May 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-175

અધ્યાય-૧૯૪-પાંડવોની પરીક્ષા 


II दूत उवाच II 

जन्यार्थमन्नं द्रुपदेन राज्ञा विवाहहेतोरुप संस्कृतं च I तदाप्नुवध्वं कृतसर्वकार्याः कृष्णां च तत्रैव चिरं न कार्यंम  II १ II

દૂત બોલ્યો-દ્રુપદરાજે,વિવાહને નિમિત્તે જાનૈયાઓ માટે ભોજન તૈયાર કારવ્યું છે,તો સર્વ કાર્ય પતાવી તમે ત્યાં ચાલો.અને ત્યાં જ કૃષ્ણાને પરણો,વિલંબ કરશો નહિ.સુવર્ણકમળના ચિત્રવાળા,સુંદર ઘોડાઓ જોડેલા અને રાજાઓને શોભે,એવા આ રથો છે,એમાં બેસી આપ સૌ પંચાલરાજના ભવને પધારો (1-2)

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવોએ તે પુરોહિતને વિદાય આપીને પોતે મોટા રથોમાં ને કુંતી ને કૃષ્ણા બીજા એક રથમાં બેસીને દ્રુપદરાજના ભવને જવા નીકળ્યા.પુરોહિતે અગાઉથી જ પહોંચી જઈને દ્રુપદને,યુધિષ્ઠિરનાં વચનો કહી સંભળાવ્યાં,તે પરથી રાજાએ તેમની પરીક્ષા કરવા માટે અનેક પદાર્થો ત્યાં ઉપહાર માટે ભેગા કર્યા.

હે રાજન,ત્યાં ફળો,માળાઓ,સુંદર બખ્તરો,ઢાલો,આસનો,બળદો,દોરડાં,બીજો.ખેતીનાં સાધનો,શિલ્પો માટેનાં ઓજારો,તેમ જ રમતગમત માટેનાં સર્વ સાધનો રાજાએ ગોઠવાવ્યા.વળી ચમકદાર મોટી તલવારો,ઘોડાઓ ને રથો,મોટાં ધનુષ્યો,વિવિધ બાણો-આદિ યુદ્ધને લગતી તમામ ચીજો,વિવિધ વસ્ત્રો-આદિ પણ ત્યાં સજાવ્યાં.(3-8)


કુંતી તો કૃષ્ણાને લઈને દ્રુપદના અંતઃપુરમાં ગઈ,કે જ્યાં ઉદારચિત્ત સ્ત્રીઓએ તેમને સન્માન આપ્યું.

સિંહના જેવી પરાક્રમશાળી ગતિવાળા,શક્તિશાળી ને સુંદર પાંડવોને જોઈને,દ્રુપદરાજ,પ્રધાનો,રાજપુત્રો,

રાજમિત્રો ને રાજસેવકો-એ સૌ અત્યંત હર્ષ પામ્યા.પછી,ત્યાં લાગેલાં,મહામોંઘાં પરમ આસનો પર તે પાંડવો,

નિઃશંક રીતે ને વિસ્મય પામ્યા વિના યથાક્રમે બેઠા.રસોઇયાઓએ 

સોનારૂપાના પાત્રોમાં ઉત્તમ વાનગીઓનું ભોજન પીરસ્યું.કે જે ભોજન લઈને,પાંડવો તૃપ્ત થયા,

પછી,ઉપહારની સર્વ વિવિધ વસ્તુઓને પાછળ રાખીને તેઓ,યુદ્ધવિષયક સાધનોની જગ્યાએ જ ગયા,

તે જોઈને દ્રુપદરાજ અને તેના મંત્રીઓ હર્ષ પામ્યા ને તેમને રાજપુત્રો માનવા લાગ્યા.(9-15)


અધ્યાય-194-સમાપ્ત 


અધ્યાય-૧૯૫-વ્યાસજીનું આગમન 


II वैशंपायन उवाच II तत आहूय पांचाल्यो राजपुत्रं युधिष्ठिरं I परिगृहेण ब्राह्मेण परिगुह्य महाधुति  II १ II

વૈશંપાયન ઉવાચ-પછી,મહાતેજસ્વી પાંચાલપતિએ રાજપુત્ર યુધિષ્ઠિરને બોલાવીને તેમને બ્રાહ્મણને યોગ્ય આદરસત્કાર આપીને પૂછ્યું કે-'તમે બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય કે શુદ્ર-એમાંથી કઈ જાતિના છો એ અમે કેવી રીતે જાણીએ? અથવા તો તમે કૃષ્ણાને મેળવવા કોઈ દેવો બ્રાહ્મણોનું રૂપ લઈને આવ્યા છો? આ વિશે તમે અમને જે સત્ય હોય તે કહો કેમ કે અમને સંદેહ થયો છે.તમે સ્વેચ્છાથી સત્ય કહો,કે જેથી અમારો સંશય છૂટતાં અમારા મનને અતિ આનંદ થશે,તમારાં વચન સાંભળીને હું વિધિપૂર્વક વિવાહકાર્ય શરુ કરીશ.(1-7)


યુધિષ્ઠર બોલ્યા-હે રાજા,તમે દુઃખ ન કરો,પ્રસન્ન થાઓ કે તમારી ધારેલી ઈચ્છા નિઃસંશય સિદ્ધ થઇ છે,અમે પાંડુના ક્ષત્રિય પુત્રો જ છીએ,તમે મને જ્યેષ્ઠ કુંતીપુત્ર જાણો,આ બે ભીમ ને અર્જુન છે.અર્જુને લક્ષ્ય વીંધીને દ્રૌપદીને મેળવી છે.જ્યાં કૃષ્ણા બેઠાં છે,ત્યાં નજીકમાં નકુલ-સહદેવ ને માતા કુંતી બેઠાં છે.અમે ક્ષત્રિયો છીએ,હવે તમારી માનસિક વેદના દૂર કરો.આ સર્વ હું તમને સત્ય કહું છું,તમે અમારા ગુરુરૂપ અને શરણરૂપ છો (8-12)


વૈશંપાયન બોલ્યા-ત્યારે,દ્રુપદરાજ હર્ષથી વ્યાકુળનેત્ર થઇ ગયા ને આનંદમાં આવીને ઉત્તર આપી શક્યા નહિ.

પણ પછી,યત્નપૂર્વક હર્ષને દબાવીને તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું કે-'તમે વારણાવતથી કેવી રીતે ભાગી છૂટ્યા?'

 ત્યારે,યુધિષ્ઠિરે તેમને યથાક્રમે સર્વ વાત કહી સંભળાવી.કે જે સાંભળી,દ્રુપદ,ધૃતરાષ્ટ્રને ધિક્કાર આપવા લાગ્યા,

ને તેમણે યુધિષ્ઠિરને આશ્વાસન આપી,તેમને રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા કરી.

પછી,પાંડવો,કુંતી અને કૃષ્ણા સાથે રાજભવનમાં ગયા,અને દ્રુપદથી સત્કાર પામી,તેઓ ત્યાં વસવા લાગ્યા.


એક દિવસે,દ્રુપદે,પુત્ર સાથે વિચાર કરીને,યુધિષ્ઠિરને કહ્યું-'આજે પુણ્ય દિવસ છે,તો અર્જુન,કુલ પ્રમાણે કર્મ કરીને વિધિપૂર્વક કૃષ્ણાનું પાણિગ્રહણ કરે.ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે-'તો મારો પણ લગ્નસંબંધ કરવો યોગ્ય છે'

દ્રુપદ બોલ્યા-તો ભલે,તમે મારી પુત્રીનું વિધિસર પાણિગ્રહણ કરો,

કે પછી તમે જેનાં લગ્ન દ્રૌપદી સાથે કરવા ઇચ્છતા હોય,તેને તેનાં લગ્ન,દ્રૌપદી સાથે કરવા કહો'


યુધિષ્ઠિર બોલ્યા-હે રાજન,દ્રૌપદી અમ સૌની પટરાણી થશે.કેમ કે મારી માતાએ પૂર્વે એ પ્રમાણે કહ્યું છે.

હું અને ભીમ,અવિવાહિત જ છીએ,અને અર્જુને તો તમારી આ પુત્રીને વિજયમાં મેળવી છે.

અમારો,એ ઠરાવ છે કે-રત્નનો સહિયારો ઉપયોગ કરવો,આ ઠરાવને અમે છોડવા ઇચ્છતા નથી,

આથી કૃષ્ણા,અમારી સૌની પટરાણી થશે,ને અમે સૌ,અગ્નિ સમક્ષ,ક્રમપૂર્વક તેનું પાણિગ્રહણ કરીશું.(13-26)


દ્રુપદ બોલ્યા-હે કુરુનંદન,એક પુરુષને અનેક પત્નીઓ હોઈ શકે,એવું શાસ્ત્રવિધાન છે,પણ,એક સ્ત્રીને અનેક પતિઓ હોય,એવું ક્યાંય સાંભળ્યું નથી.તમે,ધર્મને જાણનારા છો.તો લોક અને વેદથી વિરુદ્ધ એવું આ 

અધર્મયુક્ત કર્મ કરવું તમારા માટે યોગ્ય નથી,તમારી બુદ્ધિ આવી કેમ થઇ ? 


યુધિષ્ઠિર બોલ્યા-ધર્મનું રૂપ સૂક્ષ્મ છે,અમે પણ એની ગતિ પામી શકતા નથી,આપણે,તો પૂર્વપુરુષો જે માર્ગે ગયા હોય,તે માર્ગે જ ચાલીએ છીએ.જો કે મેં કોઈ અસત્ય વાણી કહી નથી કે અધર્મમાં મારુ મન પરોવાતું નથી,

કેમ કે આ માતાની આજ્ઞા છે અને તે મને યોગ્ય લાગે છે,અને તે જ અચલ ધર્મ છે.માટે વિચારવા 

થોભ્યા વિના તમે પણ તેનું આચરણ કરો,અને તે વિષે,મનમાં જરા પણ શંકા લાવશો નહિ.


દ્રુપદ બોલ્યા-'હે કુંતીપુત્ર,તમે,કુંતી અને ધૃષ્ટદ્યુમ્ન મળીને આ કર્તવ્યનો વિચાર કરો,

આપણે આવતી કાલે યોગ્ય કરીશું.'

વૈશંપાયન બોલ્યા-હે રાજન,તે સૌ ભેગા મળીને મંત્રણા કરી રહ્યાં હતા,

તે વખતે,એકાએક,ત્યાં કૃષ્ણ દ્વૈપાયન મુનિ (વ્યાસજી) આવી પહોંચ્યા.(33)

અધ્યાય-195-સમાપ્ત