II गन्धर्व उवाच II ततो द्रष्टाश्रमपदं रहितं तैSसुतैर्मुनिः I निर्जगां सुदुखार्तः पुनरप्याश्रमात्तत: II १ II
ગંધર્વ બોલ્યો-પછી,મુનિ (વસિષ્ઠ) પોતાના આશ્રમને,તે પુત્રો વિનાનો,સૂનો જોઈને,ફરી અત્યંત દુઃખી થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા.તેમણે,વર્ષાકાળે,નવજળથી છલાછલ ભરેલી,અને અનેક વૃક્ષોને ખેંચી જતી એક
નદી જોઈ,ને વિચારવા લાગ્યા કે-'આ દુઃખ સહેવા કરતાં,આ પાણીમાં જ પડું' ને પછી,તેમણે પોતાના શરીરને
મજબૂત દોરડાથી બાંધી દઈને,તે મહાનદીમાં પડતું મૂક્યું.પણ,તે નદીએ તેમના સર્વ પાશ કાપી નાખ્યા
ને તેમને,બંધનમુક્ત કરીને બહાર જમીન પર મૂકી દીધા.(1-5)
આમ,પાશમુક્ત થયેલા તે ઋષિ,બહાર આવ્યા,એટલે તેમણે,તે નદીનું નામ 'વિપાશા' પાડ્યું.
ત્યાર બાદ,પણ તેમનું મન,શોકમાં જ રહ્યું.ફરી તેમણે પ્રચંડ મગરવાળી હેમવતી નદી જોઈ,ને તેમણે તે નદીમાં ઝંપલાવ્યું,પણ તે નદીને તે ઋષિ,અગ્નિના જેવા લાગ્યા એટલે તે પોતે સો ફાંટામાં દોડવા લાગી,જેના કારણે તે 'શતદ્ર' નામે પ્રસિદ્ધ થઇ.આમ, ફરી પોતાને જમીન પર જ ઉભેલા જોઈને,તેમણે પોતાની જાતને કહ્યું કે-
'અરે,મારે મરવું છે,પણ મરી શકતો નથી' એમ કહી તે ફરી,આશ્રમ તરફ પાછા જવા લાગ્યા.(6-10)
વિવિધ પર્વતો ને અનેક દેશોમાં થઈને તે આશ્રમે જતા હતા,ત્યારે,અદશ્યન્તી નામની તેમની પુત્રવધુ તેમની
પાછળ આવતી હતી.તે નજીક આવતાં,ઋષિએ,વેદાધ્યયનનો ઘોષ સાંભળ્યો એટલે તે બોલ્યા કે-
'કોણ મારી પાછળ આવી રહ્યું છે?' ત્યારે તે પુત્રવધૂએ ઉત્તર આપ્યો કે-'હે મહાભાગ,હું અદશ્યન્તી,
તમારા પુત્ર શક્તિની તપસ્વીની પત્ની છું,ને તે શક્તિઋષિથી,મારી કુખમાં જન્મેલો,પુત્ર
અહીં,બાર વર્ષથી વેદોને ભણી રહ્યો છે,શક્તિના જેવો જ તેનો વેદધ્વનિ (અવાજ) છે.(11-16)
ગંધર્વ બોલ્યો-હે પાર્થ,તેણે આમ કહ્યું,એટલે તે વસિષ્ઠ ઋષિ આનંદ પામ્યા અને 'આ તો મારો વંશ છે'
એમ બોલીને,મૃત્યુના વિચારથી નિવૃત્ત થયા.તેઓ પુત્રવધુ સાથે આશ્રમ પાછા જતા હતા ત્યારે,
તેમણે,નિર્જન વનમાં કલ્માષપાદને બેઠેલો જોયો.ઉગ્ર રાક્ષસના આવેશવાળો તે રાજા ઉછાળીને મુનિને
ખાઈ જવા ધસ્યો.ત્યારે અદશ્યન્તી ગભરાઈ ગઈ,ને કહેવા લાગી કે-'આ રાક્ષસ આપણ બંનેને
ખાઈ જવા આવી રહ્યો છે,હે મુનિ,એ ભયાનક દેખાવાવાળા રાક્ષસથી તમે મારુ રક્ષણ કરો'
વસિષ્ઠ બોલ્યા-'દીકરી,તું બીશ નહિ,આ રાક્ષસથી કોઈ રીતે બીવું નહિ કેમ કે રાક્ષસના રૂપમાં,
શાપ પામેલો આ પૃથ્વી પ્રસિદ્ધ રાજા છે,ને તે આ ભયંકર વનમાં વસે છે'
પછી,તે છલાંગ મારીને આવતા રાક્ષસને વસિષ્ઠ ઋષિએ,માત્ર હુંકાર કરીને વાર્યો,ને તેના પર પવિત્ર કરેલું
જળ છાંટ્યું.અને પોતાના યોગપ્રભાવથી તે બાર વર્ષથી શાપથી ઘેરાયેલા રાજાને શાપમુક્ત કર્યો.
ભાન આવતાં,તે રાજા બે હાથ જોડી વંદન કરી બોલ્યો-'હે મહાભાગ,હું તમારો યજમાન સૌદાસ છું,
તમારું હું શું ઇષ્ટ કરું?આપની જે ઈચ્છા હોય તે મને કહો'(17-31)
વસિષ્ઠ બોલ્યા-મારુ ઇષ્ટ હતું તે તો થઇ ગયું.(એટલે કે-મારા સો પુત્રોનો વિનાશ તો થઇ ગયો છે)
તું જા અને રાજ્યશાસન કર,ને હવે બ્રાહ્મણોનો અનાદર કરીશ નહિ'
રાજા બોલ્યો-હે મહાભાગ,હું હવે કદી પણ બ્રાહ્મણોનું અપમાન કરીશ નહિ,તેમને પૂજિશ.
હે શ્રેષ્ઠ,ઇક્ષ્વાકુ વંશની વૃદ્ધિ માટે,શીલ,રૂપ અને ગુણથી યુક્ત એવો ઇષ્ટ પુત્ર આપવાને તમે યોગ્ય છો.
હું તેમ ઈચ્છું છું કે જેથી હું ઇક્ષ્વાકુ વંશના ઋણમાંથી મુક્ત થઇ શકું
ગંધર્વ બોલ્યો-ત્યારે વસિષ્ઠે ઉત્તર આપ્યો કે-'ભલે તેમ જ થશે' પછી,યોગ્ય કાળે તે રાજાની અયોધ્યાનગરીમાં ગયા
ત્યારે,નગરના લોકોએ તેમનું સ્વાગત કર્યું.ને પછી,તે રાજાની રાણીએ,રાજાની આજ્ઞાથી વસિષ્ઠની ઉપાસના કરવા માંડી.વસિષ્ઠે નિયમપૂર્વક તે રાની સાથે દિવ્ય વિધિએ સંગ કર્યો.ને એ રાણીને ગર્ભ રહ્યો ત્યારે રાજાએ,
તે મુનિશ્રેષ્ઠને અભિનંદન કર્યા ને પછી વસિષ્ઠ પોતાના આશ્રમે ચાલ્યા ગયા.
લાંબો સમય જવા છતાં રાણીને પ્રસવ ન થયો,ત્યારે તે રાણીએ,પોતાની કૂખને અશ્મ (પથ્થર) થી કૂટ્યું.
ને આ રીતે અશ્મક નામનો પુત્ર અવતર્યો જેણે પૌદન્ય નામનું નગર વસાવ્યું (32-48)
અધ્યાય-177-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE