May 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-170

 
અધ્યાય-૧૮૮-અર્જુને કરેલો લક્ષ્યવેધ 

II वैशंपायन उवाच II यदा निवृत्ता राजानो धनुष्यः राज्यकर्मण: I अथोदतिष्ठद्विमाणां मध्याज्जिन्णुरुदार्धी  II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે,રાજાઓ ધનુષ્ય સજવાના કાર્યમાં પાછા પડ્યા,ત્યારે ઉદરબુદ્ધિ,જયશીલ અર્જુન,બ્રાહ્મણોની મધ્યમાંથી ઉભો થયો.અર્જુનને જતો જોઈ કેટલાક બ્રાહ્મણો આનંદના પોકાર કરવા લાગ્યા,

તો કેટલાક બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે-'જે ધનુષ્ય,શલ્ય-આદિ પ્રમુખ ક્ષત્રિયોથી પણ નમાવી શકાયું નથી,

તેને આ અસ્ત્રવિદ્યામાં અજાણ એવો બટુક કેમ કરીને સજ્જ કરી શકશે? આ કાર્ય માત્ર ચપળતાથી,અહંકારથી,

કે ધૃષ્ટતાથી થઇ શકે તેમ નથી,ને આપણા બ્રાહ્મણોની હાંસી થશે,માટે તેને જતો રોકી રાખો'.(1-7)

ત્યારે બીજા કેટલાક બ્રાહ્મણો બોલ્યા-'આ યુવાન,ગજેન્દ્રની સૂંઢના ઉપમાવાળો છે,તેના ખભા,સાથળ અને હાથ પુષ્ટ છે અને ધૈર્યમાં એ હિમાચલ સમાન છે.એના ઉત્સાહ પરથી એમ લાગે છે કે તે આ કાર્ય કરી શકશે.

બ્રાહ્મણ તેના તેજથી બળવાન હોય છે,તેથી તેને અવગણવો જોઈએ નહિ.પરશુરામે ક્ષત્રિયોને યુદ્ધમાં હરાવ્યા હતા,અગસ્ત્યે અગાધ સમુદ્રનું પણ કર્યું હતું,તો આપણે સૌએ એમ બોલવું જોઈએ કે-તે ધનુષ્યને સજ્જ કરે'


બ્રાહ્મણો આમ વિવિધ વાણી બોલી રહ્યા હતા,ત્યારે અર્જુન ધનુષ્યની પાસે જય અચલ પર્વતની જેમ ઉભો રહ્યો,

ને પછી તેણે ધનુષ્યની પરિક્રમા કરીને,ઈશાનદેવને પ્રમાણ કરી,કૃષ્ણનું મનમાં ધ્યાન કરીને,ધનુષ્ય હાથમાં લીધું,

ને બીજા કોઈ રાજાઓ જે કરી શક્યા નહોતા,તેને અર્જુને એક પળવારમાં સજ્યું,ને તેને પાંચ બાણો ચડાવ્યાં.

પછી,છિદ્ર વાટે તેણે નિશાન વીંધ્યું,ને તરત જ,તે નિશાન વીંધાઇને જમીન પર પડ્યું.


તે વખતે અંતરિક્ષમાં નાદ ગાજી ઉઠ્યો,સભામાં એક મોટો શોર થયો.દેવોએ પુષ્પવૃષ્ટિ કરી.બ્રાહ્મણોએ પોતાના વસ્ત્રો વિજયધ્વજની જેમ લહેરાવ્યા,ને નિષ્ફળ થયેલા રાજાઓએ હાહાકાર મચાવ્યો.વાજિંત્રોના સૂર વાગ્યા ને 

સૂતો અને માગધોના સમૂહોએ સુંદર સ્વરથી બિરદાવલી ઉપાડી.દ્રુપદ રાજા અર્જુનને જોઈને પ્રસન્ન થયો અને 

તેણે સેનાદળો સાથે તેને સહાય આપવાનું વિચાર્યું.


લક્ષ્યને વીંધાયેલું જોઈને અને અર્જુનને ઇન્દ્રના જેવો નીરખીને,કૃષ્ણા,ફૂલમાળા લઈને સ્મિતપૂર્વક અર્જુન પાસે ગઈ.

આમ,દ્વિજોથી સત્કાર પામતા,એ અચિંત્ય કર્મવાળા,અર્જુને રંગભૂમિમાં વિજયા મેળવીને દ્રૌપદીને મેળવી.

પછી,તે રંગભૂમિમાંથી બહાર નીકળ્યો,ત્યારે દ્રૌપદી પણ તેની પાછળ બહાર આવી.(8-28)

અધ્યાય-188-સમાપ્ત 


અધ્યાય-૧૮૯-રાજાઓનો દ્રુપદ ઉપર કોપ 


II वैशंपायन उवाच II तस्मै दित्सति कन्यां तु ब्राह्मणाय तदा नृपे I कोपआसीन्महिपानामालोक्यान्योन्यमंतिकात II १ II

વૈશંપાયન બોલ્યા-રાજા દ્રુપદે,જયારે એક બ્રાહ્મણને કન્યા આપવાની ઈચ્છા કરી ત્યારે,રાજાઓ એકબીજા સામે જોઈને ક્રોધ કરીને બોલ્યા કે-'આ દ્રુપદ અહીં એકઠા મળેલા આપણ સર્વને તરુણ સમાન ગણી,આપણો અનાદર કરી એક બ્રાહ્મણને પોતાની કન્યા એક બ્રાહ્મણને આપવા ઈચ્છે છે,તો આપણે એ દુષ્ટાત્માને પૂરો કરી નાખીએ.

ગુણોથી કે ઉંમરની યોગ્યતાથી પણ,તેને માટે સન્માન ઘટતું નથી.માટે એ દ્વેષીને આપણે,એના પુત્ર સાથે જ 

મારી નાખીએ,એણે આપણ સર્વેને બોલાવીને સત્કાર્યા,પણ હવે તે આપણું માન જ રાખતો નથી.(1-5)


દેવોના જેવો આ રાજસમાજ અહીં ભરાયો છે,તો શું તેને કોઈ પણ રાજા યોગ્ય ન લાગ્યો? એ પ્રસિદ્ધ શ્રુતિ છે કે-સ્વયંવર તો ક્ષત્રિયો માટે જ છે,બ્રાહ્મણોને માટે નહિ,જો આ કન્યા કોઈ,રાજાને વરવા ન ઈચ્છે તો આપણે તેને અગ્નિમાં નાખીને આપણા રાજ્ય ભેગા થઇ જઈએ.જો કે ચપળતાથી કે લોભથી,આ બ્રાહ્નણે,રાજાઓનું અપ્રિય કરી નાખ્યું છે,તો પણ તેનો કોઈ રીતે વધ થાય નહિ,કેમ કે આપણું જીવન બ્રાહ્મણને અર્થે જ છે.

માનના ભયને લીધે,તેમ જ સ્વધર્મના રક્ષણને કારણે,અન્ય સ્વયંવરોમાં આવી સ્થિતિ ફરી થાય નહિ,

તે માટે આપણે પરાક્રમ કરવું જ જોઈએ.(6-11)


આમ કહીને,આયુધો લઈને રાજાઓ,દ્રુપદને મારવા દોડ્યા.ક્રોધપૂર્વક ઉછળતા તે અનેક રાજાઓને જોઈને દ્રુપદ

બ્રાહ્મણોને શરણે  ગયો.એટલે ભીમ અને અર્જુન તેમની સામે ગયા.એટલે રાજાઓ તેમની પર તૂટી પડ્યા.

ત્યારે,અણમોલ શક્તિવાળા,ભીમે,બે હાથથી એક ઝાડ ઉખેડીને,તે ઝાડ-રૂપી દંડ લઈને,સામો થયો,

તો અર્જુને પણ પોતાના ભાઈનું આ કર્મ જોઈને,ભય ત્યજીને ધનુષ્ય ધારણ કરીને સામો થયો.


અર્જુનનું આ કાર્ય જોઈને શ્રીકૃષ્ણે,ભાઈ બલરામને કહ્યું કે-'હે ભાઈ,આ જે પાંચ હાથ જેટલું ધનુષ્ય ખેંચે છે,

તે અર્જુન છે ને ઝાડ હાથમાં લઈને રાજાઓને જે પછાડે છે તે ભીમ છે.હું આ સત્ય કહું છું,કેમ કે,

આ પૃથ્વીલોકમાં યુદ્ધમાં આવું કામ કરવાને,બીજો કોઈ સમર્થ નથી.મેં સાંભળ્યું છે કે-પૃથા ને પાંડુપુત્રો

લાક્ષાગૃહની આગમાંથી બચી ગયા છે,ને તેમને જોઈને હું પ્રસન્ન થયો છું.(12-24)

અધ્યાય-189-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE