May 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-186

 
રાજ્યલંભ પર્વ 

અધ્યાય-૨૦૭-ઈંદ્રપ્રસ્થનું નિર્માણ 

II द्रुपद उवाच II एवमेतन्ममहाप्राज्ञ यथास्थ विदुराद्य माम् I ममापि परमो हर्षः संबन्धेSस्मिन् कृते प्रभो II १ II

દ્રુપદ બોલ્યો-હે મહામતિ વિદુર,તમે આજે જે મને કહો છો તે તેમ જ છે.આ સંબંધ થવાથી મને પણ પરમહર્ષ 

થયો છે.આ મહાત્માઓને પોતાના નગર હસ્તિનાપુર જવું એ ઘણું યોગ્ય છે.પણ હું મારા મુખથી 

એ કહું તે ઉચિત નથી.કેમ કે ધર્મજ્ઞ બલરામ અને શ્રીકૃષ્ણની પણ સલાહ ને આજ્ઞા લેવી યોગ્ય છે,

કેમ કે તેઓ પાંડવોના હિતમાં તત્પર છે,તેઓ પણ અનુમતિ આપે તો તેઓ ભલે જાય.(1-4)

યુધિષ્ઠિર બોલ્યા-હે રાજન,અમે સૌ ભાઈઓ અને સેવકો તમારે આધીન છીએ,તમે જેમ કહેશો તેમ કરીશું.

ત્યારે વાસુદેવે કહ્યું કે-મને તો પાંડવોનું અહીંથી જવું યોગ્ય લાગે છે,પછ,દ્રુપદને ઠીક લાગે તે ખરું.

દ્રુપદ બોલ્યો-પુરુષોત્તમ શ્રીકૃષ્ણે સમયોચિત જે વિચારીને કહ્યું છે તેવું મારું પણ માનવું છે.

જેમ,મહાભાગ્યશાળી કુંતીપુત્રો આજે મારા છે,તેમ,એ વાસુદેવના પણ છે,એમાં સંશય નથી.

જેટલી ચિંતા શ્રીકૃષ્ણ,પાંડવોની કરે છે ને તેમની કાળજી રાખે છે,તેટલી તો તેઓ પોતે કરતા નથી.


વૈશંપાયન બોલ્યા-પછી,મહાત્મા દ્રુપદે આજ્ઞા આપી એટલે પાંડવો,કૃષ્ણ,વિદુર,કુંતી અને દ્રૌપદીને લઈને 

સુખપૂર્વક વિહાર કરતા કરતા હસ્તિનાપુર જવા નીકળ્યા.'પાંડવો આવે છે' તે જાણીને,ધૃતરાષ્ટ્રે,તેમને સત્કારવા માટે,કૌરવો,વિકર્ણ,ચિત્રસેન,દ્રોણ અને ગૌતમકૃપને સામે મોકલ્યા.પછી,પાંડવોએ તે સૌથી વીંટળાઈને 

હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો.ત્યારે તે પાંડવોને જોઈને નગરજનોનાં સુખદુઃખ નાશ પામ્યાં.તે નગરજનોએ,

પાંડવોને નાનીમોટી અનેક હૃદયંગમ વાતો ઉચ્ચારી અને તે પાંડવોએ તે સાંભળી.(5-16)


પછી,પાંડવોએ,ધૃતરાષ્ટ્ર,ભીષ્મ અને ગુરુજનોના ચરણમાં અભિવંદન કર્યું.સર્વેની સાથે,કુશળ સમાચાર પૂછી,ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી રાજભવનમાં આરામ કરવા ગયા.થોડા સમય બાદ,ભીષ્મે,તેમને પોતાની પાસે તેડાવ્યા.

ધૃતરાષ્ટ્ર પણ ત્યાં હાજર હતા,તેમણે યુધિષ્ઠિરને કહ્યું કે-'હે કૌંતેય,હું તને જે કહું છું,તે તું ભાઈઓ સાથે સાંભળ.

ફરીથી આપણી વચ્ચે વિગ્રહ થાય નહિ તે માટે તું ખાંડવપ્રસ્થમાં જઈ નિવાસ કર.અર્જુનથી રક્ષણ પામતા તમે ત્યાં 

વસશો,ત્યારે તમને કોઈ પણ બાધ કરી શકશે નહિ.તમારા ભાગનું અર્ધું રાજ્ય મેળવીને તમે ખાંડવપ્રસ્થ રહો.


વૈશંપાયન બોલ્યા-સર્વે પાંડવોએ,ધૃતરાષ્ટ્રનુ તે વચન સ્વીકાર્યું,ને તેમને પ્રણામ કર્યા.અને 

આમ અર્ધું રાજ્ય મેળવીને તેઓ ઘોર વનમાં જવા નીકળ્યા ને ખાંડવપ્રસ્થમાં પહોંચ્યા.

ને પછી,શ્રીકૃષ્ણને સાથે રાખીને,તે અચ્યુત પાંડવોએ ત્યાં સ્વર્ગના જેવું સુશોભિત નગર બનાવ્યું.(17-28)


તે નગર,સાગરના જેવી વિશાળ ખાઈઓથી સુશોભિત હતું.તેની ફરતે વિશાળ કિલ્લો હતો.મહાલયોથી તે શોભતું હતું.શત્રુઓથી ભેદાય નહિ,એવાં અસ્ત્રોથી સજેલાં ગોપુરોથી તે સુરક્ષિત હતું.ને તે યોદ્ધાઓથી રક્ષાયેલું હતું.

તે શ્રેષ્ઠ નગર લોખંડના મહાચક્રોથી ઝળહળતું હતું,ને તેમાં સુંદર રાજમાર્ગો બનાવેલા હતા.દેવતાઓની બાધાથી 

તે રહિત હતું.શ્રેષ્ઠ અને શ્વેત વિવિધ ભવનોથી તે નગર ઝળહળ થઇ રહ્યું હતું.ને દેવોની અમરાપુરી જેવું શોભતું હતું.ને તેમાં કુબેરના નિવાસસ્થાન સમાન,પાંડવોનું નિવાસસ્થાન ઝગઝગી રહ્યું હતું.(29-37)


તે નગરમાં વેદને જાણનારા શ્રેષ્ઠ દ્વિજો,સર્વ ભાષાઓના વિદ્વાનોએ અને વણિકોએ આવીને વાસ કર્યો.

ત્યાં સર્વ જાતના શિલ્પવેત્તાઓ વસાવાને આવ્યા.એ નગરની આસપાસ રમ્ય ઉદ્યાનો હતા.જેમાં જાતજાતના અનેક પ્રકારના વૃક્ષો,ફળવાળા વૃક્ષો,અને ફૂલોનું રોપવામાં આવેલાં હતાં.કે જેમાં અનેક પ્રકારના પક્ષીઓના સમૂહો હતા ને ત્યાં મયૂરો,કોયલો ને બીજા પક્ષીઓના કર્ણપ્રિય ગુંજારવ થતા હતા.


વળી,તેમાં વિહારગૃહો,ને વિવિધ લતામંડપો હતા.મનોહર ચિત્રગૃહો હતા,ને નિર્મલ જળની વાવો હતી.

વિશાલ અને રમણીય અનેક તળાવો,તે વનની ચારે બાજુ શોભતાં હતાં.એવા સુંદર નગરમાં વસતા 

તે પાંડવોનો નિતનિત આનંદ બાંધવા લાગ્યો.ને તે પાંડવોથી તે નગર પણ શોભી રહ્યું.પછી,

આ નગરને વસાવીને કેશવ અને બલરામ,પાંડવોની અનુમતિ લઈને દ્વારકા ગયા (38-52)

અધ્યાય-207-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE