સ્વયંવર પર્વ
અધ્યાય-૧૮૪-પાંડવો પાંચાલ દેશમાં
II वैशंपायन उवाच II ततस्ते नरशार्दूला भ्रातरः पंच पाण्डवाः I प्रययुद्रौपदीं द्रष्टुं तं च देशं महोत्सवम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,નરોમાં સિંહ સમાન પાંચ પાંડવો,મહોત્સવવા પાંચાલ દેશને અને દ્રૌપદીને જોવાને ચાલ્યા.
માતા સાથે ચાલી રહેલા,તેઓએ માર્ગમાં અનેક બ્રાહ્મણોને એકઠા થઈને જતા જોયા.
તે બ્રાહ્મણોએ પાંડવોને પૂછ્યું કે-'તમે ક્યાં જાઓ છો?ક્યાંથી આવ્યા છો?' (1-3)
યુધિષ્ઠિર બોલ્યા-હે દ્વિજવરો,અમે પાંચ ભાઈઓ માતા સાથે,એકચક્રા નગરીથી આવીએ છીએ.
બ્રાહ્મણો બોલ્યા-તમે આજે જ,અમારી સાથે,પાંચાલ નગર ચાલો,ત્યાં,દ્રુપદ રાજાના મહેલે,દ્રૌપદીનો મોટો સ્વયંવર
થવાનો છે.દ્રુપદની પુત્રી દ્રૌપદી,વેદીના માધ્યમથી ઉત્પન્ન થઇ છે.સ્તુત્ય ગાત્રવાળી,સુકુમારી,તે અતિસુંદર છે.
તે મહાબાહુવાળા ને દ્રોણના શત્રુ,એવા પ્રતાપી ધૃષ્ટદ્યુમ્નની ભગિની છે.કહે છે કે-તે દ્રૌપદીની નીલકમળ જેવી સુગંધ
એક કોશ સુધી પ્રસરે છે,સ્વયંવર માટે સજ્જ થયેલી તેને જોવા અને તે મહોત્સવને જોવા અમે જઈએ છીએ.
ત્યાં,ખુબ દક્ષિણા આપનારા રાજાઓ ને રાજપુત્રો આવશે.મહાત્માઓ પણ આવશે.દેશદેશાંતરમાંથી આવેલા,
રાજાઓ,પોતાના વિજય માટે ધન,ગાયો,ભોજન વગેરે આપશે,તે બધું લઈને સ્વયંવર જોઈને અમે ઉત્સવ જોઈશું.
હે મહાત્માઓ,તમે પણ આ બધું જોઈને,દાન-આદિ લઈને અમારી સાથે પાછા વળજો,જો કે,દેવ જેવા રૂપવાળા
અને દેખાવડા એવા તમને સૌને આવેલા જોઈને તે દ્રૌપદી (કૃષ્ણા) કોઈ ભાગ્યયોગે તમારામાંના
કોઈ એક પર વરમાળા નાખે,એવું પણ બની શકે ! ને તેથી તમને ઘણું દ્રવ્ય પણ મળી શકે !
યુધિષ્ઠિર બોલ્યા-હે બ્રાહ્મણો,અમે સૌ તે પરમ મહોત્સવ ને તે કન્યાનો સ્વયંવર જોવા આવીશું (4-29)
અધ્યાય-184-સમાપ્ત
અધ્યાય-૧૮૫-ધૃષ્ટદ્યુમ્ને પ્રતિજ્ઞા સંભળાવી
II वैशंपायन उवाच II एवमुक्ताः प्रयातास्ते पाण्डवा जनमेजय I राज्ञा दक्षिणपंचालान द्रुपदेनामिरक्षितान II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,બ્રાહ્મણોએ આમ કહ્યું,તે પછી તે પાંડવો,રાજા દ્રુપદથી રક્ષાયેલા પાંચાલ દેશ જવા ચાલ્યા.માર્ગમાં તેમણે દ્વૈપાયન ઋષિ (વ્યાસજી)ને જોયા,પાંડવોએ તેમનું યથાયોગ્ય પૂજન કર્યું,અને વ્યાસજીએ પણ તેઓને સત્કાર્યા.પછી,વાતચીત થયા બાદ પાંડવોએ વ્યાસજીની આજ્ઞા મેળવીને,રમ્ય વનોને સરોવરો જોતા, આગળ ચાલ્યા ને છેવટે તેઓએ પાંચાલ દેશમાં પ્રવેશ કરી,એક કુંભારના ઘરમાં નિવાસ કર્યો.(1-6)
ત્યાં,બ્રાહ્મણવૃત્તિ રાખીને,તેઓ ભિક્ષા માગી લાવતા,તેથી તેઓને કોઈ માણસ ઓળખી શક્યું નહિ.
યજ્ઞસેન (દ્રુપદ)ની ઈચ્છા હતી કે 'કૃષ્ણા (દ્રૌપદી) હું અર્જુનને આપું' પણ આ વાત તે કદી પ્રગટ કરતો નહિ.
પણ,અર્જુનને ખોળી રહેલ તે દ્રુપદે એક અણનમ દૃઢ ધનુષ્ય તૈયાર કરાવ્યું હતું,ને આકાશમાં ઊંચે એક કૃત્રિમ
યંત્ર બનાવડાવ્યું હતું,કે જે ભમતા યંત્રના છિદ્રમાંથી જોઈ શકાય એવું એક નિશાન બનાવ્યું હતું.
ને દ્રુપદે નક્કી કર્યું કે-જે આ ધનુષ્ય સજીને,યંત્રને પાર રહેલા નિશાનને વીંધશે,તેને જ હું દ્રૌપદી આપીશ.
વૈશંપાયન બોલ્યા-પછી સ્વયંવર રચાયો,કે જેમાં સર્વ રાજાઓ,ઋષિઓ,મહાત્માઓ,બ્રાહ્મણો ને કર્ણ સહિત દુર્યોધન
ને મુખ્ય કૌરવો પણ પધાર્યા.દ્રુપદે તે સર્વનો સત્કાર કર્યો.સ્વયંવરને જોવાની ઈચ્છાવાળા,નગરજનો,
મંચો પર બેઠા,તો રાજાઓ 'શિશુમારશિર' નામના સ્થાને જઈને બેઠા.(7-16)
સુંદર અલંકારો,ધારણ કરેલા અને એકબીજાની સ્પર્ધા કરી રહેલા,સૌ રાજવીઓ,વિવિધ પ્રકારના આસનો પર
બેઠા હતા.પાંડવો પણ આવીને બ્રાહ્મણો સાથે બેઠા,ને પાંચાલરાજની અનુપમ સમૃદ્ધિ જોવા લાગ્યા.
તે સંમેલનમાં રત્નોનાં અનેકાનેક દાન અપાયાં,ને અનેક દિવસ સુધી નટ ને નર્તકોની શોભા પ્રદર્શિત થઇ.
સોળમા રમણીય દિવસે,દ્રૌપદી,હાથમાં સુવર્ણમાલા લઈને રંગભૂમિ પર આવી,ત્યારે પુરોહિતે,
વિધિપૂર્વક કરાયેલા યજ્ઞના અગ્નિમાં ઘીની આહુતિ આપીને અગ્નિને તૃપ્ત કર્યા પછી,બ્રાહ્મણો પાસે
સ્વસ્તિવાચન કરાવી,ચોતરફ વાગી રહેલાં સર્વ વાજીંત્રોને બંધ કરાવી દીધાં.(17-33)
ત્યારે ધૃષ્ટદ્યુમ્ન,વિધિપૂર્વક કૃષ્ણાને લઈને રંગમંડપમાં આવ્યો ને મેઘના જેવી ગંભીર વાણીમાં મોટેથી કહેવા લાગ્યો-
'હે પૃથ્વીનાથો,અહીં,આ ધનુષ્ય છે,નિશાન છે ને આ બાણો છે.આ યંત્રના છિદ્રમાંથી પાંચ તીક્ષ્ણ બાણો વડે તે
લક્ષ્યને વીંધવાનું કાર્ય જે કરશે,તેને મારી આ બહેન કૃષ્ણા આજે જ પરણશે,આ હું સત્ય કહું છું'
ને પછી,ત્યાં ભેગા થયેલા એ ભૂમિપતિઓ (રાજાઓ)નાં,નામ,ગોત્ર અને કર્મ બતાવી કૃષ્ણાને કહ્યું કે-(35-38)
અધ્યાય-185-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE