May 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-179

 
અધ્યાય-૧૯૯-શ્રીકૃષ્ણે કરેલું મોસાળું 

II वैशंपायन उवाच II पाण्डवैः सह संयोगं गतस्य द्रुपदस्य ह् I न वभूव भयं किंचिदेवेभ्योपि कथंचन II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવોની સાથે પોતાનો સંબંધ બંધાયો,એટલે દ્રુપદ પૂરો નિર્ભય થઇ ગયો.તેને હવે દેવોનો પણ કોઈ ભય રહ્યો નહિ.પછી,દ્રુપદની સ્ત્રીઓ કુંતી પાસે ગઈ અને પોતપોતાનાં નામ કહીને શિર નમાવીને,પાયે પડી.

રેશમી પાનેતર પહેરેલી,કૃષ્ણા પણ સાસુને પ્રણામ કરીને વિનયપૂર્વક હાથ જોડીને ઉભી રહી.

રૂપલક્ષણવાળી અને આચારથી સંપન્ન એ પુત્રવધુ દ્રૌપદીને,કુંતીએ પ્રેમપૂર્વક આશીર્વચન કહ્યાં-

'ઈન્દ્રાણી,ઇન્દ્ર સાથે,સ્વાહા,અગ્નિ સાથે,રોહિણી,ચંદ્ર સાથે,દમયંતી,નલની સાથે,ભદ્રા,કુબેરની સાથે,

અરૂંધતી,વસિષ્ઠની સાથે,અને લક્ષ્મી જેમ નારાયણની સાથે રહે છે,તેમ,તું પણ તારા પતિની સાથે પ્રીતિથી રહેજે.

તું દીર્ઘાયુષી વીરપુત્રોની જનેતા થજે,તને અનેક સુખ સાંપડે.તું અખંડ સૌભાગ્યવતી રહે.તું અનેક ભોગો પામ.

તું યજ્ઞમાં પતિઓને સહાય કરનારી થજે ને પતિવ્રતા રહેજે.અતિથિઓ,અભ્યાગતો,સાધુઓ,વૃદ્ધો,બાળકો તેમજ ગુરુઓના યથાયોગ્ય સેવા-સત્કારમાં ટેરો સમય વ્યતીત થાઓ.ધર્મવત્સલા એવી તું પતિઓ સાથે અભિષેક પામે.


મહાબળવાન પતિઓએ પરાક્રમપૂર્વક જીતેલી પૃથ્વીને તું અશ્વમેઘના મહાયજ્ઞમાં,બ્રાહ્મણોને અર્પી દેજે.

હે ગુણિયલ,પૃથ્વીમાં જે જે ગુણવાન રત્નો છે તે તને પ્રાપ્ત થાઓ,તારી શો શરદો સુખભરી જાઓ.આજે,પાનેતર પહેરેલી તને હું જેમ અભિનંદન આપું છું તેમ,તને પુત્ર જન્મશે ત્યારે ફરી અભિનંદન આપીશ (1-12)


પછી,પત્ની પામેલા,તે પાંડવો માટે શ્રીકૃષ્ણે (મોસાળામાં) વિવિધ વૈડુર્ય મણિઓ અને સુવર્ણ અલંકારો મોકલ્યા.

વળી,અનેક દેશોમાં બનેલાં અમૂલ્ય વસ્ત્રો,શાલો,મૃગચર્મો,રત્નો,સુંદર ને સુંવાળાં શયનો,આસનો,વાહનો ને મણિજડિત સેંકડો વાસણો મોકલ્યાં.શ્રીકૃષ્ણે,રૂપ,યૌવન અને દાક્ષિણ્યથી સંપન્ન,હજારો દાસીઓ આપી.

વિશેષમાં,સુલક્ષણા હાથીઓ,સુનદર અશ્વો,રથો,સોનાની કરોડ મુદ્રાઓ,તેમ જ કાચા સોનાના ઢગના ઢગો-

એ સધળું મોકલાવ્યું.ને ગોવિંદને પ્રસન્ન કરવા તે સઘળું,યુધિષ્ઠરે સ્વીકાર્યું (13-19)

અધ્યાય-199-સમાપ્ત 

વૈવાહિક પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE