May 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-176

 
અધ્યાય-૧૯૬-વ્યાસનો અભિપ્રાય 

II वैशंपायन उवाच II ततस्ते पाण्डवाः सर्वे पांचाल्यश्च महायशाः I प्रत्युत्थाय महात्मानं कृष्णं सर्वेSभ्यवादयन्  II १ II

વૈશંપાયન બોલ્યા-સર્વ પાંડવોએ તથા મહાયશસ્વી દ્રુપદરાજે તેમજ બીજા સૌએ ઉભા થઈને મહાત્મા કૃષ્ણ દ્વૈપાયનને વંદન કર્યા.તે આદરસત્કારનો સ્વીકાર કરી,ને તેમના કુશળ પૂછીને,તેઓ સોનાના શુદ્ધ આસન પર બિરાજ્યા.અને તેમણે આજ્ઞા આપી એટલે બાકીના સર્વે પોતપોતાના આસન પર બેઠા.થોડીવાર પછી,દ્રુપદે મધુર વાણીમાં,વ્યાસજીને,દ્રૌપદીના સંબંધમાં પૂછ્યું કે-'એક સ્ત્રી અનેક પુરુષની પત્ની કેમ કરીને થઇ શકે?

આમ કરવામાં સંકરતા ન આવે?હે ભગવન,આ વિષે આપ મને બધું યથાવત કહો (1-5)

વ્યાસ બોલ્યા-લોક અને વેદનો વિરોધી એવો આ ધર્મ અત્યારે લોપ પામ્યો છે,

એટલે આ વિશે,તમારામાંનો જેનો જે મત હોય તેનો મત હું,પ્રથમ સાંભળવા ઈચ્છું છું.

દ્રુપદ બોલ્યા-હે દ્વિજોત્તમ,મારા અભિપ્રાયથી આ અધર્મ છે,લોક અને વેદથી તે વિરુદ્ધ છે.પૂર્વના મહાત્માઓએ આ ધર્મ આચર્યો નથી,ને તેથી વિદ્વાનોએ આ ધર્મ આચરવા યોગ્ય નથી.ને તેથી,આ કામનું હું સાહસ કરતો નથી,

કેમ કે મને તો આ ધર્મ હંમેશાં સંદેહથી ભરેલો જ લાગે છે.(6-9)


ધૃષ્ટદ્યુમ્ન બાપલ્યા-હે બ્રહ્મન,સદાચારી મોટો ભાઈ નાના ભાઈની સ્ત્રી પાસે કેવી રીતે જઈ શકે? ધર્મની ગતિ 

અતિ સૂક્ષ્મ છે તે અમે જાણી શકતા નથી,આ ધર્મ છે કે અધર્મ છે-તેનો અમે નિશ્ચય કરી શકતા નથી.

કૃષ્ણા,પાંચ પતિઓની પટરાણી થાય,એવા નિશ્ચય પર અમે આવી શકીએ તેમ નથી.


યુધિષ્ઠિર બોલ્યા-મારી વાણી અસત્ય હોતી નથી ને તે જ રીતે મારુ મન અધર્મમાં પ્રવૃત્ત થતું નથી.

આ વિશે,મારા મનને લાગે છે કે-આ કોઈ રીતે અધર્મ નથી.પુરાણમાં પણ સંભળાય છે કે-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ એવી ગૌતમ ગોત્રની જટિલા,સાત ઋષિઓને પરણી હતી,તે જ રીતે વૃક્ષમાં ઉછરેલી મુનિકન્યા,વાક્ષીએ તપ કરીને,ઉત્તમ મનવાળા એક જ 'પ્રચેતા' નામવાળા દશ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા.આ ઉપરાંત,કહ્યું છે કે-ગુરુનું વચન ધર્મરૂપ છે અને સર્વ ગુરુઓમાં માતા એક પરમગુરુ છે,ને તે જ માતા (કુંતી) એ આ વચન કહ્યું છે કે-'ભિક્ષાની સામગ્રીનો સર્વ મળીને ઉપભોગ કરો' એથી હે દ્વિજોત્તમ,હું આને પરમધર્મ માનું છું (6-17)


કુંતી બોલી-યુધિષ્ઠિરે આ ઠીક કહ્યું છે,મને ભય છે કે,રાખે મારુ વચન જુઠ્ઠું પડે,તો અસત્યમાંથી હું કેમ છૂટું?

વ્યાસ બોલ્યા-હે ભદ્રા,તારી વાત સત્ય છે.તેં કહ્યો છે તે ધર્મ સનાતન છે,યુધિષ્ઠિરે કહ્યું તે પણ નિઃસંશય ધર્મરૂપ જ છે,હે પાંચાલનાથ,જે રીતે તે ધર્મવાળા ને સનાતન છે,તે વિશે,સર્વની સમક્ષ નહિ,પણ તમે એકલા જ સાંભળો,

વૈશંપાયન બોલ્યા-પછી,વ્યાસજી ઉઠ્યા ને દ્રુપદનો હાથ પકડીને રાજભવનમાં ગયા.બાકીના સર્વે તે બંનેની રાહ  જોતા ત્યાં જ બેસી રહ્યા.વ્યાસજી,દ્રુપદને,'આ સર્વ કાર્ય કેવી રીતે ધર્મ છે? 'તે સમજાવવા લાગ્યા.(18-23)

અધ્યાય-196-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE