May 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-167

 
અધ્યાય-૧૮૨-વસિષ્ઠે નિયોગ કેમ કર્યો?

II अर्जुन उवाच II राज्ञा कल्माषपादेन गुरौ ब्रह्मविदांपरे I कारणं किं पुरस्कृत्य भार्या वै संनियोजिता II १ II

અર્જુન બોલ્યો-હે ગંધર્વ,કયા કારણથી,કલ્માષપાદ રાજાએ,પોતાની પત્ની સાથે,વસિષ્ઠનો નિયોગ કરાવ્યો?

પરમ ધર્મને જાણનારા વસિષ્ઠે આવું,પુત્રવધુ જેવી સ્ત્રી સાથે ગમન કેમ કર્યું? મારા આ સંશયનું નિવારણ કરો 

ગંધર્વ બોલ્યો-હે ધનંજય,વસિષ્ઠ પુત્ર,શક્તિએ રાજા કલ્માષપાદ રાજાને રાક્ષસ થવાનો શાપ આપ્યો હતો તે 

મેં આગળ કહી સંભળાવ્યું.હવે શાપવશ થયેલો તે રાજા પોતાની પત્નીને સાથે લઈને નગર બહાર નીકળ્યો.

ને નિર્જન વનમાં ભટકવા લાગ્યો.એકવાર,તે ભૂખ્યો થવાથી પોતાના માટે ભક્ષ્ય ખોળતો હતો,તેવામાં,

તેને નિર્જન વનના ભાગમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણીને મૈથુનપરાયણ જોયાં.રાજાને જોઈને તે અત્યંત શરમાઈને,

પોતાનો મનોરથ અધૂરો મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યાં.ત્યારે રાજાએ,તે બ્રાહ્મણને બળથી પકડી લીધો.(1-10)


પોતાના પતિને પકડાયેલો ને મોતના મોમાં જોઈને,બ્રાહ્મણીએ રાજાને કહ્યું કે-'તું સૂર્યવંશમાં જન્મ્યો છે,પાપ કરવું તને શોભે  નહિ,પતિના દુખે દુઃખી થયેલ હું,ઋતુકાળ આવતાં,પતિથી પુત્રોત્પત્તિ માટે સમાગમ પામી હતી,

હજુ મારો હેતુ સિદ્ધ થયો નથી,તમે પ્રસન્ન થાઓ ને મારા આ પતિને છોડી દો'


કલ્પાંત કરતી બ્રાહ્મણીનું રાજાએ સાંભળ્યું નહિ ને તેના પતિને તે ખાઈ ગયો.ત્યારે ક્રોધથી વ્યાકુળ થયેલી,

બ્રાહ્મણીએ તેને શાપ આપ્યો કે-'હે દુર્બુધ્ધિ,તું જયારે તારી ઋતુમાં આવેલી પત્ની પાસે જશે,ત્યારે તરત જ તારા પ્રાણ ખોશે,તેં જે વસિષ્ઠના પુત્રોનો વિનાશ કર્યો છે,તે વસિષ્ઠના સંગથી જ તારી પત્નીને પુત્ર જન્મશે,ને તે જ તારા વંશનું વર્ધન કરશે' આંગિરસ ગોત્રની તે બ્રાહ્મણીએ આમ શાપ આપીને રાજાની સામે જ તે અગ્નિમાં પ્રવેશી.


ત્યાર બાદ,જયારે રાજાને વસિષ્ઠે (રાક્ષસના શાપમાંથી) શાપમુક્ત કર્યો ત્યારે,રાજા,બ્રાહ્મણીના શાપને સંભારીને સંતાપ કરતો હતો,ને તેથી જ તેણે વસિષ્ઠને પોતાની રાણી સાથે નિયોગ કરાવ્યો હતો (11-26)

અધ્યાય-182-સમાપ્ત 


અધ્યાય-૧૮૩-પાંડવોએ ધૌમ્ય-ઋષિને પુરોહિત કર્યા 


II अर्जुन उवाच II अस्माकमनुरूपो वै यः स्याद्वंधर्व वेदवित् I पुरोहितस्तमाचक्ष्य सर्व हि विदितं तव II १ II

અર્જુન બોલ્યો-હે ગંધર્વ,તને બધી જાણ છે,તો અમારે માટે કોઈ વેદજ્ઞ પુરોહિત હોય તો તે અમને કહે 

ગંધર્વ બોલ્યો-દેવલના નાના ભાઈ ધૌમ્ય ઋષિ આ વનમાં ઉત્કોચક તીર્થમાં તપ કરી રહ્યા છે.

જો તમારી ઈચ્છા હોય તો તમે તેમને તમારા પુરોહિત તરીકે પસંદ કરો.(1-2)


વૈશંપાયન બોલ્યા-પછી,અર્જુને ગાંધર્વને વિધિપૂર્વક આગ્નેય અસ્ત્ર આપ્યું ને કહ્યું કે-'હે ગંધર્વ,તારા ઘોડાઓ,

તેં જે અમને આપવાનું કહ્યું હતું,તે હમણાં તારી પાસે જ રાખ,કામ પડશે ત્યારે અમે લઇ જઈશું'


પછી,પાંડવો ધૌમ્યના આશ્રમે ગયા ને તેમને પોતાના પુરોહિત થવાની વિનંતી કરી.ધૌમ્યે,પણ તેમનો સત્કાર 

કરીને તેમના પુરોહિત થવાનું સ્વીકાર્યું.આમ ગુરુ મળ્યા એટલે,પાંડવો પોતાને સનાથ માનવા લાગ્યા.ને 

'સ્વધર્મથી પોતાનું રાજ્ય મળી ગયું છે' એમ પણ તેઓ માનવા લાગ્યા.ગુરુ ધૌમ્યે સ્વસ્તિવાચન કર્યું. 

ને પછી,પાંડવોએ,ગુરુ ધૌમ્ય સાથે પાંચાલીના સ્વયંવરમાં જવાનો મનમાં નિશ્ચય કર્યો.(3-13)

અધ્યાય-183-સમાપ્ત

ચૈત્રરથપર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE