Apr 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-155

 
ચૈત્રરથપર્વ 

અધ્યાય-૧૬૫-દ્રૌપદીની ઉત્પત્તિ 

II जनमेजय उवाच II ते तथा पुरुषव्याघ्रा निहत्य बकराक्षसं I अत ऊर्ध्व ततोब्रह्मन्किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,બક રાક્ષસને મારીને તે પુરુષસિંહ પાંડવોએ પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી,તેઓ બ્રાહ્મણના ઘરમાં વેદવેદાંતનું પરમ અધ્યયન કરતા રહ્યા.

કેટલાક સમય બાદ,એક ઉત્તમવ્રતી બ્રાહ્મણ,એ બ્રાહ્મણને ઘેર રહેવા આવ્યો.શુભ કથા કહેતા એ બ્રાહ્મણનું સર્વેએ

પૂજન કર્યું.તે બ્રાહ્મણે,સર્વ દેશો,તીર્થો,સરિતાઓ,રાજાઓનાં નગરો વિષે કહ્યું,ને કથાના અંતે,તેણે,પાંચાલ દેશમાં,

યજ્ઞસેન(દ્રુપદ)પુત્રીના સ્વયંવર વિશે.ધૃષ્ટદ્યુમ્નના જન્મ વિશે,શિખંડીની ઉત્પત્તિ વિશે,ને દ્રુપદના મહાયજ્ઞમાં દ્રૌપદીના અયોનિજન્મ વિશેની સઘળી કથા કહી.તે અત્યંત આશ્ચર્યકારક કથા સાંભળીને,પાંડવોએ તેને પૂછ્યું કે-

'દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન કેવી રીતે અગ્નિમાંથી જન્મ્યો? કેવી રીતે વેદીની મધ્યમાંથી કૃષ્ણા (દ્રૌપદી)નો જન્મ થયો?

દ્રોણ પાસેથી ધૃષ્ટદ્યુમ્ન,કેવી રીતે અસ્ત્રવિદ્યા શીખ્યો? દ્રોણ અને દ્રુપદની વચ્ચે વેરભાવ કેવી રીતે થયો?'

પાંડવોનું આવું પૂછવાથી,તે વિપ્રે,દ્રૌપદીના જન્મની કથા (વિગતથી) કરવા માંડી (1-12)

અધ્યાય-165-સમાપ્ત 


અધ્યાય-૧૬૬-દ્રુપદનું ગર્વખંડન 


II ब्राह्मण उवाच II गंगाद्वारं प्रति महान बभुवर्पिर्महातपाः I भरद्वाजो महाप्राज्ञः सततं संशितव्रतः II १ II

બ્રાહ્મણ બોલ્યો-ગંગાદ્વાર ઉપર,ભરદ્વાજ નામે એક સતત ઉત્તમ વ્રતવાળા મહાબુદ્ધિમાન ને મહાતપસ્વી મહર્ષિ રહેતા હતા.તે ઋષિ ગંગામાં નાહવા ગયા ત્યારે,તેમણે નદીતીરે નાહીને ઉભેલી ધૃતાચી નામની અપ્સરાને જોઈ,

તે વખતે વાયુથી એ અપ્સરાનું વસ્ત્ર ઉડી ગયું,ને અપ્સરાને વસ્ત્રવિહોણી જોઈ ઋષિ તેની કામના કરવા લાગ્યા,

ત્યારે,કુમારાવસ્થાથી બ્રહ્મચારી રહેલા,તે ઋષિનું ચિરકાળથી ધારણ કરેલું વીર્ય,સ્ખલિત થઇ ગયું.ઋષિએ તે વીર્ય 

દ્રોણપાત્રમાં રાખી લીધું,તેમાંથી તેમને દ્રોણ નામનો કુમાર થયો,કે જે સર્વ વેદ-વેદાંગો સંપૂર્ણતાથી શીખ્યો (1-5)


તે ભરદ્વાજને,પૃષત નામે એક રાજા મિત્ર હતો,તેને પણ દ્રુપદ નામનો પુત્ર હતો,કે જે નિત્ય આશ્રમે જઈ,

દ્રોણ સાથે અધ્યયન કરતો ને રમતો હતો.પછી,પૃષત રાજા અવસાન પામ્યો ત્યારે દ્રુપદ રાજા થયો.

તેવામાં,દ્રોણે સાંભળ્યું કે-પરશુરામ પોતાનું સર્વ ધન આપી દેવા ઈચ્છે છે,એટલે તે પરશુરામ પાસે ગયા.

ને તેમને કહ્યું કે-'હું દ્રોણ,છું ને દ્રવ્યની ઇચ્છાએ આવ્યો છું' ત્યારે પરશુરામે કહ્યું કે-'મેં સર્વ ધન દાન કરી દીધું છે,

ને હવે તો મારુ શરીર અને અસ્ત્રો બાકી રહ્યાં છે,તેમાંથી ગમે તે એક પસંદ કરી લો' ત્યારે દ્રોણ બોલ્યા-

'સર્વ અસ્ત્રો,તેનો ઉપસંહારને તેનો પ્રયોગ,આપ મને આપવા યોગ્ય છો' (6-11)


તે પછી,પરશુરામે 'તથાસ્તુ' કહીને દ્રોણને સર્વ અસ્ત્રો આપ્યાં.પરમમાન્ય બ્રહ્માસ્ત્ર પામીને,દ્રોણ,સર્વ માનવોમાં 

શ્રેષ્ઠ થયા.પછી,તે પ્રતાપી પુરુષસિંહે દ્રુપદ પાસે જઈને કહ્યું કે-'તું મને તારા પૂર્વના બાળમિત્રને ઓળખ' 

ત્યારે દ્રુપદ બોલ્યો-ગરીબ મનુષ્ય રાજાનો મિત્ર હોતો નથી.તું પૂર્વની મૈત્રીને શા માટે સંભારે છે?'

અપમાનિત થયેલા,તે દ્રોણે,પાંચાલપતિ દ્રુપદ તરફ વેરનો નિશ્ચય કરી લીધો,ને તે હસ્તિનાપુર પહોંચ્યા.

ત્યાં ભીષ્મે,દ્રોણનો સત્કાર કરી,તેમને વિવિધ ધન આપ્યું ને પોતાના પૌત્રોને શિષ્યો તરીકે સોંપ્યા(12-17)


વિદ્યા ભણાવ્યા બાદ,દ્રોણે.ગુરુદક્ષિણા માગી કે-પાંચાલપતિ દ્રુપદ પાસેથી તેનું રાજ્ય લઇને મને દ્રુપદ સોંપો.

ત્યારે પાંચ પાંડુપુત્રોએ દ્રુપદને યુદ્ધમાં હરાવીને,દ્રુપદને બાંધીને દ્રોણ  સમક્ષ રજુ કર્યો.ત્યારે દ્રોણે દ્રુપદને કહ્યું કે-

'હું તારી સાથે મૈત્રી ઈચ્છું છું,તે કહ્યું હતું કે જે રાજા નથી હોતો તે રાજાનો મિત્ર થઇ શકતો નથી,તેથી જ હે દ્રુપદ,મારે રાજ્ય મેળવવા આ પ્રયત્ન કરવો પડ્યો છે,પણ હવે તું ગંગાના દક્ષિણ કિનારાનો રાજા થા,

ને હું ગંગાના ઉત્તર કિનારાનો રાજા થાઉં છું' આમ કહી,દ્રોણે દ્રુપદને રાજ્ય આપ્યું.


બ્રાહ્મણ બોલ્યો-ભારદ્વાજ દ્રોણે,પાંચાલપતિ દ્રુપદને આમ કહ્યું,ત્યારે દ્રુપદે કહ્યું કે-'હે મહાબુદ્ધિમાન ભારદ્વાજ.તમારું કલ્યાણ થાઓ,તમે જેમ ઈચ્છો છો- તેમ થાઓ ને આપણી મૈત્રી નિત્ય રહે'

આમ કહી બંને પોતપોતાને સ્થાને ગયા,પણ દ્રુપદના હૃદયમાંથી,પોતાનું થયેલું તે અપમાન ગયું નહિ.

ને મનમાં ઉદ્વેગ પામીને તે દુબળો પડવા લાગ્યો (18-29)

અધ્યાય-166-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE