May 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-180

 
વિદુરાગમન પર્વ 

અધ્યાય-૨૦૦-વિદુરે ધૃતરાષ્ટ્રને પાંડવોના સમાચાર આપ્યા 

II वैशंपायन उवाच II ततो राज्ञां चरैराप्तैः प्रवृत्तिरूपनीयत I पाण्डवैरूपसंपन्ना द्रौपदी पतिभिः शुभा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રાજાઓના પોતપોતાના વિશ્વાસુ દૂતોએ તેમને ખબર પહોંચાડી કે-

'દ્રૌપદી,પાંડવપતિઓને પરણી છે.જેણે ધનુષ્ય ચડાવીને લક્ષ્ય વીંધ્યું હતું,તે જયશીલોમાં શ્રેષ્ઠ મહાન ધનુષધારી અર્જુન હતો,ને જે બળવાને.મદ્રરાજ શલ્યને ઉછાળીને પટકી પાડ્યો હતો ને ક્રોધાવેશમાં આવીને,એક વૃક્ષથી માણસોને ત્રાસ પોકરાવ્યો હતો,ને જેને ભય જેવું કશું પણ નહોતું,તે શત્રુસેનાને પાડનારો ભીમસેન હતો'

મૃત્યુ પામેલા માનવામાં આવેલા,કુંતીપુત્ર પાંડવોને આમ બ્રાહ્મણરૂપમાં રહેલા જાણીને રાજાઓને ભારે આશ્ચર્ય થયું.ને તેઓ માનવા લાગ્યા કે -'તે પાંડવો ફરી જન્મ પામ્યા છે' ને ત્યારે તેમણે,પુરોચને કરેલા નિષ્ઠુર કર્મ માટે ભીષ્મને અને ધૃતરાષ્ટ્રને ધિક્કાર આપ્યો.ને તે રાજાઓ પોતપોતાના રાજ્યમાં પાછા ચાલી ગયા.(1-8)


પછી,અર્જુનને દ્રૌપદી સાથે પરણેલો જોઈને,દુર્યોધન પણ વીલું મુખ કરીને પોતાના ભાઈઓ તથા,અશ્વસ્થામા,

કર્ણ,શકુનિ ને કૃપાચાર્ય સાથે પાછો ફર્યો.લજ્જા પામતા દુઃશાસને તેને કહ્યું કે-'જો અર્જુન બ્રાહ્મણ રૂપે ન હોત તો દ્રૌપદીને પામી શકત નહિ,એને કોઈ અર્જુન તરીકે ઓળખી શક્યું નહિ.મને લાગે છે કે દૈવ જ મોટું છે,પુરુષાર્થ તો ફોગટ છે,ધિક્કાર છે તે પુરુષાર્થને,કે જેથી પાંડવો હજુ જીવે છે' આવી વાતો કરતા,ને પુરોચનને નિંદતા,તે દીન  બનેલા,ગભરાયેલા,ઝંખવાઈ ગયેલા સર્વેએ શૂન્ય મનવાળા થઈને હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો.(9-15)


પાંડવો,દ્રૌપદીને પરણ્યા છે,ને ભગ્ન-ગર્વ થયેલા ધૃતરાષ્ટ્ર પુત્રો પાછા આવ્યા છે તે જાણીને,વિદુર પ્રસન્ન થઈને,

ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-'સદ્ભાગ્ય છે કે-કુરુઓ વૃદ્ધિ પામે છે' ધૃતરાષ્ટ્ર તો એમ સમજી બેઠો કે તેનો જ્યેષ્ઠ પુત્ર દ્રૌપદી સાથે પરણ્યો છે,તેથી દુર્યોધનને તેણે આજ્ઞા આપી કે-'દ્રુપદિને ખુબ આભૂષણો આપો અને તેને અહીં લઇ આવો' પણ ત્યારે વિદુરે કહ્યું કે-'પાંડવો,દ્રૌપદીને પરણ્યા છે,તેઓ કુશળ છે ને દ્રુપદે તેઓને સત્કાર્યા છે'

ધૃતરાષ્ટ્ર બોલ્યો-તેઓ જેવા પાંડુના પુત્રો છે,તેવા જ મારા પુત્રો છે,ને મારે મન તેઓ કૌરવોથી પણ,અધિક છે,

એમ જ હું માનું છું,ને તેમને વિશે મારી બુદ્ધિ કેમ વિશેષ સ્નેહમયી છે? તે વિષે હું તને કહું છું.તે સાંભળ.

પાંડવો,કુશળ,વીર અને મિત્રોવાળા છે,ને તેમના બીજા અનેક સંબંધીઓ અત્યંત બળવાન છે.

હે વિદુર,સગાંવહાલાં સહિત,ઐશ્વર્યવાન દ્રુપદને મિત્ર તરીકે પામવાનું કોણ ન ઈચ્છે? (16-25)

ત્યારે વિદુરે કહ્યું કે-'હે રાજન,તમારી આવી બુદ્ધિ સેંકડો વર્ષો સુધી આવી જ રહો' આમ કહી તેઓ વિદાય થયા.


તે પછી,દુર્યોધન અને કર્ણ,ધૃતરાષ્ટ્ર પાસે જઈને કહેવા લાગ્યા કે-'વિદુરની સમક્ષ અમે તમારો દોષ કહી શક્યા નહિ,પણ હવે એકાંતમાં કહીએ છીએ કે,તમે આમાં (પાંડવોની વાતમાં) તમારો શો ઉદય સમજ્યા છો?

શત્રુઓની ચડતીને તમે તમારી ચડતી કેમ માનો છો? ને કેમ સામા પક્ષવાળાની પ્રશંસા કરો છો?

હે પિતા,રાજા તરીકે તમારે જે કરવાનું છે,તેને બદલે તમે બીજું જ કરો છો.ખરેખર તો તમારે તે પાંડવોનું બળ તૂટે તેવું જ નિત્ય કરવું જોઈએ,માટે આ સમયે આપણે એવી મંત્રણા કરીએ કે જેથી,પાંડવો,આપણને ગળી ન જાય.

અધ્યાય-200-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE