II द्रुपद उवाच II
अश्रुत्वैवं वचनं ते महर्षे मयापूर्व यतितं संविधातुम I न वै शक्यं विहितस्या पयानं तदेवेदमुपपन्नं विधानं II १ II
દ્રુપદ બોલ્યો-હે મહર્ષિ,આ મહામૂલું વચન સાંભળીને મારો મોહ નાશ પામ્યો છે,તમારું આ વચન સાંભળ્યા પહેલાં મેં લગ્નવિધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો,પણ દૈવીવિધાનને ટાળી શકાય તેવું નથી,એટલે તેને અનુસરવું જ યોગ્ય છે.ભાગ્યની ગાંઠ બદલી શકાતી નથી,સ્વકર્મથી અહીં કંઈ પણ થતું નથી.એક જ વરને માટે,અહીં લક્ષ્યભેદનું નિમિત્ત રખાયું હતું,પણ તે હવે પાંચને માટે નિશ્ચિત થયું છે.કૃષ્ણા પાંચવાર 'મને પતિ આપો' એમ બોલી,
ને ભગવાન શંકરે તેને 'પાંચ પતિ મળશે' એમ કહ્યું,એટલે આનું રહસ્ય ભગવાન શંકર જ જાણે છે,જો
આ ધર્મ કે અધર્મ,જો ભગવાન શંકરે જ વિહિત કર્યો છે તો તેમાં મારો કોઈ અપરાધ નથી.એટલે હવે આ પાંડવો
વિધિપૂર્વક આ કૃષ્ણાનું પાણિગ્રહણ કરે,કેમ કે તે તેમના માટે જ નિર્મિત થયેલી છે.(1-4)
વૈશંપાયન બોલ્યા-ત્યારે,વ્યાસજીએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે યુધિષ્ઠિર,આજે ચંદ્ર,પૌષ્યયોગને પામે છે,
આજે પુણ્યદિન છે,માટે પ્રથમ તું આજે જ કૃષ્ણાનું પાણિગ્રહણ કર'
પછી,દ્રુપદે,સર્વ અતિથિઓ માટે ઉત્તમ વસ્તુઓ લાવવાની પુત્રને આજ્ઞા કરી.અને પોતાની પુત્રી કૃષ્ણાને મંગલસ્નાન કરાવી,લગ્નમંડપમાં તેડાવી.ત્યારે,રાજાના મિત્રો,મંત્રીઓ,દ્વિજો તેમજ નગરજનો,સૌ,
પ્રસન્નચિત્તથી પોતપોતાની પ્રધાનતા પ્રમાણે ત્યાં લગ્ન જોવા માટે ને શોભા વધારવા ભેગા થયા.
તે વખતે રાજભવન ફૂલો ને રત્નોના શણગારથી શોભી રહ્યું હતું,
પછી,અલંકાર ધારણ કરેલા,કુંડળ પહેરેલા,મહામૂકયવાન વસ્ત્રો સજેલા,અભિષેક પામેલા,ચંદનના લેપ લગાવેલા અને સર્વ મંગલ ક્રિયાઓથી પરવારેલા,તે યુવાન કુરુવંશી રાજપુત્રોએ (પાંડવોએ),પરોહિત ધૌમ્ય સાથે,
અતિ ઉમંગથી વિધિપૂર્વક અનુક્રમે પ્રવેશ કર્યો.ત્યાર બાદ,ધૌમ્યે અગ્નિની સ્થાપના કરી તેમાં આહુતિ આપી.
ને યુધિષ્ઠિરને બોલાવીને,તેમનું કૃષ્ણા સાથે ગઠબંધન કરી તેમનો હસ્તમેળાપ કરાવી,ફેરા ફરાવી લગ્ન કર્યા.
ને પછી,બાકીના પાંડવોએ,એ જ ક્રમે શ્રેષ્ઠ સુંદરી દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું.આ સંબંધમાં વ્યાસે અદભુત વાત કહી છે કે-તે દ્રૌપદી,પ્રત્યેક લગ્નસમાયે ફરીફરીને કન્યાવસ્થા પામતી હતી.(5-14)
આમ,લગ્ન થઇ ગયાં,ત્યારે દ્રુપદરાજે,પાંડવોને વિવિધ જાતનું ઉત્તમ ધન પહેરામણીમાં આપ્યું,સુવર્ણની માળાઓ વાળા,તેમ જ સોનાની લગામથી શોભતા ચાર ચાર ઘોડાઓ જોડેલા સો રથો આપ્યા.સોનાની અંબાડીઓ વાળા સો હાથીઓ આપ્યા તેમજ સુંદર વસ્ત્રો ને આભૂષણોથી શોભતી સો યુવાન દાસીઓ આપી.વિશેષમાં,
દિવ્યરૂપધારી પ્રયેક પાંડવને અગ્નિસાક્ષીએ ધન,અમૂલ્ય વસ્ત્રોને પ્રભાવવાળા અલંકારો આપ્યા.
આમ,લગ્ન થયા પછી,તે પાંડવો,રત્નરૂપ દ્રૌપદીને પામીને,પાંચાલરાજના નગરમાં વિહાર કરવા લાગ્યા.(18)
અધ્યાય-198-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE