II वैशंपायन उवाच II कथयित्वा च तत्सर्वं ब्राह्मणेभ्य: स भारत I प्रपयौ हिमवत्पार्श्वं ततो वज्रधरात्मजः II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુને તે બધી વાત બ્રાહ્મણોને કહી સંભળાવી અને પછી,ત્યાં અગસ્ત્ય વટ આગળ જઈને વસિષ્ઠ પર્વત પર ગયો ને ભૃગુતુંગ (તુંગનાથ)માં જઈ પહોંચ્યો.હિરણ્યતીર્થમાં સ્નાન કરીને,તેણે અનેક પુણ્યસ્થાનોનાં દર્શન કર્યા ને પછી બ્રાહ્મણોની સાથે તે ,એ સ્થાનોમાંથી નીચે ઉતરી પૂર્વ તરફ ચાલ્યો.
ને તેણે નૈમિષારણ્ય તરફ વહેતી ઉત્પલીની,નંદા,અપરનંદા,યશસ્વિની,કૌશિકી.મહાનદી-આદિનાં દર્શન કર્યા.
આમ સર્વ તીર્થો તથા આશ્રમોના દર્શન કરીને તેણે બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું.(1-8)
પછી,તે અંગ,વંગ,તથા કલિંગ દેશોમાં જે કોઈ તીર્થો ને પુણ્યધામો હતા ત્યાં જઈ દર્શન કરી,દાન આપ્યાં.
અર્જુનને અનુસરી રહેલા બ્રાહ્મણો,કલિંગરાજ્યની સીમા આવતાં,અર્જુનની આજ્ઞા લઈને પાછા વળ્યા.
ને પછી,થોડા સહાયકો સાથે તે જ્યાં સમુદ્ર હતો તે તરફ ગયો.પછી,તપસ્વીઓથી શોભતા,મહેન્દ્ર પર્વતને જોઈને
તે સાગરકાંઠેથી ધીરેધીરે મણિપુરમાં આવ્યો.ને મણિપુરના ધર્મજ્ઞ રાજા ચિત્રવાહનના રાજ્યમાં ગયો.
તે રાજાને ચિત્રાંગદા નામે એક સુંદર રૂપવાળી કન્યા હતી.તેને તે રાજ્યમાં ફરતી જોઈને તે તેની કામના કરવા લાગ્યો,ને તેણે રાજા પાસે જઈ કહ્યું કે-'હે રાજન,મને ક્ષત્રિયને આ તમારી કન્યા આપો'
રાજાએ પૂછ્યું કે-'તમે કોના પુત્ર છો? તમારું નામ શું છે?' અર્જુને પોતાનો પરિચય આપ્યો,એટલે
રાજાએ તેને સાંત્વન આપતા કહ્યું કે-'અમારા કુળમાં પ્રભંજન નામે એક રાજા થયો હતો,તેને પુત્ર નહોતો એટલે તેણે તપ આચર્યું હતું, ત્યારે મહાદેવે પ્રસન્ન થઈને 'તેના કુળમાં એકએક સંતાન થશે' તેવું વરદાન આપ્યું હતું.
આથી અમારા વંશમાં સદૈવ એકએક જ સંતાન થાય છે.મારી આગળના સર્વેને કુમારો જ જન્મ્યા હતા,
પણ,મને આ વંશવર્ધિની કન્યા જ થઇ છે,મારે મન એ પુત્ર સમાન જ છે ને મેં એને વિધિપૂર્વક પુત્રિકા કરી રાખી છે.
એટલે તમારાથી તેને જે પુત્ર થાય,તે આ કન્યાના મૂલ્યરૂપે થશે અને તે મારા કુળને વિસ્તારશે,એવી શરતે તમે આ કન્યાનો સ્વીકાર કરો' ત્યારે અર્જુને 'ભલે એમ' કહીને રાજાની એ વાત કબુલ રાખીને તે કન્યાને સ્વીકારી ને તે નગરમાં એક વર્ષ સુધી નિવાસ કર્યો.ચિત્રાંગદાને એક પુત્ર જન્મ્યો,ત્યારે અર્જુન તે બંનેની આજ્ઞા લઈને,
ત્યાંથી ફરી,આગળ પ્રવાસ કરવા નીકળી ગયો (9-27)
અધ્યાય-215-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE