II व्यास उवाच II पुरा वै नैमिषारण्ये देवाः सत्रमुपासते I तत्र वैवस्वतो राजन् शामित्रमकरोत्तत II १ II
વ્યાસ બોલ્યા-હે રાજન,પૂર્વે દેવોએ નૈમિષારણ્યમાં સત્ર માંડ્યો હતો.તેમાં વિવસ્વાનના પુત્ર યમરાજ પશુ મારવાના કામમાં દીક્ષિત થયા હતા,તેથી તે પ્રજામાંથી કોઈને મારતા નહોતા,કે જેને પરિણામે,મરણકાળ
વીતી જતાં પણ મૃત્યુ ન થવાથી,જગતમાં મનુષ્યો પુષ્કળ વધવા લાગ્યા.ત્યારે ચંદ્ર,ઇન્દ્ર,વરુણ,કુબેર,સાધ્યો,
રુદ્રો,વસુઓ,અશ્વિનીકુમારો વગેરે (અમર એવા) દેવો,મનુષ્યોની અત્યંત વૃદ્ધિથી ભય પામવાથી,
સર્વ લોકના નિર્માતા,પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા.ને કહેવા લાગ્યા કે-
'અમે ભયથી ઉદ્વેગ પામ્યા છીએ ને સુખની ઈચ્છાથી આપને શરણે આવ્યા છીએ' (1-4)
બ્રહ્મા બોલ્યા-તમે સૌ તો અમર છો,તો પછી તમને મર્ત્યોનો (મરણ ધર્મવાળાઓનો) ભય કેવો?
દેવો બોલ્યા-મરણ ધર્મવાળા,હમણાં અમર થઇ ગયા છે,તેથી અમારામાં અને તેમનામાં કોઈ ફરક રહ્યો નથી.
આ સરખાપણાનો અમને ઉદ્વેગ થાય છે,અમારામાં વિશિષ્ટતા રહે તે માટે અમે અહીં આવ્યા છીએ.
બ્રહ્મા બોલ્યા-હાલ સૂર્યના (વિવસ્વાનના) પુત્ર યમરાજ યજ્ઞ નિમિત્તે રોકાયેલા છે,તેથી મનુષ્યો મારાં પામતા નથી.પણ એ સર્વ કાર્ય કરેને યમરાજ એકાગ્ર થશે ત્યારે તેઓ માનવોનો અંતકાળ આવશે.
ને પછી,મનુષ્યોમાં અને તમારામાં જે હાલની સમાનતા છે તે રહેશે નહિ.(5-8)
વ્યાસ બોલ્યા-બ્રહ્માનું એ વચન સાંભળીને,તે દેવો,દેવતાઓનો જ્યાં યજ્ઞ થતો હતો ત્યાં ગયા,તેઓ ત્યાં એકસાથે બેઠા હતા ત્યારે તેમણે ગંગાજીમાં એક સુવર્ણકમલ જોયું,તે જોઈને તે વિસ્મિત થયા.શૂરવીર ઇન્દ્ર,તે કમલ પાસે ગયો,ત્યાં તેને અગ્નિસમાન કાંતિવાળી એક યુવતી જોઈ,કે જે રોતી હતી,અને તેનું જે અશ્રુબિંદુ પાણીમાં પડ્યું હતું ત્યાં સુવર્ણકમલ થયું હતું.આ આશ્ચર્ય જોઈને ઇન્દ્ર તે યુવતીને પૂછવા લાગ્યો કે-
'હે ભદ્રા,તું કોણ છે? તું શા કારણે રૂએ છે?એ હું જાણવા ઈચ્છું છું,તો તું મને સત્ય વચન કહે.(9-12)
તે યુવતી બોલી-'હે ઇન્દ્ર,હું કોણ છું? ને શા માટે રડું છું?તે તમે અહીં નહિ જાણી શકશો,તમે મારી સાથે ચાલો,
હું તમારી આગળ ચાલીશ.તમે ત્યાં પહોંચીને,હું જે કારણથી રોઉં છું,તે જાણી શકશો.
વ્યાસ બોલ્યા-'આમ,તે સ્ત્રી આગળ ને ઇન્દ્ર તેની પાછળ ચાલવા લાગ્યો,થોડે દૂર જતાં,તેણે ગિરિરાજના શિખર
પર એક દર્શનીય તરુણને સિંહાસન પર બેઠેલો જોયો,કે જે એક યુવતી સાથે પાસાથી દાવ રમતો હતો.
તેને રમતમાં લીન થયેલો જોઈને ઇન્દ્ર ક્રોધમાં આવી બોલ્યો-
'આ ત્રિભુવન મારે આધીન છે,હું સર્વનો સ્વામી છું,એ શું તું જાણતો નથી?'
ઇન્દ્રને આમ કુપિત થયેલો જોઈને તે દેવ (કે જે મહાદેવ હતા) હસ્યા ને ધીરે ધીરે તેને જોવા લાગ્યા,ને તેમના
જોવા માત્રથી ઇન્દ્ર સ્તંભિત થઇ ગયો ને થાંભલાની જેમ જડ ઉભો રહ્યો.પછી તે રમત પુરી થતાં,મહાદેવે તે રડતી યુવતીને કહ્યું કે-'પેલાને મારી પાસે લઇ આવ,કે જેથી તેને ફરીથી આવો અહંકારનો આવેશ ન આવે'
પછી,તે યુવતીએ,ઇન્દ્રને સ્પર્શ કરતા જ તેનાં અંગ ઢીલાં થયા,ને તે ધરતી પર ઢળી પડ્યો.
ઉગ્ર તેજવાળા ભગવાન શંકરે તેને કહ્યું કે-'હે શક્ર (શતક્રતુ કે ઇન્દ્ર) હવે ફરીથી આવું કદી પણ કરતો નહિ,
તારૂ બળ અજોડ છે,તો આ ગુફાના દ્વારને ખસેડી,તેના માધ્ય ભાગમાં જા,ત્યાં તારા જેવા બીજા પુરુષો છે.
ઇન્દ્રે તે ગુફા ખોલી તો ત્યાં તેણે બીજા તેના જેવી જ કાંતિવાળા બીજા ચાર પુરુષોને જોયા.
તેમને જોઈને ઇન્દ્ર વિચારવા લાગ્યો કે 'રખેને મારે પણ અહીં પુરાવું પડશે કે શું?'
ત્યારે મહાદેવે કહ્યું કે-'હે શતક્રતુ (ઇન્દ્ર) તું આમ પ્રવેશ કર કેમ કે,તે નાદાનીથી મારુ અપમાન કર્યું છે,
અહંકારીઓ પર હું કદી પ્રસન્ન થતો નથી,પહેલાંના આ ચાર પુરુષો પણ એવાં કર્મ કરીને જ આ ગુફામાં
પડ્યા છે,અને તું પણ ગુફામાં જઈને ત્યાં જ સુઈ રહે.તમે સર્વ માનવયોનિમાં પ્રવેશશો,ને દુઃસાધ્ય કર્મો કરીને,
અને અનેકોને મરણશરણ પહોંચાડીને,ફરીથી તમે ઇંદ્રલોકમાં પાછા આવશો'
પૂર્વના ચાર ઇન્દ્રો બોલ્યા-'અમે દેવલોકમાંથી,જ્યાં અતિ દુર્ગમ મોક્ષ મેળવવો સુગમ છે તેવા મનુષ્યલોકમાં જશું,પણ,અમારી પ્રાર્થના છે કે-ત્યાં,માતામાં,અમને,ધર્મ,વાયુ,ઇન્દ્ર અને બે અશ્વિનીકુમારો-એ
દેવો વડે,તેનામાં અમારું (પાંચ ઇન્દ્રોનું) ગર્ભાધાન થાય,ને મનુષ્યલોકમાં અમે મનુષ્યો સાથે
દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરીને ફરીથી પાછા ઇંદ્રલોકમાં આવશું (13-27)
પૂર્વના ચાર ઇન્દ્રોનાં વચન સાંભળીને વજ્રધારી ઇન્દ્રે મહાદેવને કહ્યું કે-'આ કાર્યના પ્રયોજન માટે,હું આ
ચાર ઇન્દ્રની સાથે,હું સ્વયં મારા વીર્યથી એક પુરુષ ઉપજાવી દઈશ કે જે પાંચમો હશે'
પછી,મહાદેવે,દયાથી તે પાંચ ઇન્દ્રો (વિશ્વભુક,ભૂતધામા,શિબિ,શાંતિ ને તેજસ્વી)ની પ્રાર્થના સ્વીકારી.
ભગવાન ઉગ્રધન્વા (ઉગ્ર ધનુષ્ય ધારણ કરનાર રુદ્ર કે મહાદેવ) એ તે યુવતી (કે જે સ્વર્ગલોકની લક્ષ્મી હતી) ને મનુષ્યલોકમાં તેમની (પાંચે ઇન્દ્રોની) પત્ની તરીકે નિર્માણ કરી.
પછી,મહાદેવ,અનંત વિશ્વરૂપ એવા નારાયણ પાસે ગયા,તેમણે પણ તે સર્વ વાતને સંમતિ આપી.
પછી તે સર્વ ઇન્દ્રોએ (પાંચ પાંડવો તરીકે) પુથ્વી પર જન્મ ધારણ કર્યા હતા
તે જ સમયે,ભગવાન નારાયણે (હરિએ) પોતાના મસ્તક પરથી,પોતાની શક્તિરૂપી,બે કેશ (વાળ)
(એક શુક્લ (સફેદ) અને બીજો કૃષ્ણ (કાળો) બહાર કાઢ્યા.કે જે બંને કેશો,યદુકુળની દેવકી અને રોહિણીમાં પ્રવેશ્યા,તેમે જે શ્વેત (શુક્લ કે સફેદ) કેશ હતો તે બલરામ રૂપે ને બીજો કૃષ્ણ કેશ કેશવ-રૂપે અવતર્યા.
(નોંધ-શ્વેત અને કૃષ્ણ -એ બે કેશોને દ્વારમાત્ર બનાવીને સ્વયંને સંપૂર્ણરૂપથી પ્રગટ કર્યા હતા.એટલે દેવકી ને રોહિણીમાં સાક્ષાત કેશનો પ્રવેશ કહ્યો છે,વસુદેવમાં પ્રવેશ કહ્યો નથી.આમ,ભગવાન નારાયણ,એ શ્રીકૃષ્ણ રૂપે અવતર્યા-અનિલ)
પેલા,પર્વતની ગુફામાં પહેલા પૂરેલા ચાર ઇન્દ્રો,ચાર પાંડવો ને પાંચમો અર્જુન ઇન્દ્રના અંશથી થયો છે.
ને તેમના માટે નિર્માણ થયેલી (પેલી યુવતી) તે જ આ દિવ્યરૂપવાળી દ્રૌપદી છે.હે દ્રુપદ,જેની સુગંધ કોશ
સુધી પ્રસરે છે,તેવી સ્ત્રી,શું માત્ર તારા પૂર્વકર્મથી (દૈવયોગ વિના) જ થોડી પૃથ્વી પર પ્રગટી શકે?
હું તને દિવ્યચક્ષુ આપું છું,તેના વડે તું આ કુંતીપુત્રોને,પૂર્વ દેહો વાળા જો' (28-38)
ત્યારે દ્રુપદે,દિવ્યદ્રષ્ટિની સહાયતાથી,પૂર્વના ઇન્દ્રોને જોયા કે જે સર્વગુણસંપન્ન હતા.પાંડવોને,ઇન્દ્રોના રૂપમાં જોઈને દ્રુપદ વિસ્મય પામ્યા ને પોતાની પુત્રી તેમની પત્ની થવાને યોગ્ય છે,એ જાણી હર્ષ પામ્યા.
ને આ મહાન આશ્ચર્ય જોઈને તે વ્યાસજીના ચરણે પડ્યા ને તેમને કહેવા લાગ્યા કે-
'હે પરમઋષિ,આપનામાં આવી સિદ્ધિ હોય,એમાં કોઈ આશ્ચર્ય નથી'
વ્યાસ બોલ્યા-હે દ્રુપદ (તને હવે આ દ્રૌપદીના પણ પૂર્વજન્મની કથા કહું છું) પૂર્વે તપોવનમાં એક ઋષિને
એક કન્યા હતી,તે કન્યા રૂપવતી હોવા છતાં પતિ પામી નહોતી.એટલે તેણે ઉગ્ર તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા,
શંકરે વરદાન માંગવા કહ્યું ત્યારે તે કન્યાએ વારંવાર એમને કહ્યું કે 'હું સર્વગુણસંપન્ન પતિ ઈચ્છું છું'
ત્યારે બગવાન શંકરે તેને વરદાન આપ્યું કે-'હે ભદ્રા,તને પાંચ પતિઓ થશે' ત્યારે તે કન્યાએ કહ્યું કે-
'હે પ્રભુ,મેં તો આપની પાસેથી એક જ ગુણવાન પતિની પ્રાર્થના કરી છે'
ત્યારે શંકરે કહ્યું કે-'તેં ફરીફરી,પાંચ વાર 'પતિ આપો' એમ કહ્યું એટલે એ પ્રમાણે (પાંચ પતિઓ) જ થશે,
પણ,આ બધું,તું બીજા દેહમાં જશે ત્યારે જ થશે. તારું મંગલ થાઓ'
હે દ્રુપદ,તે જ દેવરૂપિણી કન્યા આ તારી પુત્રી (દ્રૌપદી) છે ને તે પાંચ પતિઓ પામવા જ નિર્માઈ છે.
સ્વર્ગની એ લક્ષ્મી,પાંડવોને માટે જ મહાયજ્ઞમાં ઉત્પન્ન થઇ છે.દેવો જેનીં ઉપાસન કરે છે,તેવી આ દેવીને
પોતાના કર્મો (તપ)વડે,દેવ એવા પાંચ પાંડવોની એક પત્ની થવાને,માટે જ વિધાતાએ સર્જી છે,
માટે આ સર્વ સત્ય સાંભળીને તું તને જે ઇચ્છામાં આવે તે કર.(39-54)
અધ્યાય-197-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE