Apr 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-152

 
અધ્યાય-૧૬૦-કુંતીનો બ્રાહ્મણને પ્રશ્ન 

II कुन्त्युवाच II कुतोमुलमिदं दुःखं ज्ञातुमिच्छामितत्वत्तः I विदित्वाप्यकर्पेयं शक्यं चेदपकर्पितुम् II १ II

કુંતી બોલી-તમારા આ દુઃખનું મૂળ ક્યાં છે?તે હું તત્ત્વતઃ જાણવા ઈચ્છું છું,

તે જાણીને,તે દુઃખ દૂર કરવાનું શક્ય હશે તો હું તેમ કરીશ,માટે તે તમે મને કહો (1)

બ્રાહ્મણ બોલ્યો-હે તપોધના,તમે જે બોલો છે તે સંતોને છાજે તેવું છે,પણ મારુ આ દુઃખ કોઈ માનવીથી દૂર 

થાય તેમ નથી.આ દુઃખ એ છે કે-નગરની સમીપ મહાબળવાન બક (બકાસુર) નામનો રાક્ષસ રહે છે જે આ નગર અને પ્રદેશનો સ્વામી છે.માણસનું માંસ ખાઈને તે દુર્બુદ્ધિ પુષ્ટ થયો છે,(જો કે) તે આ પ્રદેશનું નિત્ય રક્ષણ કરે છે 

કે જેથી,અમને કોઈ શત્રુઓને પ્રાણીઓની ભીતિ નથી.(2-5)

પણ,એ રક્ષણના બદલામાં,એક વાહ (વીસ ખારી) ચોખા,બે પાડા,અને એક પુરુષ,એટલું ભોજન,તેના વેતન 

લેખે નક્કી કરવામાં આવ્યું છે.(નગરનો) પ્રત્યેક માણસ તેને (તેનો વારો આવતાં) આ મુજબ ભોજન આપે છે.

માણસોને આ આકરો વારો ઘણા વર્ષે આવે છે.કદી કોઈ માણસ આમાંથી છટકવા પ્રયત્ન કરે છે,

તો તે રાક્ષસ,તેમને તેમનાં,પુત્ર,પત્ની સાથે ભરખી જાય છે.(6-8)


હવે,વેવકીય નામે જે અહીંનો રાજા છે,તે અહીં ન્યાયનીતિમાં રહેતો નથી,વળી,તે મંદબુદ્ધિવાળો,

આ વસ્તી કાયમને માટે,ઉપદ્ર્રવથી  મુક્ત થાય તેવો ઉપાય યત્નપૂર્વક કરતો નથી.

આમ,અમે સાચે જ દુર્બળનાં રાજ્યમાં વસીએ છીએ,એ ભૂંડા રાજાને વળગી રહેલાં અમે ઉદ્વેગ પામીએ છીએ,

આજે કુળનો વિનાશ કરનારો,તે વારો અમારો આવ્યો છે,મારે તે રાક્ષસને,ભોજન ને એક પુરુષ વેતનરૂપે આપવા જવાનું છે.કોઈ પુરુષને વેચાતો લેવા જેટલું મારી પાસે ધન નથી-ને સંબંધીને સોંપવાની મારી હામ નથી.એટલે.

તે રાક્ષસથી છૂટવાનો મને કોઈ માર્ગ જણાતો નથી,ને હું દુઃખના અપાર મહાસાગરમાં ડૂબી ગયો છું,મને લાગે છે કે-હું સર્વ સાથે જ રાક્ષસ પાસે જાઉં,કે જેથી,સર્વેને એકસામટા જ ખાઈ જાય (9-18)

અધ્યાય-160-સમાપ્ત 


અધ્યાય-૧૬૧-ભીમે બકાસુર પાસે જવાનું સ્વીકાર્યું 


II कुन्त्युवाच II न विषादस्त्वया कार्यो भयाद्स्मात्कथंचन I उपायः परिदष्टोत्र तस्मान मोख्स्य रक्षसः II १ II

કુંતી બોલી-હે બ્રહ્મન,તમે ખેદ ન કરો,ભય ન રાખો,તે રાક્ષસથી ઉગરવાનો ઉપાય મને જડ્યો છે,તમારામાંથી કોઈ પણ રાક્ષસ પાસે જાય તે મને રુચતું નથી,મારે પાંચ પુત્રો છે,તેમાંથી એક,તે પાપી રાક્ષસ માટે બલિ લઈને જશે.


બ્રાહ્મણ બોલ્યો-મારુ જીવન બચાવવા માટે હું (તમારા પુત્રને મોકલવાનું) આ કામ ક્યારે ય નહીં કરું.મારા સ્વાર્થ માટે,બ્રાહ્મણના અને તે પણ અતિથિના-પ્રાણ લેવાનું હું સાહસ કરીશ નહિ.બ્રાહ્મણવધ ને આત્મવધમાં,મને આત્મવધ જ મંગલકારી લાગે છે,કેમ કે બ્રહ્મહત્યા મહાપાપ છે,અજાણતાં પણ બ્રાહ્મણવધ કરવો,તે કરતાં આત્મવધ કરવો તે વધુ સારું છે-એમ મારી સમજ છે.હું કંઇ,મારી મેળે જ મારો વધ ઈચ્છતો નથી,પણ બીજો કોઈ મારો વધ કરે તેમાં મને કોઈ પાપ લાગે નહિ.વળી,તમે તો અતિથિ પણ છો,અતિથિનો વધ પણ નિંદ્ય છે.

પત્ની સાથે ભલે મારો વિનાશ થાય પણ હું ક્યારેય બ્રાહ્મણના વધને માટે સંમત નહિ થાઉં (1-12)


કુંતી બોલી-'હે બ્રહ્મન,મારો પણ એ નિશ્ચિત મત છે કે-વિપ્રોનું રક્ષણ કરવું જ જોઈએ,પણ,તે રાક્ષસ,મારા પુત્રનો વિનાશ કરી શકે તેમ નથી,મારો પુત્ર વીર્યવાન,મંત્રસિદ્ધ ને તેજસ્વી છે.મારુ એવું ચોક્કસ માનવું છે કે,તે રાક્ષસને સર્વ ભોજન પહોંચાડશે ને (તેને મારીને) પોતાને બચાવી લેશે.તે વીરે,મહાકાય ને બળવાન એવા અનેક રાક્ષસોને મારી નાખ્યા છે.પણ,તમે આ વાત કોઈને  પણ ક્યારે ય કહેશો નહિ,કેમ કે વિદ્યાર્થીઓ,કુતુહલથી,મારા પુત્રને 

(આ વિદ્યા શીખવા) પજવવા લાગશે.ને ગુરુની આજ્ઞા વિના,મારો પુત્ર જો આ વિદ્યા ભણાવે તો,

પોતે આ વિદ્યાથી આવું કાર્ય કરી શકે નહિ,એવો સંતોનો મત છે'


કુંતીએ આમ કહ્યું,ત્યારે,તે બ્રાહ્મણ ને તેની પત્ની હર્ષ પામ્યાં ને કુંતીના વચનોને તેમને સત્કાર્યા.

પછી,કુંતીએ ને તે બ્રાહ્મણે સાથે મળીને પવસુંત ભીમસેનને તે કઠોર કાર્ય કરવાનું કહ્યું,

ત્યારે ભીમસેને ઉત્તર આપ્યો કે-'ભલે,હું તેમ કરીશ' (13-20)

અધ્યાય-161-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE