May 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-192

અધ્યાય-૨૧૪-અર્જુન અને ઉલૂપીનો મેળાપ 


II वैशंपायन उवाच II तं प्रयान्तं महाबाहु कौरवाणां यशस्करं I अनुजग्मुर्महात्मानो ब्राह्मणा वेदपारगा II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કૌરવ વંશનો યશ વધારવાવાળો અર્જુન જયારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે,

તેની સાથે વેદજ્ઞ મહાત્મા બ્રાહ્મણો પણ તેની સાથે જવા લાગ્યા.વળી,આધ્યાત્મચિંતન કરવાવાળા,ભિક્ષાચારી બ્રહ્મચારી,ભગવદ્ભક્ત,પુરાણોના જ્ઞાતા સૂત,કથાવાચક,સન્યાસી,વાનપ્રસ્થ વગેરે પણ તેની સાથે ગયા.(1-3)

પછી,તે ભરતશ્રેષ્ઠે,વિવિધ રમણીય વનો,સરિતાઓ,સાગરો ને પુણ્યતીર્થોમાં ફર્યા પછી,ગંગાદ્વારે પહોંચી ત્યાં નિવાસ કર્યો.ત્યાં વિપ્રોએ અનેક અગ્નિહોત્રો પ્રગટાવ્યા ને અગ્નિમાં હોમ કર્યા.ત્યારે,અભિષેક પામેલા,નિયમમાં રહેલા,સન્માર્ગમાં સ્થિર અને વિદ્વાન મહાત્માઓથી તે ગંગાદ્વાર અત્યંત શોભી રહ્યું.એક વાર,અર્જુન,સ્નાન માટે ગંગાજીમાં ઉતર્યો,તેણે પિતામહોને તર્પણ કર્યું અને અગ્નિકાર્ય કરવાની ઇચ્છાએ બહાર નીકળતો જ હતો,તેવામાં,

નાગરાજની કામવશ કન્યા ઉલૂપીએ તેને જળના તળિયામાં તાણી લીધો.(4-13)


અર્જુને ત્યાં,કૌરવ્ય નાગના ભવનમાં પરમપૂજિત અગ્નિ જોયો,એટલે તેણે તેમાં અગ્નિકાર્ય કર્યું.ને આહુતિ આપી.

પછી,તેણે નાગરાજની પુત્રીને પૂછ્યું કે-'તેં આ સાહસ શા માટે કર્યું?આ કયો દેશ છે?તું કોણ છે ને કોની પુત્રી છે?'

ઉલૂપી બોલી-'હું કૌરવ્ય નાગની ઉલૂપી નામે પુત્રી (નાગકન્યા) છું,તમને જોઈને હું કામથી મૂર્છિત થઇ છું,

હે કુરુનંદન,તમે મને આત્મદાન આપીને આનંદિત કરો.(14-20)


અર્જુન બોલ્યો-'હે ભદ્રા,મારે આ બાર વર્ષનું બ્રહ્મચર્ય વ્રત છે,હું સ્વતંત્ર નથી.પર્વે મેં કદી,જરા પણ અસત્ય કહ્યું નથી.હું તારું પણ પ્રિય કરવા ઈચ્છું છું,તો એવું હું શું કરું કે જેથી મને ધર્મની પીડા ન લાગે ને તારું પ્રિય થાય?'

ઉલૂપી બોલી-'હે પાંડવ,હું જાણું છું કે તમે નિયમભંગના દોષથી આ પૃથ્વી પર વિચરી રહયા છો,તમે ધર્મને અર્થે 

આ કામ કર્યું છે,પણ મારા સંબંધમાં ધર્મનું દુષણ લાગતું નથી,કેમ કે પીડિતોનું પરિત્રાણ કરવું એ તમારો ધર્મ છે.

મારુ રક્ષણ કરવાથી તમારો ધર્મ લોપ નહિ પામે.વળી,તમે મને પ્રાણદાન આપશો એટલે તે ધર્મરૂપ જ થશે.


હું તમને ભજી રહી છું,તો તમે મારો સ્વીકાર કરો,હે પ્રભુ,સત્પુરુષોનો એ જ મત છે.ને તમે જો આમ નહિ જ કરો 

તો તમે મને મરેલી માની લેજો,માટે મને પ્રાણદાન આપીને તમે ઉત્તમ ધર્માચરણ કરો.હું આજે તમારે શરણે પડી છું,તમે દીનો અને અનાથોનું નિત્ય રક્ષણ કરો છો,કામથી ઘેરાયેલી હું તમારી યાચના કરું છું,તો તમે મારું પ્રિય કરો અને મને આત્મદાન આપીને,તમે મારો મનોરથ પૂરો કરવા યોગ્ય છો' (21-33)


વૈશંપાયન બોલ્યા-નાગનાથની કન્યાએ અર્જુનને આ પ્રમાણે કહ્યું,ત્યારે અર્જુને ધર્મને કારણરૂપ ગણીને 

તે બધું તે પ્રમાણે કર્યું.તે રાત્રે તે નાગભવનમાં રહ્યો ને સવારે ઉલૂપી સાથે તે ફરી ગંગાદ્વારે આવ્યો.

પછી ઉલૂપીએ તેને વરદાન આપ્યું કે-'તમે જળમાં અજેય રહેશો,સર્વ જળચરો તમને નિઃસંશય સાધ્ય થશે'

પછી,તેને મૂકીને તે પોતાને ભવને પાછી ગઈ.(34-37)

અધ્યાય-214-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE