અધ્યાય-૨૦૧-પાંડવોના વિનાશ માટે દુર્યોધનના વિચાર
II धृतराष्ट्र उवाच II अहमप्येवमेवैत्च्चिकीर्पामि यथा युवाम् I विवेक्तुं नाहमिच्छामि त्वाकारं विदुरंप्रति II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-તમારી જેમ હું પણ એવી જ ઈચ્છા રાખું છું,પણ,વિદુરની આગળ એ ભાવ બતાવી દેવા ઈચ્છતો નથી.મારી ચેષ્ટાઓ પરથી વિદુર મારો મનોભાવ જાણી જાય નહિ,એટલે માટે,હું પાંડવોના ગુણ ગાઉ છું,પણ,
હે દુર્યોધન,આ સમયે તને જે સારું લાગતું હોય,તે વિશેનો તારો વિચાર મને કહે.(1-3)
દુર્યોધન બોલ્યો-હવે આપણે,આપણા વિશ્વાસુ,ખાનગી અને ચતુર બ્રાહ્મણો દ્વારા,માદ્રી ને કુંતીના પુત્રોમાં ભેદ પડાવીએ,વળી,દ્રુપદ,તેના પુત્રોને ને તેના પ્રધાનોને પુષ્કળ ધન આપીને સર્વ રીતે લલચાવીએ,કે તેથી તે,
યુધિષ્ઠિરનો ત્યાગ કરે.ને અથવા,જુદાજુદા માણસો પાંડવોને કહે કે-'તેમનું હસ્તિનાપુર રહેવું દોષભર્યું છે'
તો એ પાંડવો ત્યાં જ રહેવાનું પસંદ કરે.તો તેમના એકબીજાના પ્રેમમાં ફાટ પડે.અથવા,
ઉપાયોમાં નિપુણ એવા કેટલાક કુશળ માણસો,પાંડવોમાં એકબીજામાં ફૂટ પડાવે,અથવા તો કૃષ્ણાને ઉશ્કેરી મૂકે,કેમ કે અનેક પતિઓ હોવાથી તેમ કરવું સહેલું છે અથવા તો દ્રૌપદીના સંબંધમાં પાંડવોમાં દ્વેષ કરાવે તો તેઓ દ્રૌપદીને છોડી દે.અથવા તો ગુપ્ત માણસો દ્વારા ભીમસેનનું મૃત્યુ થાય,કેમ કે તે જ વિશેષ બળવાન છે.(4-10)
એ ભીમસેનના આધારથી જ યુધિષ્ઠિર અમને માનતો નથી,તેનું જો કાસળ નીકળી જાય તો તેમનું ઓજસ હરાઈ જશે.તેઓનો ઉત્સાહ મરી જશે અને પછી તેઓ રાજ્યને માટે યત્ન કરશે નહિ.સાચે જ ભીમ,તેમનો પરમ આશ્રય છે,પીઠ પાછળ તે જયારે રક્ષણ કરે છે ત્યારે જ અર્જુન અજેય હોય છે,નહિ તો તે કર્ણથી ચોથા ભાગનો ય નથી.
અથવા તો,જો તેઓ આપણી આજ્ઞા પ્રમાણે વર્તનારા થઈને અહીં આવશે તો આપણે તેમને નીતિશાસ્ત્ર અનુસાર ઉખેડી નાખવા પ્રયત્ન કરીશું.અથવા તો,રૂપવતી પરમાળાઓ દ્વારા,એક એક કુંતીપુત્રને લોભાવીએ,
તો કૃષ્ણા તેમનાથી વિરક્ત થશે.અથવા તો તેમને અહીં લાવવા કર્ણને મોકલો.કે બીજા કોઈ પણ ઉપાયોથી,તેમને અહીં લાવીએ ને આપણા વિશ્વાસુ માણસો દ્વારા તેમનો નાશ કરાવીએ.
આ ઉપાયોમાંથી જે ઉપાય તમને દોષ વિનાનો લાગે તેનો પ્રયોગ કરો,પણ જો જો સમય વહ્યો જાય નહિ.
દ્રુપદ પર જ્યાં સુધી,તેમને સંપૂર્ણ વિશ્વાસ બેસ્યો ન હોય ત્યાં સુધી જ તેઓ આપણા હાથમાં છે,પછી આપણે કશું કરી શકીશું નહિ.આમ,તેમને વશ કરવાના સંબંધમાં મારી આવી સમજ છે,પછી તે ભલે સારી હોય કે નઠારી હોય,
હે કર્ણ,હવે તું કહે કે તું આ વિશે શું માને છે? તારો શું વિચાર છે? (11-20)
અધ્યાય-201-સમાપ્ત