Apr 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-165

અધ્યાય-૧૭૮-વસિષ્ઠે કહેલું ઔર્વનું ઉપાખ્યાન 

II गन्धर्व उवाच II आश्रमस्था ततः पुत्रंदश्यन्ति व्यजायत I शक्तेः कुलकरं राजन् द्वितीयमिवशक्तिनं II १ II

ગંધર્વ બોલ્યો-હે રાજન,પછી,આશ્રમમાં રહેલી,અદશ્યન્તીએ શક્તિના કુળને વધારનાર,બીજા શક્તિ જેવા

એક પુત્રને જન્મ આપ્યો.વસિષ્ઠે પોતે જ તે પૌત્રની જાતકર્માદિ ક્રિયાઓ કરી.તે ગર્ભમાં હતો ત્યારે,વસિષ્ઠ,

પરાસુ (પ્રાણમુક્ત) થવાના નિશ્ચય પર હતા,તેથી આ લોકમાં તે પરાશર (મરણ માટે નિશ્ચયીને (પરાસુને)

આશ્વાસન આપનાર) તરીકે ઓળખાયો.તે ધર્માત્મા વસિષ્ઠને જ પોતાના પિતા માનતા હતા 

ને જન્મથી જ તે તેમના તરફ પિતાની જેમ વર્તતા (1-4)

એકવાર,માતા સમક્ષ,તેણે મહર્ષિ વસિષ્ઠને 'પિતાજી' કહી બોલાવ્યા,તે સાંભળી માતાની આંખ ભરાઈ ને તેને કહેવા

લાગી કે-'હે નિર્દોષ,તું જેને પિતાજી કહે છે તે તો તારા પિતાના પણ પિતા છે,તારા પિતાને તો રાક્ષસ 

વનમાં ખાઈ ગયો છે' માતાના આવા વચન સાંભળી,ઋષિ પરાશર દુઃખી થઇ ગયા અને તેમણે સર્વલોકના વિનાશનો નિશ્ચય કર્યો,ત્યારે,વસિષ્ઠે તેમને વાર્યા અને કહેવા લાગ્યા કે-(5-10)


વસિષ્ઠ બોલ્યા-પૂર્વે કૃતવીર્ય નામે એક રાજા હતો કે જે વેદવેત્તા ભૃગુઓનો યજમાન હતો,તે રાજાએ સોમયજ્ઞને અંતે 

બ્રાહ્મણોને ધન અને ધાન્યથી તૃપ્ત કર્યા હતા.પછી તે સ્વર્ગે ગયો,ત્યારે તેના વંશજોને દ્રવ્યની જરૂર પડી,એટલે,

'ભૃગુઓ પાસે ધન છે' એમ વિચારીને તેઓ ભૃગુઓ પાસે યાચવા ગયા.તે વખતે ક્ષત્રિયોના ભયથી કેટલાક ભુગુઓએ પોતાના અખૂટ ધનને જમીનમાં દાટી દીધું.તો કેટલાકે માગ્યા પ્રમાણે ધન આપી દીધું.

પછી,કોઈ એક ક્ષત્રિયે,કોઈ કારણસર,કોઈ એક ભૃગુના ઘરની જમીન ખોદી કાઢી,તો તેમાંથી ધન મળી આવ્યું.


એથી સર્વ ક્ષત્રિયો,ભુગુઓ પર ક્રોધે ભરાઈને,સર્વ ભૃગુઓને તીક્ષણ બાણોથી હણવા(મારવા) માંડયા.સર્વ ભૃગુઓની ઉચ્છેદ થવા લાગ્યો ત્યારે,ભયની મારી ભૃગુ પત્નીઓ હિમાચલમાં સંતાઈ ગઈ.

ભયને લીધે,તેમાંની,એક સુંદરીએ,પોતાના સ્વામીની કુળવૃદ્ધિ માટે,તેજસ્વી ગર્ભને પોતાની એક જાંઘમાં 

ધારણ કરી રાખ્યો.પણ બીજી કોઈ એક બ્રાહ્મણીએ આ વાતની ખબર ક્ષત્રિયોને આપી દીધી.કે જેથી તે ક્ષત્રિયો ગર્ભને મારી નાખવાને સજ્જ થઇ પહોંચ્યા.એટલામાં તો તે ગર્ભ,બ્રાહ્મણીની જાંઘ,ભેદીને બહાર નીકળ્યો,(ઉરુ  ભેદીને નીકળેલો તે ગર્ભ ઔર્વ તરીકે પ્રસિદ્ધ થયો) અને મધ્યાહ્નનના સૂર્યની જેમ,તેણે ક્ષત્રિયોની દ્રષ્ટિ હરી લીધી.


આંધળા થવાથી દુઃખી થયેલા તે ક્ષત્રિયો,બ્રાહ્નણીની શરણે જઈ કહેવા લાગ્યા કે-'હે ભગવતી,આપ કૃપા 

કરો કે જેથી અમે દ્રષ્ટિવાળા થઈને ઘેર જઈએ,હે શોભના,પુત્ર સાથે તમે અમારા પર પ્રસન્ન થાઓ,

અમને,દ્રષ્ટિનો પ્રસાદ આપીને,અમને રક્ષવાને તમે યોગ્ય છો' (11-29)

અધ્યાય-178-સમાપ્ત 


અધ્યાય-૧૭૯-ઔર્વના ક્રોધનું વારણ 


II ब्राह्मणी उवाच II नाहं गृह्यानि वस्ताता द्रष्टौर्नास्मि रुपान्विता I अयं तु भार्गवो नुनमूरुजः कुपितोSद्य वः II १ II

બ્રાહ્મણી બોલી-હે પુત્રો,મેં તમારી દ્રષ્ટિ હરી નથી,કે હું ક્રોધે પણ ભરાઈ નથી,પણ મારી જાંઘમાંથી જન્મેલો આ ભાર્ગવ (ઔર્વ) સાચે જ આજે તમારા પર કોપ્યો છે.એ સ્પષ્ટ છે કે-પોતાના હણાયેલા બંધુઓને સંભારીને,તેણે તમારી દ્રષ્ટિ હરી લીધી છે.તમે જયારે ગર્ભોમાં રહેલા ભ્રગુઓને મારી રહ્યા હતા ત્યારે,ભૃગુ વંશનું પ્રિય કરવાની ઇચ્છાએ મેં આ ગર્ભને મારી જાંઘમાં ધરી રાખ્યો હતો.તે ગર્ભમાં હતો ત્યારે ષડંગ (છ અંગ) સાથે 

વેદોએ એનામાં પ્રવેશ કર્યો હતો.પિતૃઓના થયેલા વધને લીધે,ક્રોધ વડે તે તમને હણવા ઈચ્છે છે,

માટે તમે તેને પ્રાર્થના કરી વંદન કરો તો તે તમારા પર પ્રસન્ન થઈને તમારી દ્રષ્ટિ પછી આપશે.(1-6)


વસિષ્ઠ બોલ્યા-ત્યારે સૌ રાજાઓ ઉરુ (જાંઘ)માંથી જન્મેલા તે બાળકને કહેવા લાગ્યા કે 'પ્રસન્ન થાઓ'

ત્યારે તે પ્રસન્ન થયા.ઉરુને ભેદીને નીકળેલા હોવાને લીધે તે 'ઔર્વ' તરીકે પ્રસિદ્ધ થયા.

રાજાઓ ફરીથી દ્રષ્ટિ પામીને પોતાના સ્થાને ગયા.પણ,પછી તે ભાર્ગવમુનિ ઔર્વે,સર્વ લોકના વિનાશનો 

નિશ્ચય કરીને મહાન તપ કરવા માંડ્યું,કે જે તપથી તેમણે,દેવો,અસુરો ને સર્વ લોકને તપાવવા લાગ્યા.

તેનો વિચાર જાણીને,સૌ પિતૃઓ,પિતૃલોકમાંથી આવીને તેને કહેવા લાગ્યા કે-(7-13)


પિતૃઓ બોલ્યા-હે ઔર્વ,તારા ઉગ્ર તપનો પ્રભાવ અમે જોયો,પણ તું તારો ક્રોધ છોડી,લોકો પર પ્રસન્ન થા.

પૂર્વે ભ્રગુઓએ,પોતાની હિંસા કરતા ક્ષત્રિયોની ઉપેક્ષા કરી હતી,તેઓ અસમર્થ હતા એમ નહોતું,

પણ,લાંબી આવરદાથી જયારે મને કંટાળો આવ્યો ત્યારે,અમે પોતે જ ક્ષત્રિયોને હાથે વધ માગ્યો હતો.

ક્ષત્રિયોને કોપાવવા માટે જ કોઈ એક ભૃગુએ ઘરમાં ધન દાટ્યું હતું.સ્વર્ગને ઇચ્છનારા એવા અમારે ધનનું શું કરવું હતું?સ્વર્ગમાં કુબેર પુષ્કળ ધન આપે છે.હે બેટા,મૃત્યુ અમને લેવા આવે,તે માટે જ અમે આવો માર્ગ શોધ્યો હતો.

અમે જાતે આત્મઘાત કર્યો નહિ,કેમ કે આત્મઘાતી શુભ લોકને પામતો નથી.હે વત્સ,તું જે કરવા ઈચ્છે છે તે અમને પ્રિય નથી,લોકનો પરાભવ કરવારૂપી પાપમાંથી તું તારું મન વાળી લે,તું ક્ષત્રિયોને મારીશ નહિ,ને સાત લોકને હણીશ નહિ.તપ અને તેજને લાંછન આપનારા તારા આ ઉકળેલા કોપને તું શાંત કર.(14-22)

અધ્યાય-179-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE