Apr 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-150

 
અધ્યાય-૧૫૮-બ્રાહ્મણીનાં વચન 

II ब्राह्मण्युवाच II न संतापस्तव्या कार्यः प्राकृतेनेव कहिचित् I न हि संतापकालोऽयं वैद्यस्य तव विद्यते II १ II

બ્રાહ્મણી બોલી-પ્રાકૃત માણસની જેમ,તમારે,ક્યારેય આવો સંતાપ કરવો ન જોઈએ.તમારા જેવા વિદ્વાનને માટે આ સંતાપનો સમય નથી.આ લોકમાં સૌ મનુષ્યોને,એક દિવસ તો મરણના પંથે જવાનું જ છે.માટે,તેને માટે સંતાપ કરવો યોગ્ય નથી.પત્ની,પુત્ર,પુત્રી -એ સૌને,સર્વ લોક સ્વકલ્યાણ માટે જ ઈચ્છે છે.તમે સદબુદ્ધિ ધારણ કરીને વ્યથાને છોડી દો,

હું પોતે જ (બકાસુર રાક્ષસ પાસે) ત્યાં જઈશ,કેમ કે સ્ત્રીઓનું સનાતન કર્તવ્ય છે કે પત્નીએ પ્રાણને ઓવારીને પણ સ્વામીની હિત આચરવું.પત્નીનો એ મહાન ધર્મ છે.

એમાં તમારા ધર્મ અને અર્થ- બંને પણ સારી રીતે સિદ્ધ થશે,કેમ કે જે માટે પત્નીની ઈચ્છા કરવામાં આવે છે,

તે અર્થ તમને મારામાં સાંપડ્યો છે.પુત્ર ને પુત્રી આપીને,તમે મને ઋણમુક્ત કરી છે.પુત્ર ને પુત્રીના,રક્ષણ ને પોષણ માટે તમે સમર્થ છો,હું તેમનાં રક્ષણ-પોષણ માટે શક્તિમાને નથી.હે સ્વામી,તમારા વગર આ બાળકો કેવી રીતે રહી શકશે?ને તેમને હું કેવી રીતે જીવાડીશ? કોઈ કલંકિત માણસો આ પુત્રીનું માંગુ કરશે તો હું તેનું રક્ષણ કેવી રીતે કરી શકીશ? પતિ વિનાની સ્ત્રીઓ પર સર્વ પુરુષો તાકયા કરે છે,સતાવે છે,તો હું મારુ રક્ષણ કેમ કરીશ?


અનાથ,એવા આ બાળકમાં,તમારા જેવા ધર્મદૃષ્ટાની જેમ હું કેમ કરીને ઇષ્ટ ગુણો મૂકી શકીશ?

અયોગ્ય મનુષ્યો આવીને આ બાલની માંગણી કરશે,ને જો હું તેમને નહિ આપું તો તે બળાત્કારે,તેને ઉપાડીને લઇ જશે,ને હું કશું કરી શકીશ નહિ.ને તમારા પુત્રને તમારા જેવો યોગ્ય થયેલો ન જોઈને,આ લોકમાં હું અનાદર પામીને,નિઃસંશય હું મરી જ જઈશ.ને પછી,મારા ને તમારા વિનાનાં થયેલ બાળકો પણ વિનાશ પામશે.

આમ,હું ને આ બંને બાળકો નક્કી વિનાશ પામીશું,તેથી તેમ ન થવા માટે તમારે મને ત્યજવી યોગ્ય નથી.(1-21)


હે બ્રહ્મન,ધર્મજ્ઞો જાણે છે કે-પુત્રવતી સ્ત્રીઓ,સ્વામીની પહેલાં પરલોકને પામે,તે તેમનું મહાસૌભાગ્ય છે.

તમારે માટે,મેં આ બાળકો ને ત્યજીને તમને જીવન સમર્પિત કર્યું છે તેમ તમે જાણો.કેમ કે સ્ત્રીઓ,નિત્ય સ્વામીના પ્રિયહિતમાં રહે -એ યજ્ઞો,તપો,દાનો વગેરે કરતાં પણ વિશેષ છે.ને આ પરમમાન્ય ધર્મ હું આચરવા ઈચ્છું છું.

એક બાજુ આખું કુળ ને બીજી બાજુ કુળને વૃદ્ધિ કરનારું શરીર,એ બંનેની તુલના કરતાં,કુળને જ પ્રાધાન્યતા આપવી,એવો વિદ્વાનોનો નિર્ણય છે,જેથી તમે મારાથી,આ કાર્ય સાધીને,તમારી જાતને બચાવી આ બાળકોનું પરિપાલન કરો ને મને જવાની આજ્ઞા આપો.(22-30)


વળી,ધર્મજ્ઞો કહે છે કે-સ્ત્રીઓ વધને યોગ્ય નથી ને વળી,તેઓ રાક્ષસોને ધર્મજ્ઞ પણ કહે છે,જો આમ જ હોય,

તો તેવું પણ બને કે તે રાક્ષસ મને મારે જ નહિ ! પણ પુરુષોના વધમાં તો સંદેહ છે જ નહિ.માટે,

તમે મને જ (તે રાક્ષસ) આગળ ધરો તે જ વધુ યોગ્ય છે.મેં ભોગો ભોગવ્યા છે,પ્રિયહિતો મેળવ્યા છે,

મહાન ધર્મ આચર્યો છે ને તમારાથી મેં પ્રિય સંતતિ પણ પ્રાપ્ત કરી છે,એટલે મને જીવ છોડતાં કોઈ સંતાપ નથી.

મને સંતતિ થઇ છે,ને હું વૃદ્ધ થઇ છું ને મેં તમારું સદા પ્રિય ઇચ્છયું છે.એટલે સર્વ વિચારીને મેં નિશ્ચય કર્યો છે.

હે આર્ય,મને ત્યજીને પણ તમે બીજી સ્ત્રી મેળવી શકશો,એટલે તમારો ગૃહસ્થ ધર્મ યોગ્ય રીતે સચવાશે.

બીજી પત્ની કરવી તે પુરુષો માટે અધર્મરૂપ નથી પણ સ્ત્રી,પૂર્વપતિનું ઉલ્લંઘન કરી બીજો પતિ કરે તો તે મહાન અધર્મ છે.આ બધું વિચારને તમે આજે તરત જ તમારી જાતને ને તમારા કુળને અને આ બે બાળકોને બચાવી લો'

વૈશંપાયન બોલ્યા-પછી તે પતિપત્ની એકબીજાને ભેટી દુઃખી થઇ આંસુ સારવા લાગ્યા (30-38)

અધ્યાય-158-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE