર્થનો ત્યાગ કેમ કરે છે?' ત્યારે તેણે કહ્યું કે-આ તીર્થોમાં પાંચ મોટા મગરમચ્છો 

રહે છે અને તે તપસ્વીઓને ખેંચી જાય છે એટલે તપસ્વીઓ આ તીર્થમાં રહેતા નથી' (1-6)

વૈશંપાયન બોલ્યા-અર્જુનને,તે સાધુઓએ વાર્યો,છતાં,તે પરંતપ મહર્ષિના સૌભદ્ર તીર્થે ગયો ને ત્યાં ડૂબકી મારી સ્નાન કરતો હતો,ત્યારે એક મગરે તેને પગથી પકડી લીધો,પણ તે પછાડા મારતા મગરને લઈને અર્જુન બહાર લાવ્યો,

ત્યારે તરત જ તે મગર એક સુંદર નારી થઇ ગયો,તે જોઈને અર્જુને તેને પૂછ્યું કે-'હે કલ્યાણી,તું કોણ છે?

તું ક્યાંથી અહીં આવી છું?પૂર્વે તેં કયું મહાપાપ કર્યું હતું? કે તારે મગરયોનિમાં જન્મવું પડ્યું?'(7-14)


નારી બોલી-'હે મહાબાહુ,દેવના વનમાં વિહારનારી હું વર્ગા નામે અપ્સરા છું,મારે ચાર સખીઓ છે,તે પણ સર્વ યચેચ્છ ગતિવળી છે.એક વાર તે સૌની સાથે હું કુબેરના ભવને જતી હતી ત્યારે,રસ્તામાં અમે એક ઉત્તમવ્રતી બ્રાહ્મણને જોયો,

કે જે વેદાધ્યયનમાં પારાયણ હતો.તેના તપથી આખું વન તેજોમય થયું હતું.તેનું આવું ઉત્તમ રૂપ જોઈને

અમે તેના તપમાં વિઘ્ન નાખવાની ઈચ્છાથી તે દેશમાં ઉતર્યા.

હું,સૌરભેયી,સમીચી,બુદબુદા અને લતા એ પાંચેય તે વિપ્ર પાસે ગયા અને તેને ગીતગાનો ને હાસ્યવિનોદથી લોભાવી જોયો,પણ તેણે અમારા તરફ મન લગાડ્યું નહિ.અને તે મહાતપસ્વી જરા પણ ડગ્યો નહિ.પણ,

તેણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે-'તમે મગરો થઈને સો વર્ષો સુધી જળમાં વિચરશો' (15-23)

અધ્યાય-216-સમાપ્ત 


અધ્યાય-૨૧૭-બીજી અપ્સરાઓનો પણ ઉદ્ધાર 


II वर्गोवाच II ततो वयं प्रव्यथिताः सर्वा भारतसत्तम I अयाम शरणं विप्रं तं तपोधनमच्युतम् II १ II

વર્ગા બોલી-હે ભરતોત્તમ,એથી અમે બધાં ઘણી વ્યથા પામ્યાં ને તે તપોધન બ્રાહ્મણને શરણે ગયાં.ને કહ્યું કે-

'હે દ્વિજ,રૂપ,વય અને કામમાં છકી જઈને અમે અયોગ્ય કરી બેઠાં છીએ.શ્રેષ્ઠ તપવાળા તમને અમે અહીં લોભાવવા આવ્યા,ને એ જ અમને મરણરૂપ થયું છે.ધર્મચિંતકો માને છે કે સ્ત્રીઓ વધને અયોગ્ય છે.

તો તમે ધર્મથી વૃદ્ધિ પામો,અમારી હિંસા કરવી તમને ઘટે નહિ.વળી,બ્રાહ્મણને તો પ્રાણીમાત્ર તરફ મૈત્રીવાન 

કહ્યો છે,તો પંડિતોનું આ વચન સત્ય થાઓ.અમે તમારા શરણે આવ્યા છીએ,તમે અમને ક્ષમા આપો.(1-6)


ત્યારે તે ધર્માત્મા બ્રાહ્મણે,તેમની વિનંતી ધ્યાનમાં લઈને કહ્યું કે-'સો વર્ષનું પરિમાણ તો રહેશે જ છતાં પણ,

જળમાં મગરૃપ થયેલી તમે પુરુષોને પકડ્યા કરતી હશો ત્યારે કોઈ પુરુષશ્રેષ્ઠ તમને તે જળમાંથી બહાર કાઢશે,ત્યારે તમે સૌ તમારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત થશો.મેં કદી અસત્ય કહ્યું નથી,માટે આ વાત સત્ય થશે.

તે પછી,તે સર્વ તીર્થો નારીતીર્થ તરીકે પ્રખ્યાતિ પામશે ને પુણ્યકારી થશે'(7-11)


વર્ગા બોલી-'પછી,અત્યંત દુઃખ પામેલાં અમે તે વિપ્રને વંદન કરી તથા તેની પ્રદિક્ષણા કરીને તે સ્થાનનો ત્યાગ કરવા વિચારવા લાગ્યાં કે-'જે પુરુષ આપણને આપણું મૂળ રૂપ અપાવશે,તે આપણને થોડા સમયમાં જ મળે તો કેવું સારું?' અમે આમ વિચારી રહ્યા હતા ત્યારે અમે મહર્ષિ નારદને દીઠા.તેમણે નજીક આવી મારા દુઃખનું કારણ પૂછ્યું,ત્યારે અમે તેમને અમારું વૃતાંત કહ્યું.નારદજીએ અમને કહ્યું કે-'દક્ષિણમાં સાગર પ્રદેશમાં પાંચ રમ્ય ને પુણ્યકારી તીર્થો છે,ત્યાં તમે તત્કાલ જાઓ,પાંડુપુત્ર અર્જુન ત્યાં થોડા સમયમાં આવશે ને તમને છોડાવશે'

તેમનું વચન સાંભળીને અમે અહીં આવ્યા છીએ,તમે મને જેમ મુક્ત કરી તેમ મારી સખીઓને પણ મુક્ત કરો.


વૈશંપાયન બોલ્યા-પછી,ઉદાર મનવાળા અર્જુને તે સર્વ અપ્સરાઓને તે શાપમાંથી મુક્ત કરી.આમ,તીર્થોને 

શુદ્ધ કરીને તેમ જ અપ્સરાઓને રાજા આપીને તે અર્જુન ચિત્રાંગદાને મળવા પાછો મણિપુર આવ્યો.

તે ચિત્રાંગદાને થયેલા પોતાના પુત્ર બબ્રુવાહનને જોઈને,અર્જુને ચિત્રાંગદાના પિતા ચિત્રવાહનને કહ્યું કે-

હે નરપતિ,આ બબ્રુવાહનને તમે આપણી શર્ત મુજબ,ચિત્રાંગદાના મૂલ્ય તરીકે સ્વીકારો,કે જેથી હું ઋણમુક્ત થઈશ' પછી ચિત્રાંગદાને કહ્યું કે-'તું અહીં જ રહેજે ને બબ્રુવાહનને મોટો કરજે તારું કલ્યાણ થાઓ.

પછી,ઈંદ્રપ્રષ્ઠ નગરમાં આવીને,તું સર્વ પાંડવો,દ્રૌપદી ને માતાને મળીને,આનંદ પામીને મારી સાથે વિહાર કરજે.


જયારે,યુધિષ્ઠિર અખિલ પૃથ્વીને જીતીને રાજસૂય યજ્ઞ કરે તે વખતે સર્વ રાજાઓની સાથે તારા પિતા પણ આવશે,ત્યારે તું પણ તેમની સાથે આવજે.હું ત્યારે તને મળીશ,પુત્રનું પાલન કરજે શોક કરીશ નહિ.

પુરુવંશને આનંદ આપનારો આ પ્રિયપુત્ર,પુત્રધર્મથી ચિત્રવાહનનો વારસ છે,તેથી તેનું સદૈવ પાલન કરજે.

હે અનિન્દિતા,તું વિયોગનો સંતાપ કરીશ નહિ.' આમ કહી અર્જુન ગોકર્ણતીર્થ તરફ ગયો.કે જે તીર્થ પશુપતિનું આદ્ય સ્થાન છે અને ત્યાં પાપી પણ અભય આપનારા પદને પામે છે (12-35)

અધ્યાય-217-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE