II वैशंपायन उवाच II
गत्वा तु तां भार्गव कर्मशालां पार्थो पृथां प्राप्य महानुभावो I तां याज्ञसेनीं परमप्रतीतौ भिक्षत्यथा वेदयतां नराग्र्यौ II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,નરશ્રેષ્ઠ મહાનુભાવ ભીમ અને અર્જુન,એ બે પૃથાનંદનો કુંભારની તે કર્મશાળામાં ગયા અને
તેમણે પરમપ્રસન્નતાપૂર્વક તે યાજ્ઞસેની દ્રૌપદીના સંબંધમાં 'અમે ભિક્ષા લાવ્યા છીએ' એમ કુંતીને જણાવ્યું.
કુટીમાં બેઠેલી કુંતીએ એ બંને પુત્રોને જોયા વિના જ કહ્યું કે-'તમે સૌ ભેગા મળીને તેનો ઉપયોગ કરજો'
પણ,પછી તેમણે કૃષ્ણાને જોઈ,તો કુંતી બોલી ઉઠી કે-'અરે,મેં તો કષ્ટકારક વચન કહી નાખ્યું' અને અધર્મના ભયથી કુંતી શોક કરવા લાગી.તેણે દ્રૌપદીનો હાથ પકડીને,તેને યુધિષ્ઠિર પાસે લઇ ગઈ.
કુંતી બોલી-હે પુત્ર,દ્રુપદની આ કન્યાને તારા બે નાના ભાઈઓએ,ભિક્ષા કહીને ધરી હતી,પણ તે ભિક્ષા દ્રૌપદી છે,
એવું મેં જોયું નહોતું,એટલે 'ભિક્ષાનો બધા મળીને ઉપભોગ કરો' એમ મારાથી કહેવાઈ ગયું છે,એટલે મારુ કહેવું મિથ્યા થાય નહિ ને આ દ્રૌપદી પ્રતિ અધર્મ થાય નહિ,તેને વિષે તમે જ કહો કે હવે શું કરવું ?
ત્યારે થોડો સમય વિચાર કરીને,કુંતીને આશ્વાસન આપીને,યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,દ્રૌપદીને
તેં જ જીતી છે,એટલે તારા વડે જ એ રાજપુત્રી શોભશે.તું અગ્નિ પ્રગટાવ ને વિધિપૂર્વક એનું પાણિગ્રહણ કર.
અર્જુન બોલ્યો-'હે નરેન્દ્ર,તમે મને અધર્મમાં ભાગીદાર કરો નહિ,પ્રથમ તમારું લગ્ન થવું જોઈએ,તે પછી ભીમ ને
ત્યાર બાદ,હું,નકુલ અને સહદેવે લગ્ન કરવું જોઈએ,અમે ચારે નાના ભાઈઓ તમારી આજ્ઞાને અધીન છીએ.
માટે આ સ્થિતિમાં,જે ધર્મયુક્ત અને યશ આપનારું કર્તવ્ય હોય તે તમે વિચારીને આજ્ઞા આપો.(1-10)
અર્જુનનાં ભક્તિ ને સ્નેહથી ભરેલાં વચન સાંભળીને પાંડુનંદનો દ્રૌપદી પ્રતિ જોવા લાગ્યા.તેમના ઇન્દ્રિયસમૂહો વલોવાઈ ગયા ને અને તેમને કામભાવ જાગૃત થયો.કેમ કે વિધાતાએ દ્રૌપદીનું રૂપ એવું કમનીય ઘડ્યું હતું કે,
તે પ્રાણીમાત્રના મનને હરનારું હતું.બધાના ભાવેન જાણનારા યુધિષ્ઠિરે,વ્યાસજીના વચનનું સ્મરણ કર્યું.
અને એકબીજામાં ભેદ ન પડે તે માટે તે બોલ્યા કે-'(માતાના વચન મુજબ) દ્રૌપદી આપણા સૌની ભાર્યા થશે'
મોટાભાઈનું આવું વચન સાંભળીને સર્વ પાંડુપુત્રો,મનથી તે સંબંધમાં વિચાર કરવા લાગ્યા.
એવામાં,શ્રીકૃષ્ણ અને બલરામ,ત્યાં આવ્યા,અને યુધિષ્ઠિરે પાસે જઈને તેમના ચારણ ગ્રહીને તે બોલ્યા કે-
'હું કૃષ્ણ છું અને આ મારા મોટાભાઈ બલરામ છે' બલરામે પણ યુધિષ્ઠિરને વંદન કર્યું.પાંડવોએ પણ તેમને
હર્ષપૂર્વક અભિનંદન આપ્યા.પછી,શ્રીકૃષ્ણ,બલદેવ,પોતાની ફોઈ કુંતીને પગે લાગ્યા.
ત્યારે યુધિષ્ઠિર બોલ્યા કે-'અમે સૌ છુપાઈને રહ્યા છીએ,તેમ છતાં,તમે કેવી રીતે અમને જાણી ગયા?'
શ્રીકૃષ્ણે હસીને ઉત્તર આપ્યો કે-'અગ્નિ ઢાંક્યો હોય તો પણ તે ઓળખાઈ જાય છે,માનવોમાં પાંડુપુત્રો સિવાય બીજો કોણ,આજે કર્યું તેવું પરાક્રમ કરવાને શક્તિમાન છે? તમે સૌ આગમાંથી ઉગરી ગયા તે સારું થયું,
ધૃતરાષ્ટ્રનો પાપી પુત્ર દુર્યોધન,તેના પ્રધાન સાથે નિષ્ફળ મનોરથવાળો જ થયો છે.બુધ્ધિરૂપી ગુફામાં રહેલું,
તમારું મંગલકાર્ય સફળ થાઓ,ને વધતા અગ્નિની જેમ તમે વૃદ્ધિ પામો.હવે કોઇ રાજા તમને ઓળખી ન જાય
તે માટે અમે અમારે ઉતારે જઈશું' એમ કહી શ્રીકૃષ્ણ-બલરામ પોતાને સ્થાને પધારી ગયા.(11-26)
અધ્યાય-191-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE