Apr 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-159

 
અધ્યાય-૧૭૧-તપતીનું ઉપાખ્યાન 

II अर्जुन उवाच II तापत्य इति यद्वाक्यमुक्तवानसिमामिह I सदहंज्ञातुमिच्छामि तापत्यर्थ विनिश्रितं II १ II

અર્જુન બોલ્યો-તમે,મને અહીં,તાપત્ય,એવું સંબોધન કર્યું,તો તે તાપત્ય શબ્દનો નિશ્ચિત અર્થ જાણવા ઈચ્છું છું.

તપતી કોણ હતી?કે જેને કારણે અમે તાપત્ય કહેવાયા?અમે તો કુન્તીપુત્રો છીએ.(1-2)

(નોંધ-આ ઉપાખ્યાનના ત્રણ અધ્યાય-171-172-173 છે.કે જેમાં તપતી કે સૂર્ય પુત્રી હતી તેના સંવરણ રાજા સાથેના લગ્ન અને 

જેથી તેમને થયેલ 'કુરુ' નામનો પુત્ર,કે જેના પાંડવો વંશજો હતા,તેથી તેઓ તાપત્યો (તપતીના પુત્રો કે વંશજો) કહેવાયા હતા.

આ ત્રણ અધ્યાયોના લંબાણથી કરેલા વર્ણનને ટુંકાવ્યું છે,મૂળ મહાભારતની કથા પર તેની કોઈ અસર થયેલી નથી-અનિલ)


ગંધર્વ બોલ્યો-આ સૂર્યદેવ,કે જે પોતાના તેજથી આકાશને ભરી રહ્યા છે,તેમને તેમના જેવી જ તેજસ્વી,તપતી નામે પુત્રી હતી,કે જે સાવિત્રીની નાની બહેન હતી.તે તપથી યુક્ત હતી ને ત્રણે લોકમાં પ્રસિદ્ધ હતી.દેવી,આસુરી કે અપ્સરા,એ કોઈ પણ,રૂપમાં તેના સમાન નહોતી.દીકરીને યૌવનમાં પ્રવેશતી જોઈને,તેના કન્યાદાનની 

સૂર્યદેવને ચિંતા થઇ કે-આ ત્રણે લોકમાં તેને લાયક કોઈ વર કેવી રીતે ને ક્યાં મળશે?


હે કૌંતેય,તે વખતે,કુરુશ્રેષ્ઠ,રાજા સંવરણ,સૂર્યની આરાધના કરતો હતો.ધર્મજ્ઞ,કૃતઘ્ન અને રૂપમાં અજોડ એવા તે સંવરણને જોઈને સૂર્યે તેને તપતીને યોગ્ય પતિ માન્યો,ને તેને પોતાની કન્યાનું દાન કરવાનો નિર્ધાર કર્યો(3-20)

હે પાર્થ,એકવાર,તે સંવરણ રાજા,વનમાં મૃગયાએ નીકળ્યો હતો,ત્યારે તેનો અનુપમ ઘોડો મૃત્યુ પામ્યો,એટલે તે 

પર્વતમાં પગપાળા ચાલીને જતો હતો,ત્યાં તેણે,વિશાળ નેત્રવાળી ને લોકમાં અનુપમ એવી એક કન્યાને જોઈ,

તે કન્યાને એકલી ફરતી જોઈને,તે સંવરણ રાજા તેને અચળ દ્રષ્ટિથી જોઈ રહ્યો. 


તેજમાં અગ્નિની શિખાસમાન ને પ્રસન્નતા ને કાંતિમાં તે નિર્મલ ચંદ્રલેખા જેવી જણાતી હતી.

તેને જોઈને રાજાએ સર્વ લોકની સુંદરીઓને તુચ્છ ગણી અને પોતે પોતાની આંખને સફળ થયેલી માની.

ને તે સુંદરીને આમ જોતાં જ તે રાજા કામબાણોથી પીડાયો,ને કામદેવના ઉગ્ર તાપથી બળી રહેલ,તે રાજા 

તે કન્યા ને પૂછવા લાગ્યો કે-'હે રંભોરુ,તું કોણ છે? કોની પુત્રી છે? શા માટે અહીં ઉભી છે? તું આ નિર્જન અરણ્યમાં,કેમ એકલી ફરે છે? હે ચારુવદના,ચંદ્રથી પણ વધારે રમણીય અને કમળપત્રના જેવી આંખવાળું,

તારું આ વદન જોતાં જ,મને અનંગરાજે મથવા માંડ્યો છે.(21-40)


રાજાએ તે સુંદરીને આ પ્રમાણે કહ્યું,પણ તે સુંદરીએ કોઈ ઉત્તર ન આપતાં,વીજળીની જેમ વાદળાંમાં લપાઈ 

ગઈ.તેથી તેને ખોળવા માટે,તે રાજા ઉન્મત્તની જેમ,વનમાં ચોમેર ઘૂમવા લાગ્યો.પણ તે કન્યા,જડી નહિ,

એટલે તેના માટે,અત્યંત વિલાપ કરીને બે ઘડી સ્થિર ઉભો રહ્યો (41-44)

અધ્યાય-171-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE