II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वातु कौन्तेयाः शल्यविद्धा इयाभवन I सर्वे चास्यास्थमनसो वभृयुस्ते महाबलाः II १ II
વૈશંપાયન બોલ્યા-આ સાંભળીને મહાબળવાન કુંતીપુત્રો,જાને શલ્ય (બાણ)થી વીંધાયા હોય તેવા થઇ ગયા.ને તે સૌનાં મન અસ્વસ્થ થયાં.તેમને આમ મૂઢ જેવા થયેલા જોઈને,કુંતીએ યુધિષ્ઠિરને કહ્યું કે-'અહીં આ બ્રાહ્મણને ઘેર ઘણા દિવસો સુધી રહ્યા ને ભિક્ષા લાવીને સમય પસાર કર્યો છે.વળી,આસપાસનાં વનો,ઉપવનો પણ આપણે ફરીફરીને અનેકવાર જોયાં છે,જેથી ફરીવાર જોવામાં પ્રસન્નતા રહેતી નથી,ને હવે ભિક્ષા પણ બરોબર મળતી નથી,તો તમને ઠીક લાગતું હોય તો આપણે સુખેથી,ન જોયેલા રમણીય પાંચાલ દેશમાં જઈએ.(1-5)
હે અરિનાશન,સાંભળ્યું છે કે,પાંચાલ દેશમાં સુકાલ છે,ને રાજા યજ્ઞસેન (દ્રુપદ) પણ બ્રાહ્મણભક્ત છે.
એક જ જગાએ લાંબો વખત પડી રહેવું જોઈએ નહિ-એવો મારો મત છે,એટલે બેટા,જો તું માનતો હોય તો આપણે ત્યાં સુખપૂર્વક જઈએ,તો નવો દેશ પણ જોઈશું ને ભિક્ષા પણ સારી રીતે મળી રહેશે'(6-8)
યુધિષ્ઠિર બોલ્યા-'તમે જે વિચાર્યું છે તે અમારા પરમ હિતમાં છે,પણ નાના ભાઈઓને પણ જણાવવું જોઈએ'
વૈશંપાયન બોલ્યા-પછી,કુંતીએ બાકીના સર્વ નાના ભાઈઓને,ત્યાંથી જવા વિશે જણાવ્યું.બધા સહમત થયા.
એટલે,તે વિપ્રની રજા લઈને પુત્રોની સાથે,કુંતી દ્રુપદની રમણીય નગરી જવા નીકળી (9-11)
અધ્યાય-168-સમાપ્ત
અધ્યાય-૧૬૯-દ્રૌપદીની પૂર્વજન્મ કથા
II वैशंपायन उवाच II वसत्सु तेषु प्रच्छन्नं पाण्डवेषु महात्मसु I आजगामाथतान्द्रष्टु व्यासः सत्यवती सुतः II १ II
વૈશંપાયન બોલ્યા-(પાંચાલ દેશ જવા નીકળતાં પહેલાં) તે મહાત્મા પાંડવો,જયારે ગુપ્ત રીતે બ્રાહ્મણને ત્યાં રહેતા હતા,ત્યારે સત્યવતીપુત્ર વ્યાસજી તેમને મળવાને આવ્યા હતા.તેમને આવેલા જોઈને સર્વેએ તેમનો સત્કાર કરીને,
પાયે લાગીને હાથ જોડીને ઉભા રહ્યા.ત્યારે વ્યાસજી બોલ્યા-'હે પરંતપો,તમે ધર્મ ને શાસ્ત્રપૂર્વક વર્તો છો ને?
ને તમે પૂજનીય વિપ્રોની પૂજા તો નથી ચૂકતા ને?' આમ કહી,તેમણે,ધર્માર્થયુક્ત વિવિધ વિચિત્ર કથાઓ કહી.
વ્યાસ બોલ્યા-કોઈ એક તપોવનમાં,કોઈ એક મહાત્માને,સર્વગુણસંપન્ન ને અતિ સુંદર કન્યા હતી,પણ તે પૂર્વકર્મ વડે અભાગી નીવડી હતી ને પતિ પામી શકી નહોતી.જેથી તેણે ઉગર તપ કરી,શિવજીને પ્રસન્ન કર્યા.શિવજીએ વરદાન માગવા કહ્યું,ત્યારે તે કન્યાએ ફરી ફરી કહ્યું કે-'હું સર્વગુણસંપન્ન પતિ ઈચ્છું છું'
ત્યારે શિવજીએ કહ્યું-'હે ભદ્રા,પાંચ ભારતો તારા પતિ થશે' ત્યારે કન્યાએ કહ્યું-'હું તો એક જ પતિ ઈચ્છું છું'
એટલે શિવજી બોલ્યા-'તેં પાંચવાર 'પતિ આપો' એમ કહ્યું છે,તો તારા બીજા જન્મમાં મારા કહ્યા પ્રમાણે થશે'
તે દેવરૂપિણી કન્યા,કૃષ્ણા-નામે દ્રુપદના કુળમાં જન્મી છે,ને તમારી પત્ની નિર્માઈ છે.
આથી હે મહાબળવાનો,તમે પાંચાલ નગરમાં જઈ વાસ કરો,કૃષ્ણાને પામીને તમે નિઃસંશય સુખી થશો'
આમ કહીને વ્યાસજી,કુંતી ને પાર્થોની રાજા લઈને ત્યાંથી ચાલતા થયા (1-17)
અધ્યાય-169-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE