અધ્યાય-૧૬૨-યુધિષ્ઠિર ને કુંતીનો સંવાદ
II वैशंपायन उवाच II करिष्य इति भीमेन प्रतिज्ञातेSथ भारत I आजम्युस्ते ततः सर्वे भैक्षमादाय पाण्डवाः II १ II
વૈશંપાયન બોલ્યા-ભીમે જયારે 'હું કરીશ' એવી પ્રતિજ્ઞા કરી,ત્યાં તો સર્વ પાંડવો ભિક્ષા મેળવીને આવ્યા,
ભીમના મોં પરના ભાવને કળી જઈને,યુધિષ્ઠિર,એકાંતમાં માતા કુંતીને પૂછવા લાગ્યા કે-'આ ભયંકર પરાક્રમી
ભીમે શું કામ કરવા ધાર્યું છે?તમારી એમાં સંમત્તિ છે? કે પોતે જ તે કરવાનું લઇ બેઠો છે?
કુંતી બોલી-મારા વચનથી જ,બ્રાહ્મણના માટે ને નગરના મોક્ષ માટે તે એક મહાન કાર્ય કરશે (1-4)
યુધિષ્ઠર બોલ્યા-તમે આ દુષ્કર ને ભયંકર સાહસ શા માટે કર્યું?પારકા માટે તમે તમારા પુત્રને શા માટે
ત્યજવા ઈચ્છો છો? સાધુઓ પુત્રત્યાગને પ્રશંસતા નથી,તમે લોક અને વેદથી વિરુદ્ધ વર્તન કર્યું છે.
જે ભીમના બે બાહુને આશરે,આપણે સૌ સુખેથી સુઈએ છીએ,ને પડાવી લીધેલા રાજ્યને ફરી હાથ કરવા છીએ,
જેના બાહુબળના વિચારથી દુર્યોધન-શકુનિ રાતે નિરાંતે સુઈ શકતા નથી,જેના પરાક્રમથી આપણે લાક્ષાગૃહમાંથી
છુટયાં છીએ,જેણે પુરોચનને ને હિડિમ્બને માર્યો છે,તે ભીમનો ત્યાગ કરવો,તે તમે કઈ બુદ્ધિનો આશરો લઈને નક્કી
કર્યો છે? શું દુઃખોને લીધે,તમે તમારી બુદ્ધિ અને જ્ઞાન ખોઈ બેઠાં છો? (5-11)
કુંતી બોલી-હે યુધિષ્ઠિર,વૃકોદર (ભીમ) વિશે તારે સંતાપ કરવો જોઈએ નહિ,મેં બુદ્ધિની નિર્બળતાથી આ નિશ્ચય કર્યો નથી.કૌરવો ન જાને તેમ આપણે આ બ્રાહ્મણના ત્યાં,સત્કારપૂર્વક નિશ્ચિન્ત થઇ રહ્યાં,તેનો બદલો વાળવાનું મેં વિચાર્યું છે.જો કોઈ ઉપકાર કરે તો સામે અનેકગણો ઉપકાર કરવો જોઈએ,તેમ સંતો કહે છે.
વળી,લાક્ષાગૃહમાં ભીમનું મહાપરાક્રમ જોઈને,તથા હિડિમ્બના વધ ઉપરથી,ભીમ પર મને વિશ્વાસ બંધાયો છે.
ભીમમાં,દશહજાર હાથીઓનું બાહુબળ છે,તે વિષ્ણુને પણ યુદ્ધમાં હરાવી શકે તેવો અજોડ છે.પૂર્વે જન્મતાંની સાથે જ,
એ મારા ખોળામાંથી ઉછળીને શિલા પર પડ્યો ત્યારે તે શિલાના ચૂરેચૂરા થઇ ગયા હતા.
માટે,ભીમનું બળ,મેં બુદ્ધિપૂર્વક જાણીને જ,બ્રાહ્મણને,પ્રત્યુપકાર કરવા માટે જ મેં આ નિશ્ચય કર્યો છે,
હે યુધિષ્ઠિર,આથી બે પ્રયોજનો ફલિત થશે,એક તો,પ્રત્યુપકાર ને બીજું મહાન ધર્મનું આચરણ.
જે ક્ષત્રિય,બ્રાહ્મણને કોઈ હેતુમાં,સહાય કરે,તો તે શુભ લોકને પામે એમ હું માનું છું.
વળી,પૂર્વે,વ્યાસજીએ પણ મને,આમ જ કહ્યું હતું,તેથી જ મેં આ કાર્ય કરવા ધાર્યું છે (12-21)
અધ્યાય-162-સમાપ્ત