અધ્યાય-૧૫૯-બ્રાહ્મણપુત્ર ને પુત્રીનાં વચન
II वैशंपायन उवाच II तयोर्दुखितयोर्वाक्यमतिमात्रं निशम्य तु I ततो दुःखपरितांगी कन्या तावम्यभाषत II १ II
વૈશંપાયન બોલ્યા-તે બેઉ (પતિ-પત્ની)નાં વચનોને પુરાં સાંભળીને સર્વાંગે દુખે ઘેરાયેલી તે કન્યા (પુત્રી)
તે બંનેને કહેવું લાગી કે-'તમે બંને અત્યંત દુઃખાતુર થઇ અનાથની જેમ કેમ રોઈ રહ્યા છો? તમે મારુ વચન સાંભળો અને તે સાંભળીને તમને યોગ્ય લાગે તેમ કરો.ધર્મ અનુસાર તમારે બંને મારો જ ત્યાગ કરવો ઘટે છે,એમાં સંશય નથી.ટી ત્યજવાને યોગ્ય એવી મને ત્યજીને તમે સૌની રક્ષા કરો.'સંતતિ પોતાને તારશે' એ હેતુથી જ સૌ સંતતિને ઈચ્છે છે,તો આ આવી ઉભેલા સંકટકાળે તમે મને હોડી રૂપ કરીને તરી જાઓ.(1-4)
આ મારો ભાઈ,જે નાનો બાળક જ છે,તે તમે પરલોક જતાં ટૂંક વખતમાં જ વિનાશ પામશે,તે વિષે શંકા નથી.
પિતા સ્વર્ગે જતાં,ને નાનો ભાઈ નાશ પામતાં પિતૃઓના પિંડનો લોપ થશે અને એમ તેમનું ભારે અનિષ્ટ થશે.
પિતાવિહિન થયેલી,હું પણ આકરું દુઃખ પામીને અવશ્ય કમોતે જ મરી જઈશ.પણ જો તમે વિના આંચે ઉગરી જાઓ તો.માતા,બાળક,ભાઈ,વંશ ને પિંડ-એ સૌ નિઃસંશય સ્થિરતા પામશે.(5-10)
પુત્ર આત્મારૂપ છે,પત્ની મિત્રરૂપ છે ને પુત્રી આપત્તિરૂપ છે,તો તમે આપત્તિરૂપથી મુક્ત થાઓ,ને મને ધર્મમાં
નિયુક્ત કરો.હે પિતા,તમારા વિના હું બાળા,સદૈવ ગરીબ બની જઈશ અને મારે જ્યાંત્યાં ભટકવું પડશે.
તો મને આ કુળનો બચાવ કરવા દો અને અતિ દુષ્કર કર્મ કરીને મારા મરણને સફળ થવા દો.
જોકે,રાક્ષસને કન્યા આપવાથી દેવો ને પિતૃઓ હિતકારી થતા નથી,એવું મેં સાંભળ્યું છે,
તો પણ,તમે (અત્યાર સુધી) આપેલી જલાંજલિથી તેઓ હિતકારક થશે જ.(11-18)
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે તે કન્યાનો બહુવિધ વિલાપ સાંભળી,માતા,પિતા,પુત્રી ત્રણે જણ રડવા લાગ્યા,
તે સૌને રડતાં જોઈને,બાળક-પુત્ર,હાથમાં એક તણખલું લઈને કાલી કાલી ભાષામાં કહેવા લાગ્યો કે-
'હે બાપુ,હે માતા, હે બહેન તમે રુઓ નહિ,હું આનાથી (તણખલાથી)તે નરભક્ષી રાક્ષસને મારીશ.
ત્યારે ત્રણેના મુખ પર જરા હાસ્ય આવ્યું,ત્યારે 'હવે સમચાવ્યો છે' એમ સમજીને કુંતી તેમની પાસે જઈ,
નિષ્પ્રાણ થયેલાને અમૃતથી જીવાડતી હોય,તેમ કહેવા લાગી (19-24)
અધ્યાય-159-સમાપ્ત