અધ્યાય-૨૧૧-તિલોત્તમાનું નિર્માણ
II नारद उवाच II ततो देवपर्य: सर्वे सिध्धाश्च् परमर्पय: I जग्मुस्तदा परामार्ति द्रष्ट्वा तस्कदनं महत् II १ II
નારદ બોલ્યા-આવો મહાસંહાર થતો જોઈને સર્વે દેવર્ષિઓ,સિદ્ધો,તથા પરમઋષિઓ પરમ દુઃખ પામ્યા.
ને જગત પર કૃપા કરવાની યાચના કરવા તેઓ પિતામહ બ્રહ્મા પાસે ગયા.ને દીન થઈને,તેઓએ,બ્રહ્માને,
સુંદ-ઉપસુંદનુ સર્વ કાર્ય,સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યું.ને સહાય કરવાની પ્રાર્થના કરી.એટલે તેમનાં વચન સાંભળીને,પિતામહે થોડીવાર વિચાર કરીને,નિશ્ચય કર્યો ને તેમણે વિશ્વકર્માને બોલાવ્યા.(1-10)
પિતામહે,વિશ્વકર્માને આદેશ આપ્યો કે-તમે સૌને લોભાવે તેવી એક પ્રમદા (સ્ત્રી)નું નિર્માણ કરો.
એટલે પિતામહને નમન કરીને,પોતાને સ્થાને જઈને,વિશ્વકર્માએ ફરીફરી વિચારીને એક દિવ્ય યુવતી બનાવવા માંડી.ત્રણે લોકમાં જે કોઈ જોવાલાયક પદાર્થો હતા,તે તેમણે યત્નપૂર્વક એકઠા કરીને તે યુવતીનાં અંગો બનાવીને તેના અંગોમાં તેમણે કરોડો રત્નો સજ્યાં.ને દેવકન્યા જેવી સ્વરૂપવાળી સુંદરી નિર્માણ કરી.
વિશ્વકર્માના મહાપ્રયત્નથી બનેલી આ સુંદરી ત્રણે લોકોની નારીઓ કરતાં પણ અધિક સૌંદર્યવાળી હતી.
તેના ગાત્રોમાં એવી રૂપસંપત્તિ ભરી હતી કે જોનારની આંખો તેના પર જ જડાઈ જાય.ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારી તે સુંદરી,સાક્ષાત દેહધારિણી લક્ષ્મી હોય તેમ પ્રાણીમાત્રનાં મન ને નેત્રોને હરી લેતી હતી.
અનેક રત્નોના તલ તલભાર લઈને તેનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી બ્રહ્માએ તેનું નામ તિલોત્તમા પાડ્યું.
તેણે હાથ જોડીને બ્રહ્માને પૂછ્યું કે-મારું નિર્માણ કયા કામ માટે કરવામાં આવ્યું છે? મને આજ્ઞા આપો.
પિતામહ બોલ્યા-'હે તિલોત્તમા,તું સુંદ-ઉપસુંદ નામના બે અસુરો પાસે જા ને તારા રૂપથી તેમને લોભાવ.
અને એવું કર કે,તને જોતાં જ તે બંને વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય,ને તે બંને ઝગડી મરે'
ત્યારે તિલોત્તમાએ 'બહુ સારું' એમ કહેને પિતામહને નમસ્કાર કર્યા ને સર્વ દેવ મંડળની પ્રદિક્ષણા કરવા લાગી.
તે વખતે,બ્રહ્માજી પૂર્વ તરફ,મહેશ્વર દક્ષિણ તરફ,દેવો ઉત્તર તરફ ને ઋષિઓ સર્વ તરફ મુખ કરીને બેઠા હતા.
જયારે તે તિલોત્તમા,દેવમંડળની પ્રદિક્ષણા કરતી હતી,ત્યારે ઇન્દ્ર અને શંકર (મહેશ્વર) ધીરજ ધરીને પોતાને સ્થાને બેસી રહ્યા.પણ જેવી,તિલોત્તમા ડાબી બાજુએ ગઈ,ત્યાં તેને નિરખવાની અત્યંત ઉત્કટતાવાળા,શંકરનું
વિકસિત પદ્મોનાં જેવા લોચનવાળું એક નવું મુખ ઉત્પન્ન થયું.એ જ રીતે તે જે દિશામાં ગઈ ત્યાં નવું મુખ થયું ને ભગવાન શંકર (મહાદેવ) આમ ચાર મુખવાળા થયા.આ જ રીતે ઇંદ્રનાં સર્વ તરફ હજાર નેત્રો ખીલી ઉઠ્યાં.
ને ઇન્દ્ર સહસ્ત્ર નેત્રવાળો બન્યો.દેવગણો અને ઋષિઓના મુખો પણ ચારે તરફ વળ્યાં.માત્ર બ્રહ્મા સ્થિર રહ્યા.
છેવટે,તિલોત્તમા ત્યાંથી જયારે જવા માટે નીકળી,ત્યારે દેવોએ ને પરમઋષિઓએ માની લીધું કે,
હવે આ રૂપસંપત્તિથી સર્વેનું કાર્ય જરૂર સિદ્ધ થશે.
અને,તે તિલોત્તમાના ગયા પછી,લોકહિતકારી બ્રહ્માએ,દેવો તથા ઋષિઓના સમૂહને વિદાઈ આપી.(11-32)
અધ્યાય-211-સમાપ્ત