અધ્યાય-૧૬૭-દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નની ઉત્પત્તિ
II ब्राह्मण उवाच II अमर्पी द्रुपदो राज कर्मसिद्धान द्विजर्पमान I अन्विच्छन्परिचक्राम ब्राह्मणावसथान बहुन् II १ II
બ્રાહ્મણ બોલ્યો-પછી,ડંખીલો (વેરવાળો) તે દ્રુપદરાજ,કર્મમાં સિદ્ધ એવા શ્રેષ્ઠ દ્વિજોને શોધતો,અનેક બ્રાહ્મણોના ઘેર આથડયો.પુત્રોત્પત્તિના શોકથી મૂઢચિત્ત થયેલો તે પુત્રના જન્મની ઈચ્છા કર્યા કરતો હતો.ને નિત્ય ચિંતા કર્યા કરતો હતો કે-'હાય,મને શ્રેષ્ઠ બાળક નથી' ને ઊંડા ઊંડા નિસાસા નાખતો હતો.દ્રોણના પ્રભાવ,વિનય,શિક્ષા તથા ચરિતોને સંભારીને તે નૃપશ્રેષ્ઠ,બદલો લેવાના યત્ન કરતો હતો પણ તેને કોઈ ઉપાય લાધતો નહોતો (1-4)
એક વખત ગંગાકાંઠે ફરતા ફરતાં,કલ્માષપાડ નગરીની પાસે બ્રાહ્મણના પુણ્યાશ્રમે પહોંચ્યો.ત્યાં તેણે,યાજ અને ઉપયાજ નામના બે ઉત્તમવ્રતી બ્રહ્મર્ષિઓને જોયા.દ્રુપદે આળસરહિત થઈને તેમને રીઝવવા માંડયા.
ઉપયાજ,નિષ્કામ હતો,એટલે તેણે દ્રુપદે આપેલી કોઈ લાલચ કામ આવી નહિ,પણ ઉપયાજે કહ્યું કે તમે મારા ભાઈ યાજ પાસે જાઓ,તે ફલાર્થી (સકામ) છે ને તે તમને મદદ કરશે.દ્રુપદે યાજને કહ્યું કે-'હે વિભુ,તમે મારો યજ્ઞ કરાવો,હું તમને એંશી હજાર ગાયો આપીશ.હું દ્રોણ પરના વેરથી તપી રહ્યો છું,દ્રોણ પાસે બ્રાહ્મબળ અને ક્ષાત્રબળ
એ બંને તેજ છે,પણ મારી પાસે માત્ર ક્ષાત્રબળ છે,કે જેના કારણે હું,તેનાથી ઉતરતો છું.તેથી આપ બ્રાહ્મતેજને શરણે આવ્યો છું.તમે મારુ એવું કામ કરો કે મને,યુદ્ધમાં દુર્જયઃ એવા દ્રોણનો અંત લાવે તેવો એક પુત્ર સાંપડે.
ત્યારે યાજે 'તથાસ્તુ' કહીને યજ્ઞના પ્રયોગનું મનમાં સ્મરણ કરવા માંડ્યું.ને 'આ ભારે કામ છે' એમ વિચારીને
તેણે નિષ્કામ એવા ભાઈ ઉપયાજને પણ આ કામમાં પ્રેર્યો.ઉપયાજે,દ્રુપદને,પુત્રફળ માટે અગ્નિસાધ્ય કર્મની
કથા કહી સંભળાવી ને કહ્યું કે-'તમે ઈચ્છો છો તેવો મહાતેજ ને બળવાળો પુત્ર તમને થશે'
ત્યાર બાદ,રાજાને સંકલ્પ કરાવી,.યજ્ઞનો પ્રારંભ કર્યો.યજ્ઞના અંતે યાજે રાણીને આજ્ઞા કરી કે-
'હે રાણી,તું ઝટ આવ,તારે માટે એક બાળકજોડ ઉભી છે' (5-36)
રાણી બોલી-હે બ્રહ્મન,મારું મુખ કંકુ આદિ ગંધના પદાર્થોથી ભરેલું છે,હું દિવ્ય ગંધોને ધારણ કરી રહી છું,
આથી પુત્રાર્થે,હવિ,હાથે લેવાને યોગ્ય નથી,તમે જરા થોભી જાઓ.
યાજ બોલ્યો-'મેં હવ્યને પકવ્યું છે ને ઉપયાજે તેને અભિમંત્રિત કર્યું છે,તેથી ધાર્યું ફળ આવેલ છે,
ભલે તું ચાલી જા કે ઉભી રહે પણ,આ કાર્ય અવશ્ય પૂરું થશે'
આમ કહી,યાજે જ્યાં સંસ્કારેલા હૅવીનો હોમ કર્યો,ત્યાં તે અગ્નિમાંથી,દેવ જેવો,જ્વાળા જેવા રંગવાળો,એક
કુમાર પ્રગટ થયો કે જેણે,મુગટ અને બખ્તર ધારણ કરેલાં હતાં ને ધનુષ્ય,બાણ ખડગથી શોભી રહ્યો હતો.
પાંચાલો હર્ષઘેલા થઈને વાહ-વાહ બોલવા લાગ્યા,ને તેવામાં આકાશચારી એવા કોઈ અદ્રશ્ય મહાભૂતે કહ્યું કે-
'આ ભયભંજન રાજપુત્ર,પાંચાલોનો યશ વિસ્તારશે,દ્રોણનો વધ કરી રાજાનો શોક દૂર કરશે,(37-43)
તે જ યજ્ઞવેદીમાંથી,શ્યામ વર્ણ ને શ્યામ નેત્રવાળી-સુંદર અંગવાળી કુમારી પાંચાલી પણ પ્રગટી.જાણે સાક્ષાત દેવકન્યા, માનવ રૂપ ધરી આવી હોય તેવી તે સોહામણી હતી.ત્યારે પણ આકાશવાણી થઇ કે-
'સકળ સુંદરીઓમાં શ્રેષ્ઠ આ કૃષ્ણા,ક્ષત્રિયોના વિનાશ માટે જન્મી છે.યોગ્ય કાળે તે,દેવોનું આ કાર્ય કરશે,
એનાથી કૌરવોને મહાભય પેદા થશે' આ સાંભળીને સૌ પાંચાલો,સિંહના સમૂહના જેમ,ગર્જના કરવા લાગ્યા.
બે બાળકોને જોઈને,દ્રુપદની રાણી,યાજને શરણે જઈને બોલી-' આ બે બાળકો,મારા સિવાયની કોઈ
બીજી સ્ત્રીને માતા તરીકે ન જાણે' ત્યારે રાજાનું પ્રિય કરવાની ઈચ્છાવાળા યાજે કહ્યું કે-'તથાસ્તુ'
પછી,બ્રાહ્મણોએ તે બંનેના નામ પાડ્યા.દ્રુપદનો આ કુમાર ધૃષ્ટ (પ્રૌઢ) છે અને દ્યુમ્ન (કવચ-કુંડળ આદિ ધનબળ)
સાથે મોટા ઉત્કર્ષથી જન્મ્યો છે,તેથી ધૃષ્ટદ્યુમ્ન કહેવાશે.ને કુંવરી કૃષ્ણ વર્ણની હોવાથી તેનું નામ કૃષ્ણા પાડ્યું.
આ રીતે,મહાયજ્ઞમાં,દ્રુપદને તે બાળકજોડી જન્મી હતી.ગુરુ દ્રોણાચાર્યે,તે ધૃષ્ટદ્યુમ્નને પોતાને ઘેર બોલાવી,
તેને અસ્ત્રવિદ્યા આપીને ઉપકાર કર્યો હતો.'દૈવથી જે થનારું છે,તે રોકી શકાય તેમ નથી' એમ સમજીને
તે મહામતિ,દ્રોણે,પોતાની કીર્તિની રક્ષા સારું આ કાર્ય કર્યું હતું (44-56)
અધ્યાય-167-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE