May 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-169

 
અધ્યાય-૧૮૬-દ્રૌપદીને રાજાઓની ઓળખ 

II धृष्टध्युम्न उवाच II दुर्योधनो दुर्विपहो दुर्मुखो दुष्पघर्षणः I विविशतिर्विकर्णश्च सहो दुःशासनस्तथा  II १ II

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-હે દ્રૌપદી,દુર્યોધન,દુર્વિષહ,દુર્મુખ,દુષ્પ્રઘર્ષણ,વિવિંશતિ,વિકર્ણ,દુઃશાસન,યુયુત્સુ,વાયુવેગ,ભીમવેગ,

રવ,ઉગ્રાયુઘ,બલાકી,કરકાયુ,વિરોચન,કુંડક,ચિત્રસેન,સુવર્ચા,કનકધ્વજ,નંદક,બાહુશાલી,તૂહુન્ડ,વિકટ અને બીજા અનેક ધૃતરાષ્ટ્ર પુત્રો સાથે કર્ણ અહીં આવ્યા છે.વળી,બીજા અનેક ક્ષત્રીઓમાં શ્રેષ્ઠ રાજાઓ પણ અહીં આવ્યા છે.

સુબલપુત્ર શકુનિ,તેના ભાઈઓ સાથે આવ્યો છે,અશ્વસ્થામા ને ભોજ,સુવિભૂષિત થઇ તારે માટે આવ્યા છે.

બૃહન્ત,મણિમાન,દંડધર,સહદેવ,જયત્સેન,મેઘસંઘી,શંખ-ને ઉત્તર એ બે પુત્રો સાથે વિરાટ રાજા,વાર્ધક્ષેમી,

સુશર્મા,સેનાબિંદુ,સુનામા-ને સુવર્ચા-એ બે પુત્રો સાથે સુકેતુ,સુચિત્ર,સુકુમાર,વૃક,પૌણ્ડ્રક વાસુદેવ,ભગદત્ત,

ચંદ્રસેન,શલ્ય,ભૂરિશ્રવા,બલદેવ,વાસુદેવ(કૃષ્ણ),પ્રદ્યુમ્ન,સાંબ,સાત્યકિ,ઉદ્ધવ,અક્રૂર,કૃતવર્મા,અનિરુદ્ધ,

ભગીરથ,જયદ્રથ,બૃહદ્રથ,બાહલીક,શ્રુતાયુ,ઉલુક,ચિત્રાંગદ,શિશુપાલ,જરાસંઘ -એવા અનેક રાજાઓ 

તારા અર્થે અહીં આવ્યા છે.આ સર્વમાં જે કોઈ આ લક્ષ્યને ભેદે તેને તું આજે જ વરજે (1-24) 

અધ્યાય-186-સમાપ્ત 


અધ્યાય-૧૮૭-નિશાન પાડવામાં રાજાઓની નિષ્ફળતા 


II वैशंपायन उवाच II 

तेSलंकृताः कुण्डलिनो युवानः परस्परं स्पर्धमाना नरेन्द्राः I अस्रं बलं चात्मनि मन्यमानाः सर्वे समुत्येतुरुदायुधास्ते II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે,અલંકાર અને કુંડળ ધારણ કરેલા,પરસ્પર સ્પર્ધા કરતા,અને 'અસ્ત્ર તથા બળ પોતાનામાં જ છે' એવું અભિમાન રાખનારા તે સર્વ યુવાન નરેન્દ્રો,આયુધો ઉઠાવી ઉભા થયા.રૂપ,વીર્ય,કુળ,શીલ,ધન અને યૌવન વડે તે રાજાઓ,જાણે,હિમાચલના મડગળતા ગજરાજ હોય તેમ દર્પ (અહં) માં ફાટફાટ થતા હતા.(1-2)


એકબીજાને સ્પર્ધાથી જોઈ રહેલા,ને કામવશતાથી સર્વાંગે રેબઝેબ થઇ ગયેલા ને 'આ કૃષ્ણા મારી જ છે'એમ બોલ્યા કરતા,તે નરેન્દ્રો,જય મેળવવાની ઈચ્છાથી રંગભૂમિમાં એકઠા થયા,ને દેવગણોની જેમ શોભી રહ્યા હતા.

કૃષ્ણામાં ચિત્ત લાગેલું હોવાથી તે નરેન્દ્રો,કામદેવના બાણથી અંગેઅંગમાં પીડાઈ રહ્યા હતા,ને દ્રૌપદીને માટે 

રંગભૂમિમાં ઉતરેલા તેઓ,ત્યાં પોતાના મિત્રોનો પણ દ્વેષ કરવા લાગ્યા હતા.(3-5)


તે વખતે,રુદ્રો,આદિત્યો,વસુઓ,અશ્વિનીકુમારો,સાધ્યો તથા મરુતો,એ સર્વ દેવગણો,યમકુબેરને આગળ રાખી,

વિમાનમાં બેસી ત્યાં આવ્યા.દૈત્યો,સુપર્ણો,મહાસર્પો,દેવર્ષિઓ,ગુહ્યકો,ચારણો,વિશ્વાવસુ,નારદ,અપ્સરાઓ ને ગંધર્વો પણ ત્યાં આવ્યા હતા.બળરામ,જનાર્દન શ્રીકૃષ્ણ,તેમ જ વૃષ્ણીકુળના પ્રધાન પુરુષો ત્યાં હતા,

શ્રીકૃષ્ણના મતને અનુસરી રહેલા તે મહાત્મા યદુવરો ચારે બાજુ જોઈ રહ્યા હતા.(6-8)


ત્યાં,બ્રાહ્મણોના વેશમાં પાંચ પાંડવોને જોઈ,શ્રીકૃષ્ણ મનમાં વિચાર કરવા લાગ્યા,તેમણે બલરામને તે 

પાંડવોને દેખાડ્યા,બલરામ તેમને જોઈ રહ્યા ને પ્રસન્ન મનથી શ્રીકૃષ્ણ સામે જોવા લાગ્યા.

બીજા રાજાઓ તો કૃષ્ણાને જ તાકીને જોઈ રહયા હતા,એટલે તેમણે પાંડવોને જોયા નહિ.

દ્રૌપદીના રૂપને જોઈને પાંડવો પણ તે સમયે કામદેવના બાણથી ઘાયલ થઇ ગયા હતા.(9-12)


ત્યારે અંતરિક્ષમાં ટોળે વળેલ,સર્વ દેવો-આદિએ પુષ્પવર્ષા કરી,ને દુંદુભિઓન નાદથી આકાશ ગાજી ઉઠ્યું.

પછી,કર્ણ,દુર્યોધન -આદિ સર્વ રાજાઓ પોતપોતાનું પરાક્રમ બતાવવા તૈયાર થયા.પણ કોઈએ પણ તે કઠિન ધનુષ્યને સજવાની કલ્પના સુધ્ધાં કરી નહોતી.એટલે તે ધનુષ્યને સજવા જતાં જ તેઓ તે ધનુષ્યથી દૂર ફેંકાઈ,ને જમીન પર નિશ્ચેટ થઈને પડ્યા.તેમના મુગુટ ને હાર પડી ગયા.સભામંડપમાં હાહાકાર થઇ ગયો,

અને કૃષ્ણાને મેળવવની ઈચ્છા અફળ થવાથી તે રાજાઓનું મંડળ દુઃખી થઇ ગયું.(13-20)


ત્યારે,રાજાઓને દુઃખી જોઈને કર્ણ,ઉભો થયો ને,ધનુષ્યને તત્કાળ ઉઠાવીને સજી દીધું.(પણછ બાંધી દીધી)

ને તરત જ બાણનું સંધાન કર્યું.તે જોઈને પાંડુપુત્રો ને સર્વને લાગ્યું કે-કર્ણ જરૂર સફળ થશે.પણ,તે જ વખતે દ્રૌપદીએ ઊંચા સાદે કહ્યું કે-'હું એ સુતપુત્રને નહિ પરણું' એટલે કર્ણે રોષ અને હાસ્ય સાથે સૂર્ય સામે જોઈને 

તે ધનુષ્યને છોડી દીધું.આમ,બધી બાજુએથી ક્ષત્રિયો પાછા પડયા,ત્યારે શિશુપાલ,ત્યાં ગયો,પરંતુ તે પણ 

જમીન પર ગોઠણભેર પડી ગયો.એથી તે ઉઠીને પોતાના રાજ્ય તરફ ચાલી ગયો.પછી જરાસંઘ ને 

ત્યારબાદ શલ્ય,આવ્યો,તો તેમના પણ તેવા જ હાલ થયા,ને આમ જયારે રાજાઓના વાદ શમી ગયા 

ત્યારે અર્જુને તે ધનુષ્ય સજવાનો ને બાણ ચડાવવાનો નિર્ધાર કર્યો (21-29)

અધ્યાય-187-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE