Apr 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-166

 
અધ્યાય-૧૮૦-ઔર્વના ક્રોધની શાંતિ-ને વડવામુખ અગ્નિની ઉત્પત્તિ 

II और्व उवाच II उक्तवानस्मि यां क्रोधात् प्रतिज्ञां पितरस्तदा I सर्वलोकविनाशाय न सा मे वितथा भवेत् II १ II

ઔર્વ બોલ્યા-હે પિતૃઓ,ક્રોધમાં આવીને,સર્વ લોકના વિનાશની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા નહિ થાય.

ક્રોધ અને પ્રતિજ્ઞામાં હું વ્યર્થ થવા ઈચ્છતો નથી,કેમ કે,જેમ,અગ્નિ અરણિને બાળી મૂકે,તેમ પર ન પડેલો રોષ 

મને જ બાળી નાખે.જે મનુષ્ય,કારણસર ઉપજેલા ક્રોધને શમાવવાનું યોગ્ય ધારે છે,તે ધર્મ,અર્થ અને કામ એ 

ત્રણનું સારી રીતે રક્ષણ કરવા સમર્થ થતો નથી.અસભ્ય મનુષ્યોને અંકુશમાં લાવવા ને સભ્ય મનુષ્યોનું સંરક્ષણ કરવા,ને સર્વને જીતવા ઇચ્છતા રાજાઓએ યોગ્ય સ્થાને રોષ (ક્રોધ) કરવો જ જોઈએ.(1-4)

તે ક્ષત્રિયો,ભૃગુઓનો વધ કરતા હતા ત્યારે,હું માટેના ગર્ભમાં હતો ને તે વખતે મેં તે સર્વની ચિચિયારીઓ સાંભળી હતી,જયારે તે અધમ ક્ષત્રિયોએ ગર્ભસ્થ બાળકોનો સંહાર કરવા માંડ્યો,ત્યારે મને ક્રોધાવેશ થઇ આવ્યો.

ગર્ભવાળી માતાઓને ક્યાંય આશ્રય કે શરણું મળ્યું નહિ,ત્યારે મારી આ માટે મને જાંઘમાં ધારણ કરી રાખ્યો હતો.


આ લોકમાં જો,કોઈ પાપીઓને રોકનાર ન મળે તો અનેક લોકો પાપ કર્મમાં પ્રવર્તે.ને જો પોતે શક્તિમાન હોવા છતાં,પાપકર્મને ન રોકે તો તે પોતે પણ પાપકર્મથી ખરડાય છે.આથી હું પાપીઓ પર ક્રોધે ભરાયો છું,હું લોકેશ્વર છું,હું તમારા વચનને અનુસરી શકું તેમ નથી.ક્રોધથી જન્મેલો આ મારો અગ્નિ,લોકોને ખાખ કરવા ઈચ્છે છે,જો તેને હું વારી લઉં તો તે મને જ બાળી નાખે.માટે,સર્વનું શ્રેય ઇચ્છતા તમે,હવે જે શ્રેય હોય તે મને કહો (5-16)


પિતૃઓ બોલ્યા-આ અગ્નિને તું પાણીમાં છોડી દે,કેમ કે સર્વ લોક જળમાં પ્રતિષ્ઠિત છે.

તને જો રુચતું હોય,તો ભલે આ ક્રોધજન્ય અગ્નિ,મહાસાગરમાં જળને બળતો રહે.

આમ,તારી પ્રતિજ્ઞા સત્ય થશે અને સર્વલોકનો પરાભવ થશે નહિ.


વસિષ્ઠ બોલ્યા-હે બેટા પરાશર,પછી તે ઔર્વે,તે ક્રોધાગ્નિને જળમાં નાખ્યો,ને મહાસાગરમાં રહીને તે જળને શોષવા લાગ્યો.વેદવેત્તાઓ તેને વડવામુખ તરીકે જાણે છે કે જે મોંમાંથી અગ્નિ ઓકતો રહીને મહાસાગરના જળ સુકવી રહ્યો છે.હે પરાશર,તું જ્ઞાની છે,ને પરલોકને જાણે છે,માટે લોકોને હરવા તે.તારે માટે યોગ્ય નથી (17-23)

અધ્યાય-180-સમાપ્ત 


અધ્યાય-૧૮૧-પરાશરનો રાક્ષસ-યજ્ઞ 


II गन्धर्व उवाच II एवं मुक्तः स विप्रर्षिवसिष्ठेन महात्मना I न्ययच्छदात्मनः क्रोधं सर्वलोकपराभवात II १ II

ગંધર્વ બોલ્યો-મહાત્મા વસિષ્ઠે,તે વિપ્રર્ષિને આ પ્રમાણે કહ્યું,ત્યારે સર્વલોકનો પરાભવ કરવા માટેના તે ક્રોધને,

તેમણે ફેંકી દીધો.ને પછી,તે શક્તિપુત્ર પરાશરઋષિએ રાક્ષસયજ્ઞનો આરંભ કર્યો.પોતાના પિતા શક્તિના 

વધનું સ્મરણ કરીને,તે મહામુનિએ,તે યજ્ઞમાં બાળક ને વૃદ્ધ સર્વ રાક્ષસોને બાળવા માંડ્યા.

'આ એની બીજી પ્રતિજ્ઞાનો ભંગ કરાવીશ નહિ'એવા નિશ્ચયથી વસિષ્ઠે રાક્ષસોના વધથી તેને વાર્યો નહિ.


ત્યારે,બીજાઓને અત્યંત દુષ્કર એવા આ યજ્ઞની સમાપ્તિ કરાવવા,અત્રિ ઋષિ ત્યાં આવ્યા,ને વળી 

રાક્ષસોને જીવાડવાની ઇચ્છાએ પુલસ્ત્ય,પુલહ,ક્રતુ ને મહાક્રતુ ત્યાં આવી પહોંચ્યા.

ને પુલસ્ત્ય,તે પરાશરને કહેવા લાગ્યા કે-'સૌ અજાણ ને અદોષ એવા રાક્ષસોના વધથી શું તને આનંદ 

થાય છે? મારી પ્રજાનો આમ ઉચ્છેદ કરવો તને ઘટતો નથી.તપસ્વી બ્રાહ્મણોનો આ ધર્મ નથી.

બેટા,શમ એ જ પરમધર્મ છે,માટે તેને જ તું આચર.તું શ્રેષ્ઠ હોવા છતાં અધર્મિષ્ઠ કામ કરી રહ્યો છે.(1-14)


હે પરાશર,પોતે આપેલા શાપના (દોષના) કારણે જ (તારા પિતા)શક્તિને તે મૃત્યુ આવ્યું હતું.બાકી,તેને કોઈ રાક્ષસ ભક્ષી જવા સમર્થ નહોતો.તેણે,પોતે જ પોતાનું મોત ઘડી કાઢ્યું હતું,વિશ્વામિત્ર તો તેમાં નિમિત્તમાત્ર હતા.વળી,કલ્માષપાદ રાજા તો સ્વર્ગે ચડી આનંદ કરે છે ને શક્તિથી નાના,વસિષ્ઠના પુત્રો પણ સ્વર્ગમાં 

આનંદ  કરે છે,આ સર્વ મહામુનિ વસિષ્ઠની જાણમાં છે.રાક્ષસોના ઉચ્છેદમાં તું પણ નિમિત્તરૂપ થયો છે,

પણ હવે તું આ તારું સત્ર બંધ કર,તારો યજ્ઞ સમાપ્ત થાઓ,તારું મંગલ હો.'

પુલસ્ત્યના કહેવાથી,પરાશરે,સત્રની સમાપ્તિ કરી ને સર્વ રાક્ષસોના હોમ માટે સંઘરેલા તે અગ્નિને હિમાલયના પડખામાં,ઉત્તરના મહાવનમાં મૂકી દીધો,જે હજુ પણ પર્વે પર્વે રાક્ષસો,વૃક્ષો આદિને ભક્ષતો દેખાય છે (15-23)

અધ્યાય-181-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE