અધ્યાય-૧૭૨-સંવરણ અને તપતીની વાતચીત
II गन्धर्व उवाच II अथ तस्यामद्रष्यायांनृपतिः काममोहितः I पातनः शत्रुसंधानां पपात धरणीतले II १ II
ગંધર્વ બોલ્યો-પછી,તે કન્યા જોવામાં આવી નહિ એટલે શત્રુઓના સમુહોને પણ પાડનારો એવો તે રાજા,
કામ મોહિત થઈને ધરતી પર ઢળી પડ્યો.ત્યારે તે સુમધુર સ્મિતવાળી કન્યાએ ફરીથી રાજાને દર્શન આપ્યું.
અને કહ્યું કે-'હે શત્રુદમન,ઉઠો,ઉભા થાઓ,તમે પૃથ્વીમાં પ્રસિદ્ધ છો,તમારે મોહ પામવો જોઈએ નહિ'
તપતીના મીઠાં વચનોથી રાજાએ આંખ ખોલી જોયું,ને સામે તે કન્યાને ઉભેલી જોઈ,તેને કહેવા લાગ્યો કે-
'હે શ્યામ કટાક્ષવાળી,હું તને ભજી રહ્યો છું,તું પણ મુજ કામાર્તને ભજ.તારા જ અર્થે આ કામદેવ મને તીક્ષ્ણ બાણોથી
વીંધી રહ્યો છે,તે શાંત પડતો નથી,ને મારા પ્રાણો જાણે મને છોડી રહયા છે.મારા પ્રાણ તારે આધીન
થયા છે,હું તારા વિના જીવી શકું તેમ નથી,તું મારા પર દયા કર ને મને પ્રાપ્ત થા.તારું આત્મદાન મને આપ.
તું મારી સાથે,ગાંધર્વવિવાહથી લગ્ન કર.સૌ વિવાહોમાં ગાંધર્વવિવાહ શ્રેષ્ઠ ગણાય છે.(1-19)
તપતી બોલી-હે રાજન,હું કન્યા છું,ને મારે માથે તો પિતા છે,હું સ્વતંત્ર નથી,તમે મારા પિતા પાસે મારુ માગું કરો.
જેમ,મેં તમારા પ્રાણોને વશ કાર્ય છે તેમ,તમે પણ મારા પ્રાણોને દર્શન માત્રથી જ આકર્ષી લીધા છે.
તમે તપ,નિયમ,ને પ્રતિપાતપૂર્વક મારા પિતા આદિત્ય (સૂર્ય)ની પાસે મારી યાચના કરો,તે જો મને,આપવા ઇચ્છશે
તો તે જ વખતે હું તમારી વશવર્તિની થઈશ,હું સૂર્યની પુત્રી તપતી નામે,સાવિત્રીથી નાની પુત્રી છું.(20-26)
અધ્યાય-172-સમાપ્ત
અધ્યાય-૧૭૩-સંવરણનાં તપતી સાથે લગ્ન
II गन्धर्व उवाच II एवं मुक्त्वा ततस्तुर्ण जगामोर्ध्वमनिंदिता I स तु राज पुनर्भूमौ तत्रैव निपपात ह II १ II
ગંધર્વ બોલ્યો-આમ કહીને તે સ્તુત્ય કન્યા તુરત જ ઊંચે ચાલી ગઈ,એટલે તે રાજા ફરી પૃથ્વી પર પડી ગયો.
તે વખતે,તેનો પ્રધાન,સૈન્ય ને પરિવાર મંડળ સાથે તેને ખોળતો ખોળતો ત્યાં આવી ચડ્યો,રાજાને નીચે પડેલો જોઈને
તેણે તર્ક કર્યો કે-'કદાચ ભૂખ-તરસથી તે નીચે પડી ગયો હશે' તેથી તેણે રાજાના શરીર પર પાણી છાંટ્યું
ત્યારે રાજા ભાનમાં આવ્યો ને તેને અમાત્ય સિવાય સેનાને પરત જવાની આજ્ઞા આપી.(1-10)
પછી,રાજા ફરીથી ગિરિસ્થાનમાં આવી બેસો ને બે હાથ જોડી,ઊંચું મુખ રાખીને,એક પગે ઉભા રહી,
સૂર્યની રાતદિવસ આરાધના કરવા લાગ્યો.તેણે પુરોહિત વશિષ્ઠનું સ્મરણ કર્યું,ત્યારે બારમે દિવસે
ગુરુ વશિષ્ઠ ત્યાં આવ્યા.તે મહાત્માએ યોગબળથી પહેલેથી જ જાણી લીધું હતું કે-રાજાનું ચિત્ત તપતીને વશ
થયું છે.આથી તેનું કાર્ય કરવાની ઇચ્છાએ તેમણે રાજાને કંઇક કહ્યું,ને સૂર્યને મળવા ઊંચે ઉડ્યા (11-17)
સૂર્ય પાસે જઈને મહર્ષિ વશિષ્ઠ,બે હાથ જોડી ઉભા રહ્યા,ને પ્રીતિપૂર્વક પોતાનું નિવેદન કર્યું કે-તમારી તપતી નામે જે
દીકરી છે,તેનું હું સંવરણ રાજા માટે માગું કરું છું.તે રાજા વિશાળ કીર્તિવાળો,ધર્માર્થને જાણનારો ને ઉદાર
બુદ્ધિ વાળો છે,ને તમારી પુત્રી માટે યોગ્ય ભર્તા છે.ત્યારે સૂર્યે,પોતાની પુત્રીનું સંવરણને માટે,વશિષ્ઠને દાન કર્યું,
વશિષ્ઠે તે કન્યા તપતીને સંવરણ માટે સ્વીકારી ને ત્યાંથી વિદાય લઈને સંવરણ પાસે પહોંચ્યા.
પછી,દેવો ને ગંધર્વોથી સેવાયેલા તે શ્રેષ્ઠ પર્વત પર,સંવરણે વિધિ પૂર્વક તપતીનું પાણિગ્રહણ કર્યું.
ને મહર્ષિ વશિષ્ઠની આજ્ઞા લઈને તેણે બાર વર્ષ સુધી વનોમાં રમણ કર્યું.
તે વખતે,બાર વર્ષ સુધી,તે રાજાના નગરમાં ને રાજ્યમાં ઈંદ્રરાજે વૃષ્ટિ કરી નહિ,ત્યારે સર્વ પ્રજા ક્ષય પામવા લાગી.
પ્રજાજનો ભૂખથી પીડાવા લાગી,ત્યારે મુનિશ્રેષ્ઠ,ધર્માત્મા ઋષિ વસિષ્ઠે વરસાદ વરસાવ્યો,ને પછી,રાજા સંવરણને પત્ની સાથે નગરમાં આવવાની આજ્ઞા કરી.રાજાએ નગરમાં પ્રવેશ કર્યો,એટલે ઇન્દ્રે પહેલાંની જેમ જ રાજ્યમાં વૃષ્ટિ કરી ને
ધાન્ય પેદા કર્યાં.તેથી ત્યાર બાદ,રાજાએ બાર વર્ષ સુધી તપતી સાથે યજ્ઞ કર્યો.
હે પાર્થ,આમ સૂર્યપુત્રી તપતી,તમારા પૂર્વજની પત્ની હતી,તેથી તમે તાપત્ય મનાયા છો.ને સંવરણ રાજાએ
તે તપતીમાં કુરુ નામે પુત્ર ઉત્પન્ન કર્યો હતો,તેથી તમે તાપત્ય કહેવાઓ છો (18-50)
અધ્યાય-173-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE