અધ્યાય-૧૬૩-ભીમ અને બકાસુરનું યુદ્ધ
II युधिष्ठिर उवाच II उपपन्नमिदं मातस्त्वया यद्बुध्धिपुर्वकम् I आर्तस्य ब्राह्मणस्यैतदनुक्रोशादिदं कृतम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે મા,દુઃખી બ્રાહ્મણ પર દયા કરીને તમે આ જે બુદ્ધિપૂર્વક કર્યું તે યોગ્ય જ છે.તમે નિત્ય,બ્રાહ્મણ પર દયાવાળા છો,એટલે આ ભીમ,તે નરભક્ષક રાક્ષસને મારીને અવશ્ય પાછો આવશે.પણ,નગરવાસીઓ,આ જાણી જાય નહિ,તે માટે આ બ્રાહ્મણને કહેવું,ને યત્નપૂર્વક તેની પાસે સ્વીકારાવવું પડશે (1-3)
વૈશંપાયન બોલ્યા-પછી,રાત થઇ,ત્યારે ભીમસેન,જ્યાં,પેલો નરભક્ષી રાક્ષસ હતો ત્યાં અન્ન લઈને ગયો.
ત્યાં પહોચીને,ભીમે,પોતે જ તે ભોજન ખાતાંખાતાં તે રાક્ષસને નામ દઈને પડકાર્યો.ત્યારે રાક્ષસ ક્રોધે ભરાયો,
ને તે મહાકાય,મહાભયંકર,મહાવેગવાન રાક્ષસ,ભીમ પાસે દોડી આવ્યો.ને ભીમસેનને પોતાનું અન્ન ખાતો જોઈને ક્રોધપૂર્વક કહેવા લાગ્યો કે-'યમરાજને ઘેર જવાની ઇચ્છાવાળો,કયો દુર્મતિ,મારા માટે આણેલા મારા અન્નને ખાઈ રહ્યો છે?' પણ,ભીમસેન તો રાક્ષસને અવગણીને હસતો હસતો ખાતો જ રહ્યો,ત્યારે તે રાક્ષસે મહાગર્જના કરીને,બે હાથ ઊંચા કરીને ભીમસેનને મારવા ધસ્યો.ને ભીમની પીઠ પર બે હાથથી પ્રહાર કર્યો,તેમ છતાં,ભીમ,ખાતો જ રહ્યો ને તેણે રાક્ષસ સામે જોયું પણ નહિ.ત્યારે ધુંવાપુંવા થયેલો તે બળવાન રાક્ષસ ઝાડને ઊંચકીને,ભીમને મારવા ફરી ધસ્યો.ત્યારે,ભીમે ભોજન આટોપીને,મોં ધોયું ને યુદ્ધ માટે ઉભો થયો.
રાક્ષસે જે ઝાડ ફેંક્યું હતું,તે ભીમે,ડાબે હાથે પકડી લીધું ને તેનો સામે પ્રહાર કર્યો.પછી રાક્ષસે અનેક ઝાડો ઉખાડીને ફેંક્યા,ત્યારે ભીમે પણ તે જ ઝાડો પકડી લઈને સામાં ફેંક્યાં.આમ,બંને વચ્ચે મહા ભીષણ યુદ્ધ થયું.
છેવટે, ભીમે તેને જમીન પર પછાડીને,ઢીંચણથી મારી તેને બેવડ વાળી,તેના મુખ પર મુષ્ટિપ્રહાર કર્યા,
ત્યારે તે ભીષણ રાક્ષસના મોંમાંથી લોહી બહાર આવવા લાગ્યું.(4-28)
અધ્યાય-163-સમાપ્ત
અધ્યાય-૧૬૪-બકાસુરનો વધ
II वैशंपायन उवाच II ततः स भग्नपाश्वांगो नदित्वा भैरवं रवम् I शैलराजंप्रतिकाशो गतासुरभवद्वकः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,અંગોથી ભાગી ગયેલો,તે પર્વત જેવો બક રાક્ષસ,ભયંકર ચીસ પાડીને નિષ્પ્રાણ થઇ ગયો.
તે ચીસથી ગભરાઈને,ભયભીત થયેલા તેના માણસો ઘરમાંથી બહાર નીકળી આવ્યા,ત્યારે ભીમે તેમને મૂઢ થયેલા જોઈને સાંત્વન આપીને તેમની સાથે શરત કરી કે-'તમારે ક્યારે ય માણસો મારવા નહિ,ને જો મારશો તો તમારા પણ આવા જ હાલ થશે' ને ત્યારે રાક્ષસોએ,માણસોને નહિ મારવાની તે શરતને કબુલ કરી (1-6)
પછી,ભીમે,તે મરેલા રાક્ષસને દરવાજા પર નાખ્યો,ને કોઈને ય ખબર ન પડે તેમ ત્યાંથી ચાલી નીકળ્યો.
ને ઘેર જઈને,તેણે સર્વને આદિથી અંત સુધીનો સઘળો વૃતાંત કહ્યો.
સવારે,નગરના લોકો જયારે,નગર બહાર ગયા ત્યારે તેમણે તે રાક્ષસને મરેલો જોયો,તો તેઓ હર્ષથી રોમાંચિત થયા ને નગરમાં જઈને સર્વને તે સમાચાર આપ્યા.જેથી નગરના સર્વ નગરવાસીઓ,તે મૃત રાક્ષસને જોવા આવ્યા.
ને આવું અમાનુષ કર્મ જોઈને તેઓ વિસ્મિત થઈને દેવતાઓનું પૂજન કરવા લાગ્યાં (7-13)
પછી,સઘળા લોકો,'આજે કોનો વારો હતો?' તેની તપાસ કરીને,બ્રાહ્મણને ઘેર આવીને તેને પૂછવા લાગ્યા.
ત્યારે તે બ્રાહ્મણે પાંડવોની વાત ગુપ્ત રાખી,સૌ નગરનજનોને કહેવા લાગ્યો કે-'હું રાક્ષસને ભોજન આપવા જવા માટે રડતો હતો,ત્યારે કોઈ એક મંત્રસિદ્ધ મહામનવાળા મહાત્માએ મને જોયો,ને મને પૂછીને નગરનું દુઃખ જાણી લીધું,ને મને વિશ્વાસ આપીને કહ્યું કે-'હું જ ભોજન પહોંચાડીશ,મારે માટે તમે કોઈ ભય ન રાખશો'
ને પછી,તે અન્ન લઈને બકના વન તરફ ગયો હતો,એટલે નક્કી,તેણે જ આ લોકહિતનું કાર્ય કર્યું હશે.
આ સાંભળીને સર્વ નગરજનો પ્રસન્ન થયા ને પ્રસન્ન થઇ ત્યાં તેમણે મોટો બ્રહ્મમહોત્સવ કર્યો.
પછી,એ અદ્ભૂત આશ્ચર્યની વાતો કરતા તેઓ નગરમાં આવ્યા ને પાંડવો તો બ્રાહ્મણને ત્યાં જ રહ્યા.(14-21)
અધ્યાય-164-સમાપ્ત
બકવધ પર્વ સમાપ્ત