અધ્યાય-૨૦૫-વિદુરનો ઉપદેશ
II विदुर उवाच II राजन्निःसंशयं श्रेयो वाच्यस्त्वमासि बान्धवैः I नत्वशुश्रुषमाणे वै वाक्यं संप्रतितिष्ठति II १ II
વિદુર બોલ્યા-હે મહારાજ,નિઃસંશય,બાંધવોએ (મારે) તમને હિતકારી વચન કહેવાં જોઈએ.પણ જો તે તમે નહિ સાંભળો,તો તે જોઈ ઉપયોગમાં આવે નહિ.ભીષ્મે અને દ્રોણે,હિતકારી વચનો કહ્યાં છે,પણ કર્ણ તેને હિતકારી હોવાનું માનતો નથી.હે રાજન,વિચાર કરવા છતાં,મને એ સમજાતું નથી કે-આ બે પુરુષસિંહો કરતાં,તમારે બીજો તો કયો શ્રેષ્ઠ મિત્ર છે ? અથવા તો તેમનાથી બુદ્ધિમાં બીજો કોણ અધિક હોઈ શકે છે? હે રાજા,આ બંને,વયમાં,બુદ્ધિમાં ને વિદ્યામાં વૃદ્ધ છે ને તમારા ને પાંડવોમાં તેમનો સમભાવ છે.(1-5)
વળી,ધર્મમાં અને સત્યતામાં એ બંને દશરથપુત્ર રામથી પણ નિઃસંશય ઉતરતા નથી.તેમણે પહેલાં પણ તમારું
કશુંયે પણ અહિતકારી કહ્યું નથી અને તમારું કંઈ અહિત પણ કર્યું નથી.તો તે તમને કલ્યાણની જ સલાહ કેમ ન આપે? આ લોકમાં પ્રજ્ઞાવાન એવા તે તમારા આ પ્રસંગમાં જરા પણ કુટિલ બોલે નહિ.એ મારો નિશ્ચિત મત છે.
વળી,આ ધર્મજ્ઞો,ધનના લોભને લીધે પણ પક્ષપાતભર્યું કહેશે નહિ જ.તેથી મને તેમનો મત જ હિતકારી લાગે છે.
હે રાજન,કૌરવો જેવા તમારા પુત્રો છે તેમ પાંડવો પણ છે,આ ન જાણનારા મંત્રીઓ (કર્ણ) જો પાંડવો સંબંધમાં કંઈ પણ અહિતકારી સલાહ આપશે,તો તેઓ તમારું કલ્યાણ જોતા નથી,કેમ કે તમને તમારા પુત્રો પ્રત્યે જે વિશેષ ભાવ છે,પણ અંતરમાં રહેલા તે ભાવને જે બહાર દેખાડવાની સલાહ આપે,તેઓ તમારું અવશ્ય ભલું કરતા નથી.
આથી,હે નરપતિ,આ બે તેજસ્વી મહાત્માઓએ કશું પણ અયોગ્ય કહ્યું નથી,પણ તમારો એ નિશ્ચય નથી.
વળી,ભીષ્મ અને દ્રોણે,પાંડવોને જીતવા બાબતની જે અશક્યતા કહી છે તે સાચી જ છે.યુદ્ધમાં અર્જુનને જીતવો,તે શું ઈન્દ્રથી પણ બની શકે તેમ છે? દશ હજાર હાથીઓનું બળ ધરાવનારો ભીમ,શું યુદ્ધમાં દેવોથી પણ જીતી શકાય તેમ છે? ને યુદ્ધમાં જીવતો રહેવા ઇચ્છનાર કયો મનુષ્ય નકુલ-સહદેવને જીતી શકે તેમ છે?
ધૃતિ,દયા,ક્ષમા,સત્ય ને પરાક્રમ જેનામાં રહ્યાં છે તે યુધિષ્ઠરને કેમ કરીને જીતી શકાય?
જેમનો પક્ષ ધરનાર બલરામ છે,જેમના મંત્રી શ્રીકૃષ્ણ છે,જેમની કુમકમાં સાત્યકિ છે,જેમનો સસરો દ્રુપદ છે
અને ધૃષ્ટદ્યુમ્ન ઇત્યાદિ જેમના સાળા છે,તે પાંડવોને માટે યુદ્ધમાં,તેઓ ન જીતી શકે એવું શું છે?
આમ,તેઓ જીતવા અશક્ય છે,તેમ જ પિતાના રાજ્ય પર તેમનો ધર્માનુસાર પ્રથમ અધિકાર છે,
એટલે આ સર્વ જાણીને તેમના માટે તમે જે યોગ્ય હોય તે રીતે વર્તો.(6-22)
હે રાજન,પુરોચને તમને જે અપયશરૂપી મોટી કાળી ટીલી ચોંટાડી છે,તે આજે તમે પાંડવો તરફ અનુગ્રહ કરીને ધોઈ નાખો.તેમના પર કરેલો આ અનુગ્રહ,આપણા સમગ્ર વંશને જીવન દેનાર અને કલ્યાણકારી થશે.
દ્રુપદ પણ મહારાજા છે,ને પૂર્વે તેણે આપણી સાથે વેર બાંધ્યું છે,તેને આમ મેળવી લેવાથી આપણા પક્ષની વૃદ્ધિ થશે.વળી,દશાર્હ દેશના યાદવો,જ્યાં બલરામ ને કૃષ્ણ છે ત્યાં જ જાય છે.એટલે આમ જે કાર્ય,સામથી સાધી
શકાય છે તો કયો હતભાગી પુરુષ તેને વિગ્રહથી સાધવા ઈચ્છે?
આપણા નગરના લોકો 'પૃથાપુત્રો જીવે છે' તે સાંભળી તેઓનાં દર્શન માટે ઉત્સુક થયા છે,તો તેમનું પ્રિય કરો.
દુર્યોધન,કર્ણ અને શકુનિ એ બધા અધાર્મિક અને દુર્બુદ્ધિવાળા ને નાદાન છે,તેમનાં વચનો કાને ધરશો નહિ.
તમને મેં અગાઉ પણ કહ્યું છે કે દુર્યોધનના અપરાધથી આ આખી પ્રજા નાશ પામશે (23-30)
અધ્યાય-250-સમાપ્ત