Apr 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-162

 
અધ્યાય-૧૭૫-વસિષ્ઠે વિશ્વામિત્રનો કરેલો પરાભવ 

II अर्जुन उवाच II किंनिमित्तममृद्वैरं विश्वामित्रवशिष्ठयोः I वसतोराश्रमे दिव्ये शंस नः सर्वमेवतत II १ II

અર્જુન બોલ્યો-પોતપોતાના દિવ્ય આશ્રમમાં રહેતા,વશિષ્ઠ અને વિશ્વામિત્રને,કેમ વેર થયું હતું? તે બધું મને કહો.

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,કુશિકનો,એક લોકપ્રસિદ્ધ પુત્ર,ગાધી,કાન્યકુબ્જમાં મહારાજા હતો.વિશ્વામિત્ર તેનો પુત્ર હતો.

તે શત્રુમર્દન પાસે,પુષ્કળ સેના અને વાહનો હતાં.એકવાર તે વિશ્વામિત્ર,મૃગયા કરતા હતા,ત્યારે શ્રમથી થાકેલા,

અને તરસ્યા થયેલા તે વસિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા.વશિષ્ઠે તેમનો આદર કર્યો,ને સ્વાગત કર્યું.(1-7)

તે વસિષ્ઠ પાસે,એક કામદુધા ગાય હતી,તેને 'આ ઈચ્છાઓ પુરી કર' એટલું કહેવામાં આવતાં,તરત જ તે ઈચ્છાઓ પુરી કરતી.તે દૂધ દુજતી,ને વળી,ઔષધિઓ,ખટરસો,રસાયણો,ચાર જાતના અન્નો,રત્નો ને વસ્ત્રો પણ આપતી હતી.

વસિષ્ઠે તે વિશ્વામિત્ર રાજાને સંપૂર્ણ કામનાઓથી સત્કાર કર્યો એટલે તે અત્યંત સંતોષ પામ્યા.

ને તે અદ્ભૂત,સ્તુત્ય ને મનોરમ ગાયને જોઈને,વિશ્વામિત્ર વિસ્મિત થઇ ગયા.ને તેમણે વસિષ્ઠને કહ્યું કે-

'હે બ્રહ્મન,એક અર્બુદ ગાયો લઈને કે મારુ રાજ્ય લઈને તમે મને આ નંદિની (ગાય) મને આપો' (8-16)


વસિષ્ઠ બોલ્યા-હે નિર્દોષ,આ મારી દુધાળી નંદિની ગાય દેવ,અતિથિ અને પિતૃઓને માટે ઉપયોગી છે,

માટે રાજ્યના બદલામાં કે બીજી ગાયના બદલામાં પણ તે આપી શકાય નહિ 

વિશ્વામિત્ર બોલ્યા-હું ક્ષત્રિય છું અને તમે તપ ને સાધનાવાળા વિપ્ર છો,તમારામાં (લડવાનું) સામર્થ્ય નથી.

તમે જો મને મારુ ઇચ્છ્યું આપશો નહિ,તો હું ગાયને બળથી લઇ જઈશ.

વસિષ્ઠ બોલ્યા-તમે બળવાન રાજવી ને ભુજબલવાળા ક્ષત્રિય છો,તમે ઈચ્છો તેમ કરો (17-20)


ગંધર્વ બોલ્યો-હે પાર્થ,વસિષ્ઠે આમ કહ્યું એટલે,એટલે વિશ્વામિત્રે,તે નંદિની ગાયને દોરડાથી બાંધી ને કોરડાથી મારીને ત્યાંથી બળાત્કારે લઇ જવા માંડી,પણ તે ત્યાંથી છટકીને વસિષ્ઠની સામે આવીને ઉભી રહી.

તેને ઘણી મારવામાં આવી પણ તે ત્યાંથી ખસી જ નહિ.


વસિષ્ઠ બોલ્યા,હે નંદિની,તું વારંવાર બરાડી રહી છે,તે ચીસને હું સાંભળું છું,પણ ક્ષત્રિય વિશ્વામિત્ર તને 

બળાત્કારે હરી જાય છે,હું ક્ષમાવાન બ્રાહ્મણ છું એટલે આમાં હું શું કરું? ક્ષત્રિયોનું બળ તેજ છે 

ને બ્રાહ્મણનું બળ ક્ષમા છે.તો,તને રુચતું હોય તો ભલે તું તેની સાથે જા.

નંદિની બોલી-હે ભગવાન,તમે આવું બોલો છો,તો શું તમે મારો ત્યાગ કર્યો છે?તમે મારો ત્યાગ કરો નહિ,

ત્યાં સુધી કોઈ પણ મને બળપૂર્વક અહીંથી લઇ જઈ શકશે નહિ.(21-30)


વસિષ્ઠ બોલ્યા-હું તને ત્યજતો નથી,તારામાં જો શક્તિ હોય તો તું ભલે રહે,જો,તે તારા વાછરડાને લઇ જાય છે 

ગંધર્વ બોલ્યો-વસિષ્ઠે જયારે 'ભલે રહે' એમ કહ્યું એટલે તે ગાયે,માથું ને ડોક ઊંચાં કર્યા ને ભયંકર રૂપ ધારણ કર્યું.

ક્રોધથી લાલચોળ આંખોવાળી થયેલી તે ગયે 'હમ્ભા' શબ્દથી મોટી રાડ પાડીને,પછી વિશ્વામિત્રની સેનાને,

ચારે દિશામાં નસાડવા લાગી.ને પોતાના પુંછડેથી ભયંકર અંગારવર્ષા કરવા માંડી.ને પોતાના વિવિધ અંગોમાંથી,

યવનો,શબરો,પૌન્ડ્રો,કિરાતો,ચિબૂકો,હુણો ને મલેચ્છોને પેદા કર્યા.આમ,તેણે ઉત્પન્ન કરેલા,આ મહાસૈન્યે,

વિશ્વામિત્રના સૈન્યને ઘેરો ઘાલ્યો,ને ભયંકર અસ્ત્રવૃષ્ટિ કરવા માંડી,કે જેથી તે સૈન્ય ત્રાસી ગયું ને ત્યાંથી ભાગવા માંડ્યું.આમ તે ગાયે,કોઈને ય માર્યા વિના,તે સૈન્યને ત્રણ યોજન પાછી ભગાડી મૂકી.


બ્રહ્મતેજનો તે મહાન આશ્ચર્યકારી પ્રભાવ જોઈને વિશ્વામિત્રને ક્ષાત્રભાવ ઉપરથી મન ઉઠી ગયું,ને બોલ્યા-

'ધિક્કાર છે ક્ષત્રિયના બળને,બ્રહ્મતેજનું જ બળ સાચું છે' આમ વિચાર કરીને,તેમણે તપને જ નિશ્ચયપૂર્વક પરમબળ માન્યું ને સમૃદ્ધ રાજ્ય ને રાજ્યલક્ષ્મીને ત્યજી દીધા.ને તપમાં જ મન પરોવ્યું.પછી તે તપથી સિદ્ધિને પામ્યા અને પોતાના તેજથી સર્વ લોકોને વ્યાપ્ત કરીને તેમણે બ્રાહ્મણત્વ મેળવ્યું,ને પ્રદીપ્ત તેજથી સૌને તાપ આપવા લાગ્યા.

ત્યારથી તે કૌશિક વિશ્વામિત્ર,ઇન્દ્રની સાથે સોમપાન કરવા લાગ્યા.(31-48)

અધ્યાય-175-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE