Apr 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-158

 
અધ્યાય-૧૭૦-ચિત્રરથ ગંધર્વનો પરાજય 

II वैशंपायन उवाच II गते भगवति व्यासे पाण्डवा हृष्टमानसाः I ते प्रतस्थु: पुरुस्कृत्य मातरं पुरुषर्पभाः II १ II

વૈશંપાયન બોલ્યા-વ્યાસજી ત્યાંથી ગયા,પછી આનંદિત મનવાળા તે પુરુષસિંહ પાંડવો,માતાને આગળ રાખી,પાંચાલ નગર તરફ જવા નીકળ્યા.તે પહેલાં,તે પરંતપોએ બ્રાહ્મણની આજ્ઞા લીધી ને તેને નમસ્કાર કરી સન્માન આપ્યું,ને પછી,તેઓ સીધા ઉત્તરના માર્ગે ચાલ્યા.ને એક દિવસ-એક રાત ચાલ્યા પછી,ગંગા કિનારા પરના સોમાશ્રયણ તીર્થે પહોંચ્યા.(ત્યાં જતાં રસ્તે રાતના સમયે) મહારથી અર્જુન,પ્રકાશ માટે,હાથમાં ઉંબાડિયું (મશાલ) લઈને આગળ ચાલતો હતો.તે વખતે ગંગામાં એક ઈર્ષાળુ ગંધર્વ,સ્ત્રીઓને લઇ જળક્રીડા કરવા આવ્યો હતો (1-5)

તે ગંધર્વે,નદી તરફ આવતા,પાંડવોનો અવાજ સાંભળ્યો,એટલે તે ક્રોધે ભરાયો,ને ઘોર ધનુષ્ય તાણી પાંડવોને કહ્યું કે-'રાત્રિ થતાં પહેલાં,જે ઘોર સંધ્યા થાય છે,તેના એંસી લવ જેટલો સમય બાદ કરતાં,બાકીનાં સર્વ મુહૂર્તો,

કામચારી યક્ષો,ગંધર્વો ને રાક્ષસો માટે નિર્દિષ્ટ થયેલાં છે,દિવસનાં મુહૂર્તો જ મનુષ્યોના કર્માચરણ માટે છે.

પણ,કદી મનુષ્યો,લોભ કરીને તે નિષિદ્ધ સમયે ઘુમતા ચાલ્યા આવે તો તે નાદાનોને અમે પકડી લઈએ છીએ.

રાત્રીના સમયે,જે માણસો પાણીમાં આવે છે,તે ભલે બળવાન રાજા હોય,તો પણ બ્રહ્મજ્ઞાની તેની નિંદા કરે છે.


આથી,તમે કાંઠે જ ઉભા રહો,મારી પાસે આવતા નહિ,કેમ કે હું ગંગાના જળમાં છું તે તમે,મેં નથી જાણતા?

સ્વબળના આશ્રયે રહેનારો હું 'અંગારપર્ણ' નામે ગંધર્વ છું,હું ઘણો માની ને ઈર્ષાળુ છું,ને કુબેરનો સખા છું.

આ મારુ વન,અંગારપર્ણ નામે પ્રસિદ્ધ છે,હું અહીં ગંગાકિનારે વિચરતો રહી અનેકવિધ ક્રીડાઓ કરું છું.

આ વનમાં,રાક્ષસો,દેવો,માનવો કે કોઈ બીજું આવી શકતું નથી,તો તમે કેમ અહીં આવ્યા છો?' (6-15)


અર્જુન બોલ્યો-હે દુર્બુદ્ધિ,સમુદ્ર,હિમાલયનાં પડખાં,અને આ ગંગા નદી ઉપર,રાત્રે,દિવસે કે સંધ્યાકાળમાં કોઈનો પણ ગુપ્ત એકાધિકાર નથી.ગંગાજીએ આવ્યા પછી,કોઈનેય કોઈ કાળનિયમ નડતો નથી.વળી,અમે તો,

શક્તિસંપન્ન છીએ,એટલે તને કવખતે પણ સતાવી શકીએ,જે અશક્ત હોય તે જ તારા જેવાની પૂજા કરે.

આ ગંગા,પૂર્વે,હિમાચલના સુવર્ણશૃંગમાંથી નીકળીને,સાત સેરમાં વહેંચાઈને સમુદ્રમાં ભળેલી છે.

વળી,આ પવિત્ર ગંગા એક તટવાળી થઈને,આકાશમાં પણ વહે છે.દેવોમાં તે અલકનંદા કહેવાય છે.


વ્યાસજીએ કહ્યું છે કે-આ જ ગંગા,પિતૃલોકમાં જઈને પાપકર્મીઓને તરવી દુષ્કર,એવી વૈતરણી થાય છે.સર્વ પાપ ધોનારી ને સ્વર્ગ આપનારી આ પવિત્ર નદી ગંગા,નિર્બાધ છે,તો તું અમને કેમ રોકવા ઈચ્છે છે? આ સનાતન ધર્મ નથી.રોકાણ અને બાધા વિનાના આ પવિત્ર ગંગાજળને,શું અમે તારા કહેવાથી જ ઈચ્છાપૂર્વક ન સ્પર્શીએ?


વૈશંપાયન બોલ્યા-તે સાંભળીને,અંગારપર્ણ,અત્યંત ક્રોધે ભરાયો ને ધનુષ્ય વિસ્તારીને,તેણે,ઝેરી દાઢવાળા,સર્પોના જેવા તીક્ષણ બાણો છોડ્યાં.પણ અર્જુને,ઉંબાડિયાને તથા ઉત્તમ ઢાલને ગુમાવતા રહી તે સર્વ બાણો દૂર કર્યા.

ને પછી,અર્જુન બોલ્યો-'હે ગંધર્વ,કહે છે કે ગંધર્વો સો મનુષ્યો કરતાં ચડિયાતા છે,તેથી હું દિવ્ય અસ્ત્રોથી જ તારી સામે લડીશ.આ આગ્નેય અસ્ત્ર,ગુરુ બૃહસ્પતિએ પૂર્વે ભરદ્વાજને આપ્યું હતું,ભરદ્વાજ પછી તે અગ્નિવેશ્યને ને,

અગ્નિવેશ્ય પાસેથી તે મારા ગુરુ દ્રોણને,ને દ્રોણે તે મને રુડી રીતે આપ્યું છે (16-30)


આમ,ક્રોધાવિષ્ટ થઈને અર્જુને,તે પ્રદીપ્ત આગ્નેયઅસ્ત્ર,તે ગંધર્વ પર છોડ્યું,કે જે અસ્ત્રે ગંધર્વના રથને બાળીને રાખ કરી દીધો.કે જેથી,તે બેબાકળો થયેલ ગંધર્વ ઊંધે મોંએ નીચે પડ્યો.અર્જુને તે બેભાન થયેલાને વાળથી પકડ્યો,

ને તેને ભાઈઓ તરફ ખેંચી લાવ્યો.ત્યારે તે ગંધર્વની કુંભીનસી નામની પત્ની,પતિનું રક્ષણ કરવાની ઈચ્છાથી,

યુધિષ્ઠિર પાસે શરણ મેળવવા આવી અને બોલી કે-'હું તમારે શરણે આવી છું,મારા પતિને છોડી દો'


યુધિષ્ઠિર બોલ્યા-'હે અર્જુન,યુદ્ધમાં જીતાયેલા,યશવિહોણા થયેલા,પરાક્રમહીન થયેલા 

ને પત્ની રક્ષા પામેલા શત્રુને મારવો જોઈએ નહિ,તું એને છોડી દે' 

અર્જુન બોલ્યો-'હે ગંધર્વ,તું જીવતદાન લે,શોક કરીશ નહિ,કેમ કે યુધિષ્ઠિર તને અભયદાન આપે છે'


ગંધર્વ બોલ્યો-'હું હાર્યો છું,એટલે પૂર્વનું મારું અંગારપર્ણ નામ ત્યજી દઉં છું.હવે હું મારા બળ ને નામની બડાઈ 

નહિ હાંકુ.હે અર્જુન,તને હું ગાંધર્વી માયા શીખવવા ઈચ્છું છું.દિવ્ય અસ્ત્રથી મારો આ ઉત્તમ વિચિત્રરથ બાલી ગયો છે,એટલે હું ચિત્રરથ નામે પ્રસિદ્ધ હોવા છતાં દગ્ધરથ થયો છું.પૂર્વે,ચાક્ષુસી નામની આ વિદ્યા,મનુએ સોમને,સોમે વિશ્વાવસુને આપેલી અને વિશ્વાવસુએ મને આપી હતી.વ્રત તપ કરીને આ વિદ્યા મેળવી છે.આ વિદ્યાથી,

આ ત્રણે લોકમાં જે કાંઈ,જે કોઈ સ્વરૂપને,આંખેથી જોવાની ઈચ્છા થાય,તે જોઈ શકાય છે.


છ મહિના એક પગે ઉભા રહેવાનું વ્રત કરીને આ વિદ્યા મેળવી શકાય છે.આ વિદ્યાથી જ અમે પ્રભાવદર્શીઓ,

મનુષ્યોથી વિશેષ (ગંધર્વ) છીએ.હું તમને અને તમારા ભાઈઓને,દરેકને ગાંધર્વલોકમાં જન્મેલા,સો સો ઘોડાઓ આપું છું,કે જે દિવ્ય વર્ણવાળા અને મનના જેવા વેગવાળા ઘોડાઓ,દેવો ને ગંધર્વોના વાહન છે.મારા આ ઘોડાઓ,ઐચ્છિક રંગવાળા છે,વેગવાળા ને ઈચ્છાને વશ છે,તેથી તે તમારા મનોરથો પુરા કરશે;(31-54)


અર્જુન બોલ્યો-'હે ગંધર્વ,મેં તમને જીવના જોખમમાંથી ઉગાર્યા,

એટલે,પ્રતિઉપકાર કરીને,તમે મને આ વિદ્યા-વગેરે આપો,એ મને ગમતું નથી'

ગંધર્વ બોલ્યો-'જીવતદાનથી પ્રસન્ન થઈને,હું જાતે તમને આ વિદ્યા આપું છું.

ને તમારી પાસેથી,પણ હું તેવું જ યોગ્ય અને ઉત્તમ એવું સનાતન આગ્નેય અસ્ત્ર માગું છું.'

અર્જુન બોલ્યો-આ બરોબર છે,આપણા બંનેનું મિલન (મિત્રતા) શાશ્વત હો.હે મિત્ર,હવે તમે કહો કે,

મનુષ્યોને તમારાથી ભય કેમ રહે છે?અમે રાતે ચાલ્યા જતા હતા,ત્યારે તમે અમને કેમ પજવ્યા?(55-57)


ગંધર્વ બોલ્યો-હે પાંડુનંદનો,તમારી આગળ બ્રાહ્મણ  નથી ને તમે અગ્નિ વિનાના તથા આહુતિ વિનાના છો.

(કેમ કે તમે બ્રહ્મચર્યાશ્રમમાંથી નીકળ્યા પછી લગ્ન કર્યા નથી તેથી એકે આશ્રમમાં નથી) તેથી મેં તમને પજવ્યા હતા.હું તમને,તમારા કુળને ને આચાર્ય ભારદ્વાજને જાણું છું અને તમારા સર્વના પ્રભાવને જાણું છું.પણ,

કોઈ પણ બાહુબળવાળો મનુષ્ય,પોતાની પત્ની સામે પોતાનું અપમાન સાંખી ન લે,એવું બનતું નથી,ને 

રાત્રે અમારું જોર વધી જાય છે,તેથી સ્ત્રીની સાથમાં રહેલા મને ક્રોધ ચડી આવ્યો.(58-70)


જો કે,બ્રહ્મચર્યની શક્તિથી તમે મને હરાવ્યો છે,બાકી બીજો કોઈ પરણેલો મનુષ્ય હોત તો તે જીવતો રહ્યો ન હોત.

પણ,જો પરણેલો મનુષ્ય,વેદવિભૂષિત હોય ને તેણે જો પુરોહિતને સર્વ કાર્યની ધુરા સોંપી દીધી હોય તો,

તે સર્વ નિશાચરોને હરાવી દઈ શકે છે.જે રાજાને ધર્મજ્ઞ,વાકનિપુણ,શીલવાન ને પવિત્ર પુરોહિત હોય છે 

તેનો આ લોકમાં સદા જય થાય છે.પૃથ્વીને મેળવવા, રાજાએ પુરોહિતના મત અનુસાર વર્તવું જોઈએ.

હે તાપત્ય,કોઈ પણ રાજા,બ્રાહ્મણ સાથ વિના ક્યારે ય કેવળ શૌર્યથી કે પરિવારથી આ પૃથ્વી જીતી શકતો નથી.

માટે આટલું જાણી લો કે,જે રાજ્યમાં બ્રાહ્મણ પ્રમુખ સ્થાને છે,તે રાજ્ય ચિરકાળ રક્ષિત રહે છે (71-81)

અધ્યાય-170-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE